દિલ્હીમાં નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન પર વિપક્ષનાં વિરોધ વચ્ચે હવે અમિત શાહનું મોટું નિવેદન સામે આવ્યું છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે વડા પ્રધાન દ્વારા નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાનો વિરોધ કરી રહેલા વિપક્ષો પર આકરા પ્રહારો કર્યા છે. અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી સંસદભવનના ઉદ્ઘાટનનો બહિષ્કાર કરીને ક્ષુદ્ર રાજનીતિ કરી રહી છે. અમિત શાહે કહ્યું કે, સમગ્ર જનતાના આશીર્વાદ PM મોદી સાથે છે. છત્તીસગઢનો ઉલ્લેખ કરીને તેમણે આ મામલે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી પર પણ નિશાન સાધ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, PM મોદી આઝાદીના અમૃત મહોત્સવના વર્ષમાં દેશની સંસદની નવી ઇમારતનું ઉદ્ઘાટન કરવાના છે, પરંતુ કોંગ્રેસ પાર્ટી અને તેના સહયોગી પક્ષો રાજકારણ કરીને તેનો બહિષ્કાર કરી રહ્યા છે અને એવું બહાનું બનાવી રહ્યા છે કે, રાષ્ટ્રપતિએ ઉદ્ઘાટન કરવું જોઈએ. અમિત શાહે કોંગ્રેસ પર ક્ષુદ્ર રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો.
અમિત શાહે વધુમાં કહ્યું કે, સોનિયા અને રાહુલે છત્તીસગઢમાં વિધાનસભાનું ઉદ્ઘાટન કર્યું. રાજ્યપાલ આદિવાસી હતા તેમને કેમ ન બોલાવાયા? ઝારખંડ, મણિપુર, આસામ અને તમિલનાડુમાં પણ આવું જ થયું હતું. કોંગ્રેસને સંબોધતા તેમણે કહ્યું કે, તમે જે કરો છો તે બધું સારું છે, પરંતુ જો મોદી કરે તો તેનો બહિષ્કાર કરે છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું, દેશની જનતાએ મોદીને બે વખત PM બનાવ્યા. દેશની જનતા કોંગ્રેસની ઈચ્છા પર નથી. મોદીને સંસદમાં બોલવા દેવાતા નથી. હું કોંગ્રેસને કહેવા માંગુ છું. સમગ્ર જનતાના આશીર્વાદ મોદી માટે છે. આ વખતે મોદીને 300થી વધુ સીટો મળશે. લોકો કોંગ્રેસને જોઈ રહ્યા છે, ગત વખતે વિપક્ષનો દરજ્જો પણ મળ્યો ન હતો, આ વખતે એટલી પણ બેઠક નહીં મળે.