નડિયાદ શહેરમાં માઈ મંદિર રેલવે ગરનાળું આવેલું છે. આ ગરનાળામાં ગટરનું ગંદુ પાણી બારેમાસ ભરાયેલું રહેવાના કારણે લોકો ગંદા પાણી ડહોળી અવરજવર કરવા મજબૂર બન્યા છે. ત્યારે ગંદા પાણીના નિકાલ માટે કુંડી નીચે ઉતારવા લાગણી અને માંગણી વ્યાપી છે.નડિયાદ સંતરામ રોડ પરથી માઈ મંદિર તરફ અવરજવર માટે રોડ આવેલો છે.
આ રોડ પર આવેલા રેલવે ગરનાળામાં બારેમાસ ગટરના ગંદા પાણી ભરાયેલા રહે છે. આ ગંદા પાણીના નિકાલ માટે ગરનાળાની સાઈડ પર ઢાળીયો નીક બનાવવામાં આવી છે, તેમજ ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન નીચે કુંડી બનાવવામાં આવી છે. આ પાણી કુંડીની જાળી ઉંચી હોવાને કારણે ગંદા પાણીનો નિકાલ થતો નથી. જેના લીધે ગંદા પાણી આખા રસ્તા પર ભરાયેલા રહે છે. આ પાણી આખા રસ્તામાં ફેલાતું અટકાવવા માટીનો પાળો બનાવવામાં આવ્યો છે. છતાં પાણીનો નિકાલ ન થવાના કારણે બારેમાસ ગરનાળામાં ચોમાસું હોય તેવી સ્થિતિ જોવા મળે છે.ત્યારે ગરનાળામાં ગંદુ પાણી ફેલાતું અટકાવવા માટીની પાળો બનાવવાને બદલે પમ્પિંગ સ્ટેશનમાં પાણીના નિકાલ માટે બનાવેલી કુંડી નીચે ઉતારવાની તાતી જરૂર છે. ત્યારે પાલિકાના સત્તાધીશો દ્વારા માઇ મંદિર ગરનાળામાં ભરાતા ગંદા પાણીના કાયમી નિરાકરણ લવાય તેવી માગણી ઉઠવા પામી છે.