ખેડા જિલ્લાના વડામથક નડિયાદમાં ડભાણ રોડ પરની નવી કલેક્ટર કચેરી પાસે લોકલ, એક્સપ્રેસ ST બસોનું સ્ટોપેજ હોવા છતાં એક્સપ્રેસ બસો ઊભી ન રહેતા અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સીટીમા જ ઊભી રહેશે તેમ જણાવી 1 કીમી દૂર રામતલાવડી ખાતે અરજદારોને ઉતરવા મજબુર થવુ પડે છે. જેથી અરજદારોને પાછુ રીક્ષામા પૈસા ખર્ચી સેવા સદન ખાતે આવવુ પડે છે. એક્સપ્રેસ બસના ડ્રાઇવર કંડકટરની મનમાનીથી બસો ઊભી ન રખાતી હોવાના આક્ષેપ કરાયા છે. જેથી અરજદારોને હાલાકી વેઠવી પડે છે. ત્યારે અહીયા સેવા સદન બહાર એક્સપ્રેસ બસના સ્ટોપેજના બોર્ડ ફ્કત શોભાના ગાંઠિયા સમાન બન્યા હોય તેવુ સ્પષ્ટ પણે જણાય છે. એસટી વિભાગ આ મામલે કોઇ કાર્યવાહી કરે તેવી લોક માગ ઉઠી છે.
જિલ્લાનું મુખ્ય મથક નડિયાદમાં સરકારી કામ અર્થે રોજબરોજ જિલ્લાના અલગ-અલગ તાલુકા માથકોથી અને અન્ય જિલ્લાઓમાંથી લોકો આવતાં જતાં હોય છે. મોટેભાગે મધ્યમ વર્ગ એસટી બસમાં મુસાફરી કરતા હોય છે. ત્યારે અમૂક ડ્રાઇવર કંડક્ટરોની મનમાનીથી પુરા એસટી વિભાગને સોશવાનો વારો આવે છે. નડિયાદમાં ડભાણ રોડ પર નવી કલેક્ટર કચેરી બહાર લોકલ અને એક્સપ્રેસ બસના સ્ટોપેજનું બોર્ડ મારવામાં આવ્યું છે. ત્યારે લોકલ બસ તો ઊભી રહે છે, પરંતુ એક્સપ્રેસ બસો ઊભી ન રહેતા અરજદારોને ભારે હાલાકી ભોગવી પડી રહી છે. ખાસ કરીને સિનિયર સિટીઝન સહિત અન્ય અરજદારોને એક બાજુ સરકારી દફતરના તો ધરમના ધક્કા તો ખાવા જ પડે છે સાથે સાથે બસો ઊભી ન રહેતા સમય અને નાણાંનો વ્યય થાય છે.
નડિયાદ ડેપોના ડેપો મેનેજર રીનાબેન દરજીએ જણાવ્યું હતું કે, આવી ફરિયાદ છે જેની ગંભીરતાપૂર્વક નોંધ લઈએ છીએ. હાલ સ્ટેન્ડ ચાલુ થઈએ સાતથી આઠ માસ વિત્યા છે. પરંતુ એક્સપ્રેસ બસો ઊભી ન રહેતા અમે આ મામલે વિભાગીય કચેરીને જણાવીશું અને બસો ઊભી રહે તેવા પ્રયાસો કરવા બંધાયેલા છે. અરજદારો તથા મુસાફરોને હાલાકી ન પડે તે દિશામાં કામ કરીશું.