Thursday, October 28, 2021
Homeઅથડામણ :ચકલાસીમાં છમકલા બાદ પોલીસની દબંગાઈ સામે લોકરોષ, પો. સ્ટેશન પર ગ્રામજનોનો...
Array

અથડામણ :ચકલાસીમાં છમકલા બાદ પોલીસની દબંગાઈ સામે લોકરોષ, પો. સ્ટેશન પર ગ્રામજનોનો હલ્લાબોલ

નડિયાદ: ચકલાસી ગામે શુક્રવારની રાત્રે અગાઉના ઝઘડાની અદાવતે જૂથ અથડામણ થઇ હતી. જેમાં પોલીસે ટોળાને ખદેડવા માટે લાઠીચાર્જ કરતાં એક યુવાનને ગંભીર ઇજા થઇ હતી. પોલીસની દબંગગીરીના ઘેરા પડઘા પડ્યાં હતાં. જેના વિરોધમાં શનિવારે હિન્દુ સામાજિક સમિતિ, ચકલાસીના નેજા હેઠળ ગામલોકોએ રેલી યોજી ચકલાસી પોલીસ સ્ટેશન ખાતે નાયબ પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપી નિર્દોષ લોકો પર લાઠીચાર્જ કરનારા સીપીઆઈ સામે શિક્ષાત્મક પગલાંની માગણી કરી હતી. ચકલાસીના મોટાકૂવા નજીક રહેતાં અશોકભાઇ વાઘેલાએ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તા.26મી જુલાઇના સાંજે અશોકભાઇ વાઘેલા તેમના મિત્ર મુન્નાભાઇના દીકરાને એકાદ માસ અગાઉ થયેલાં અકસ્માતના ઝઘડા બાબતે ઠપકો આપવા ગયાં હતાં.

અશોકભાઇ પણ સંજયભાઇ સાથે જતાં ગામના ચાવડાવાડમાં રહેતાં ઇકબાલ બાબાભાઇ ચાવડા, આરીફ બાબાભાઇ ચાવડા, બાબા ચાવડા, સોહિલ ઇકબાલભાઇ ચાવડાએ ઉશ્કેરાઇ જઇ ગાળો આપી, લાકડાના ડંડા વડે હુમલો કર્યો હતો. જેમાં અશોકભાઇ તથા સાહેદ સંજયભાઇને ગંભીર ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી ચારેયની ધરપકડ કરી હતી. જોકે, આ બબાલ સમયે પહોંચેલી પોલીસની ટીમે દબંગગીરી કરી લાઠીચાર્જ કર્યો હતો. બનાવના બીજા દિવસે શનિવારે ચકલાસીમાં વેપારીઓએ વેપાર-ધંધા બંધ રાખી વિરોધ જતાવ્યો હતો. જૂથ અથડામણના બનાવના પગલે ગઇરાત્રિથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર હરપાલસિંહ ચૌહાણ, રાજેન્દ્રસિંહ સગર દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. ચકલાસીમાં ધમાલના પગલે શનિવારે નાયબ પોલીસ અધિક્ષક અર્પિતા પટેલ ઘટના સ્થળે પહોંચ્યાં હતાં.

ભૂતકાળમાં વોટર વર્કસના ઓપરેટરને ફડાકો ઝીંકાતાં ડખો થયો હતો : પાલિકા પ્રમુખ
ચકલાસી પાલિકા પ્રમુખ અંબાલાલ પટેલએ વાતચીતમાં જણાવ્યું હતુ કે, ભૂતકાળમાં પાલિકાના વોટર વર્કસના ઓપરેટર ગલાભાઇને માર મારવાની ઘટનામાં વિવાદ થયો હતો, જે ડખો થાળે પડી ગયો હતો. જે અંગે કેસ થયો હતો.

પોલીસે યુવક સહિત નિર્દોષ લોકોને ઢોરમાર માર્યો : ખેડા વિહિપ પ્રમુખ
ચકલાસીના દંગલ મામલે ખેડા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ઋષિ બારોટે જણાવ્યું કે, ગઇકાલે ચકલાસી ગામે પણ જૂની માથાકૂટની તકરારમાં મામલો વણસી ગયો અને પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો હતો. દરમિયાનમાં રાત્રિના આણંદ નોકરી કરી પરત ઘરે આવતા કરણભાઇ વાઘેલાને પોલીસે ઢોરમાર મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. જેને નડિયાદ દવાખાને ખસેડાયો છે. વિહિપ પ્રમુખ બારોટના જણાવ્યાનુસાર, પોલીસે વૃદ્ધ ઉદયસિંહ વાઘેલા તથા તેમના પુત્રવધૂને પણ કારણ વિના માર માર્યો હતો.

ડીવાયએસપી અર્પીતા પટેલને હિન્દુ સામાજિક સમિતિએ આવેદન આપ્યું
ચકલાસીમાં લોકો પર પોલીસે કરેલાં લાઠીચાર્જના વિરોધમાં ગ્રામજનોએ ડીવાયએસપી અર્પિતા પટેલને આવેદનપત્ર આપી નિર્દોષ લોકોને દંડા મારનાર જવાબદાર પોલીસ કર્મીઓ સામે કડક પગલાં ભરવાની માગણી કરી હતી. આ આવેદનપત્રમાં સર્કલ ઇન્સ્પેક્ટર ડી.વી. બદલાણીયા સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યાં હતાં. ભૂતકાળમાં પણ તેમની વિવાદાસ્પદ કામગીરીના કારણે વિવિધ જગ્યાએ બદલી કરવામાં આવી હતી. હાલ તેમના કારણે ચકલાસીમાં માહોલ ડહોળાયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments