- નડિયાદના યુવક હિમાંશુ કાછિયાએ અમદાવાદની સોનુ ત્રિવેદી સાથે કેનેડામાં પ્રેમલગ્ન કર્યા હતા
- 2019માં લગ્ન બાદ તકરાર શરૂ થતાં બન્નેએ સમજૂતી સાથે છૂટાછેડા લીધાં હતાં
- હિમાંશુ કેનેડાથી ઇન્ડિયા આવ્યો છે કે નહીં એની તપાસ કરવા માટે જ તેજસ આવ્યો હતો
નડિયાદ શહેરના પીપલગ ચોકડી પાસે આવેલા સમય એલિગન્સમાં શુક્રવારે સાંજે અમદાવાદથી ભાડુઆતી ગુંડાઓની ટોળકીએ આવીને કેનેડાથી આવેલા યુવકના ઘરે જઇને હિચકારો હુમલો કર્યો હતો. યુવકના સાસરીપક્ષના શખસે તેની ટોળકી સાથે આવીને ઘરમાં તેમજ ઘરની બહાર પાર્ક કરેલી ગાડીની તોડફોડ કરી હતી. આ મામલે પશ્ચિમ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
પિતાની ખબર કાઢવા માટે પુત્ર ઇન્ડિયા આવ્યો હતો
હિમાંશુના પિતા નડિયાદ એ.પી.એમ.સી.માં વેપારી છે. તેમને થોડા સમય અગાઉ કોરોના થયો હોવાથી તે ખાસ પિતાને મળવા માટે ઇન્ડિયા આવ્યો હતો. આ દરમિયાન તેનાં સાસરિયાં દ્વારા તેની પર હુમલો કરાવવામાં આવ્યો હતો, જેને કારણે તે ભયભીત થઇ ગયો હતો. હિમાંશુ અને તેમનાં પરિવારજનોએ તેજસ પટેલ અને તેની સાથે આવેલા તેના ભાડૂતી ગુંડાઓને ઘરની બહાર ધકેલી કાઢ્યા બાદ, તેમણે ઘરની બહાર મૂકેલી ગાડીમાં તોડફોડ કરી હતી અને દરવાજો પણ તોડ્યો હતો.
પરિવારે સમય સૂચકતા દાખવતાં મોટી ઘાત ટળી
તેજસ અને તેના ભાડૂઆતી ગુંડાઓએ હિમાંશુ પર હુમલો કરતાંની સાથે જ હિમાંશુ તેનાં માતા-પિતા, ભાઇ અને નાનીએ ભાડૂઆતી ગુંડાઓને ઘરની બહાર ધકેલી દઇને દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. ભાડૂઆતી ગુંડા હાથમાં લોખંડના સળિયા અને લાકડાના ડંડા લઇને આવ્યા હતા. જો પરિવારજનોએ સમયસૂચકતા ન દાખવી તો આ હુમલો જીવલેણ બન્યો હોત. આ હુમલામાં હિમાંશુનાં 79 વર્ષનાં નાનીએ પણ ગુંડાઓ સાથે બાથ ભીડીને તેજસ અને તેના ભાડૂતી ગુંડાઓને ઘરની બહાર તગેડ્યાં હતાં.
તેજસ બે દિવસ અગાઉ રેકી કરવા આવ્યો હતો
હિમાંશુ ઇન્ડિયા આવ્યો હોવાની માહિતી તેના સાસરિયાંને મળી હતી. આ માહિતી કોણે પહોંચાડી એ તપાસનો વિષય છે. દરમિયાન તેજસ બારોટ બે દિવસ પહેલાં પણ નડિયાદ આવ્યો હતો અને હિમાંશુની મુલાકાત લઇને પરત ગયો હતો. હિમાંશુ કેનેડાથી ઇન્ડિયા આવ્યો છે કે નહીં તેની તપાસ કરવા માટે જ તેજસ આવ્યો હતો અને બાદમાં પ્લાન કરીને શુક્રવારે હુમલો કર્યો હતો. આ હુમલાને કારણે નડિયાદ શહેરમાં આસપાસના સ્થાનિકો મોટી સંખ્યામાં ઊમટી પડયા હતા.
તેજસ અને દીપક સહિતના શખસો સામે ગુનો નોંધાયો
સમગ્ર ઘટના મામલે હિમાંશુ કાછિયા પટેલની ફરિયાદના આધારે તેજસ બારોટ (રહે.મણિનગર) અને દીપક ત્રિવેદી (રહે.અમદાવાદ) ઉપરાંત અજાણ્યા ભાડૂઆતી ગુંડાઓ સામે પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
હુમલાખોર તેજસ તેના બે મોબાઇલ ફોન ભૂલી ગયો
હિમાંશુ પર હુમલો કરવા આવેલો અમદાવાદનો તેજસ બારોટ તેના બે મોબાઇલ ફોન હિમાંશુના ઘરમાં જ ભૂલી ગયો હતો, જે તેણે પોલીસને આપી દીધા હતા. પોલીસે મોબાઇલ કબજે લઇને તપાસ હાથ ધરી રહી છે.