કચ્છ: જખૌ પાસે અરબસાગરમાં ગત 21 મેના કોસ્ટગાર્ડે છ પાકિસ્તાની શખસો પાસેથી 500 કરોડના ડ્રગ્સ સાથે પકડી પાડતા સમગ્ર દેશમાં ચકચાર સર્જાઇ હતી. આ બનાવમાં હજુ પણ 122 ડ્રગ્સના પેકેટ શોધવાના બાકી છે. પરંતુ એજેન્સીઓએ આ બાબતે ગંભીર હોય તેવું લાગી રહ્યુ નથી.
122 ડ્રગ્સના પેકેટ અંગે કોઇ સર્ચ ઓપરેશનની તૈયારી નથી
આ અંગે મળતી વિગતો મુજબ પાકિસ્તાની શખ્સોની પૂછપરછમાં તેઓએ 136 ડ્રગ્સના પેકેટ દરિયામાં ફેંકી દીધા હોવાની કબૂલાત આપી હતી. ત્યાર બાદ એજેન્સીઓએ 29/5ના ત્રણ ડ્રગ્સના પેકેટ ક્રીક પાસેથી પકડી પાડ્યા હતા. જેના પગલે તમામ સુરક્ષા એજેન્સીઓએ સર્ચ ઓપરેશન હાથધર્યુ હતુ. ત્યારબાદ અન્ય 10 પેકેટો હાથ લાગ્યા હતા. તેવામાં તાજેતરમાં ભાનુપ્રતાપ બીઓપી પાસે પગડિયાઓને એક પેકેટ મળી આવ્યું હતું. ત્યારે એવું લાગ્યુ હતુ કે સુરક્ષા એજેન્સીઓએ ફરી ક્રીક અને દરિયા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરશે. પરંતુ હજુ સુધી બાકી બચેલા 122 ડ્રગ્સના પેકેટ અંગે કોઇ સર્ચ ઓપરેશનની તૈયારી નથી. તેવામાં આ સંવેદનશીલ બનાવમાં ગંભીરતા દાખવાય તે જરૂરી છે. દરિયાના જાણકારો કહે છે કે જો યોગ્ય દિશામાં તપાસ કરાય તો હજુ પણ આવા પેકેટ મળી શકે છે. સ્થાનિક યુવાનોની પણ મદદ લઇ શકાય તેમ છે. એક પેકેટ મળતા તમામ એજેન્સીઓને દોડવું પડે છે. તેથી તમામ અએજેન્સીઓને સાથે મળી ઓપરેશન હાથ ધરવું જોઇએ.
પેકેટ પર કોફી લખાયુ !
આ ડ્રગ્સના પેકેટ મજબૂત રીતે બાંધવામાં અાવ્યા છે. દિવસો સુધી દરિયામાં તણાયા બાદ પણ પેકીંગને કોઇ અસર થઇ નથી. તો બીજીબાજુ અનેક પેકેટ ઉપર કોફી લખેલુ છે. તેથી અા પેકેટમાં કોફી શા માટે લખેલુ છે તેની તપાસ પણ ચાલુ છે. પેકીંગમાં ત્રણ કવર ચડાવવામાં આવ્યા છે.