નરેન્દ્ર મોદી ધોરડો પહોંચ્યા, ખેડૂત આંદોલન વચ્ચે લખપતના શીખ ખેડૂતો સભાસ્થળે, SPG કાફલો સુરક્ષા માટે ખડેપગે

0
0

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 15 ડિસેમ્બરે એક દિવસીય કચ્છ મુલાકાતે આવી પહોંચ્યા છે. ભુજ એરફોર્સ ખાતે આવીને ત્યાંથી હેલિકોપ્ટરમાં ધોરડો પહોંચ્યા હતા. ભુજ એરફોર્સ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમ, એર કોમોડોર મલુક સિંઘ (વી.એસ.એમ.) ડી.જી.પી. આશિષ ભાટિયા સહિતના આગેવાનોએ સ્વાગત કર્યું હતું. જ્યારે વડાપ્રધાનની સુરક્ષા માટે એસપીજી કાફલો ખડેપગે છે. મોદીના આગમનને પૂર્વે સભાસ્થળે ડોગ-સ્કવોડ દ્વારા સઘન ચેકિંગ કરાયું હતું, જ્યારે દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલન વચ્ચે લખપત નરા ખાતે વસતા શીખ ખેડૂતો વડાપ્રધાનને મળવા ધોરડો સભાસ્થળે પહોંચ્યા હતા. જ્યારે ધોરડો જતાં માર્ગો પર પોલીસ દ્વારા આવતાં તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

લખપતના નરામાં વસતા પંજાબી શીખ ખેડૂતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા ધોરડો સભાસ્થળે પહોંચ્યા

નરેન્દ્ર મોદી તેમના મનપસંદ ધોરડો ખાતે રોકાશે
વડાપ્રધાન આજે 15 ડિસેમ્બરે દિલ્હીથી કચ્છ આવવા રવાના થયા છે. બપોરે 1:30 વાગ્યા આસપાસ તેઓ ક્ચ્છના ભુજ એરપોર્ટ પહોચશે. ત્યાંથી હેલિકોપ્ટર મારફત ધોરડો પહોંચશે. વડાપ્રધાન અગાઉ 14 ડિસેમ્બરના રોજ આવવાના હતા અને રાત્રિરોકાણ ધોરડો ખાતે કરવાના હતા, પરંતુ તેમના કચ્છ પ્રવાસમાં છેલ્લી ઘડીએ ફેરફાર કરાતાં તેઓ હવે માત્ર પાંચ કલાક જ કચ્છમાં રોકાણ કરશે. ધોરડોના સફેદ રણનો સૂર્યાસ્તનો નજરો નિહાળ્યા બાદ સાંજે 7:30 વાગે દિલ્હી જવા રવાના થશે.

ટેન્ટસિટી ખાતેના ડોમથી 3 પ્રોજેક્ટનાં ભૂમિપૂજન અને શિલાન્યાસ કરશે…
પીએમ મોદી ભુજ એરપોર્ટથી સીધા ધોરડો પહોંચશે, જ્યાં ટેન્ટસિટીમાં ઊભા કરાયેલા ડોમમાંથી ગુંદિયાળીમાં આકાર લેનારા ડિસેલિનેશન પ્લાન્ટ, રિન્યુએબલ એનર્જી પાર્ક, સરહદ ડેરી દ્વારા અંજાર ભચાઉ વચ્ચે ઊભા કરાનારા બે લાખ લિટર દૂધના ચિલિંગ પ્લાન્ટનું બપોરે બે કલાકે વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરશે. આ ઉપરાંત કચ્છના પ્રગતીશીલ ખેડૂતો અને સરહદે ખેતી કરતા પંજાબી ખેડૂતો સાથે વાર્તાલાપ કરશે. ભુજમાં બની રહેલા મેમોરિયલ પાર્કની મુખ્યમંત્રી તેમજ અધિકારીઓ સાથે સમીક્ષા કરશે.

ટેન્ટસિટી આગતા-સ્વાગતા માટે સજ્જ…
પીએમની આગતા-સ્વાગતા માટે તંબુનગરી સજ્જ કરી દેવાઇ હતી. કોઇપણ કચાશ ન રહે એ માટે એને આખરી ટચ આપવામાં આવ્યો હતો. વડાપ્રધાન સંભવત: બપોરનું ભોજન અહીં લે તો તેમને પીરસવાનાં વ્યંજનોની સામગ્રી સહિતની તૈયારી આટોપી દેવાઇ હોવાનું લલ્લુજી એન્ડ સન્સના ફાઇનાન્સ મેનેજર ભાવિકભાઇએ જણાવ્યું હતું.

મોદીએ કચ્છના પ્રવાસ વિશે ટ્વીટ કર્યું…
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરતાં જણાવ્યું હતું કે કચ્છે વિકાસની હરણફાળ ભરી છે. ખાસ કરીને કૃષિક્ષેત્રે આ જિલ્લામાં નોંધપાત્ર પ્રગતિ થઇ છે. 15 ડિસેમ્બરે હું વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત કરીશ જેનાથી કચ્છને જે-તે પ્રકલ્પો સંપન્ન થતાં અનેક લાભો મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here