ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમની સપાટી 135 મીટરની ઐતિહાસિક ઊંચાઇએ

0
0

ગાંધીનગર- ગુજરાતની બહુહેતુક નર્મદા જળાશય યોજનામાં પહેલીવાર રેકોર્ડબ્રેક 135 મીટરનું જળસ્તર જોવામાં આવ્યું છે. બે વર્ષ પહેલાં બંધનું લેવલ 130.75 જોવામાં આવ્યું હતું. આ વર્ષે ઉપરવાસમાં થયેલા સારા વરસાદના કારણે ગુજરાતમાં પીવાના તેમજ સિંચાઇના પાણીની તંગી હળવી બની છે.

નર્મદા બંધમાં પાણીનું લેવલ જ્યારે 133 અને 134 મીટર થયું હતું ત્યારે ગયા મહિને નર્મદા બંધના 30 પૈકી 10 દરવાજા ખોલી દેવામાં આવ્યા હતા. નર્મદા પૂર નિયંત્રણ કચેરી પાસેથી મળેલી માહિતી પ્રમાણે રવિવારે સાંજે પાણીની સપાટી 134.99 મીટર જોવામાં આવી હતી જે સવારે નવ વાગ્યે 135 મીટરના આંકડાને ટચ થઇ છે. ફરીથી બપોરે આ લેવલ જળવાઇ રહ્યું છે.

નર્મદા બંધમાં પાણીનો ઇનફ્લો 218431 ક્યુસેક અને આઉટફ્લો 188833 ક્યુસેક જોવા મળ્યો છે. 2017માં નર્મદા બંધ પર 30 ગેટ્સ સ્થપાયા પછી તેને બંધ કરવાથી નર્મદા બંધની મહત્તમ ઉંચાઇ 121.92 મીટરથી વધીને 138.68 મીટર થઇ છે. પૂર નિયંત્રણ કક્ષના જણાવ્યા પ્રમાણે ઉપરવાસમાં હજી પણ વરસાદનું જોર ચાલુ રહેશે તો નર્મદા બંધનું જળસ્તર વધીને 138 મીટર થવાની શક્યતા છે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાજેતરમાં કહ્યું હતું કે ગુજરાતને નર્મદા કમાન્ડ ઓથોરિટી દ્વારા બંધમાં મહત્તમ સ્તર સુધી પાણી ભરવા માટે મંજૂરીની જરૂર નથી. રાજ્ય સરકાર તમામ ટેકનિકલ પાસાઓને ધ્યાનમાં રાખીને નર્મદા બંધમાં પાણી ભરી રહી છે. નર્મદા જળાશયમાં પાણીનો જીવંત જથ્થો રાજ્યના ત્રણ કરોડથી વધુ લોકોને પાણી પુરૂં પાડે છે.

નર્મદા ડેમમાં જળ વિદ્યુત યોજના પણ કાર્યાન્વિત થયેલી છે. 200 મેગાવોટના છ ટર્બાઇન અને 50 મેગાવોટના પાંચ ટર્બાઇન મળીને કુલ 1450 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરી શકે છે. આ વીજળીના હક્કદાર મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર રાજ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here