Monday, January 24, 2022
Homeરાજપીપલા ખાતે ૭૦ માં વન મહોત્સવની જિલ્લાકક્ષાની થયેલી ઉજવણી
Array

રાજપીપલા ખાતે ૭૦ માં વન મહોત્સવની જિલ્લાકક્ષાની થયેલી ઉજવણી

ગુજરાતના સહકાર રાજય મંત્રી ઇશ્વરસિંહ પટેલ, જિલ્લા કલેકટરશ્રી આઇ.કે.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડો. જીન્સી વિલીયમ, નાયબ વન સંરક્ષક રામરતન નાલા, નાયબ વન સંરક્ષક પ્રતિક પંડયા, વન વિભાગના અધિકારી/કર્મચારીઓ સહિત વરિષ્ઠ પદાધિકારીઓ વગેરેની ઉપસ્થિતિમાં આજે રાજપીપલા મુખ્ય મથકે વડીયા પેલેસ પાસે આર્યુવેદિક કોલેજ ખાતે ૭૦ મા વન મહોત્સવની ઉજવણીના જિલ્લાકક્ષાના કાર્યક્રમને ખુલ્લો મૂકાયો હતો.

 

સહકાર રાજય મંત્રી ઇશ્વરસિંહ પટેલે દિપ પ્રાગટય દ્વારા જિલ્લા કક્ષાના આ વન મહોત્સવને ખૂલ્લો મૂકતાં જણાવ્યું હતું કે, મુંબઇ રાજય વખતે સને ૧૯૫૦ ભરૂચના પનોતા પુત્ર ડો. કનૈયાલાલ મુન્શી વન મંત્રી હતાં ત્યારથી જ અવિરતપણે વન મહોત્સવની ઉજવણી થઇ રહી છે અને સમગ્ર દેશમાં ૧૯૬૯-૭૦ ના અરસામાં સામાજિક વનીકરણની યોજના જોડીને વન મહોત્સવની શરૂઆત કરાઇ છે. ૨૦૧૭ માં જંગલ વિસ્તાર સિવાયના બહારના ૨.૮૭ ટકાનો વૃક્ષ આચ્છાદિત વિસ્તારની માત્રામાં વધારો થતાં હાલના તેની ટકાવારી ૪.૦૬ ટકા નોંધાઇ છે. રાજયકક્ષાના વન મહોત્સવમાં બદલાવ લાવવા માટે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને દેશના આજના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી ૨૦૦૪ થી થયેલી સાંસ્કૃતિક વનની પરંપરા અન્વયે રાજયમાં આજદિન સુધી ૧૯ જેટલાં સાંસ્કૃતિક વનોનું લોકાર્પણ થયું છે અને તેને લીધે બાળકો, યુવાનો અને વૃક્ષ પ્રેમીઓમાં પર્યાવરણની વિશેષ સમજ અને મહત્તા કેળવાઇ છે, ત્યારે પ્રત્યેક વ્યકિતને પ્રતિ વર્ષે એક વૃક્ષનું વાવેતર કરીને તેના ઉછેર, જતન અને સંવર્ધન માટે સૌ કોઇને સંકલ્પબધ્ધ થવા શ્રી પટેલે આહવાન કર્યુ હતું.

સહકાર રાજય મંત્રી ઇશ્વરસિંહ પટેલે વધુમાં ઉમેર્યુ હતુ કે, મધ્ય ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં લોકો લીમડો અને બાવળના વૃક્ષનો ૧૫ થી ૨૦ વર્ષ ઉછેર કરીને પોતાની દિકરી-દિકરાના લગ્નપ્રસંગે આવા વૃક્ષોની કટીંગ્સ માટેની મંજૂરી મેળવી તેની આવકમાંથી ખર્ચનું આયોજન કરી રહયાં છે. ભૂતકાળમાં ખેડૂતો પોતાના ખેતરમાં ચંદન જેવા કિંમતી વૃક્ષનો ઉછેર કરી શકતા ન હતા પરંતુ તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ખેડૂત ખાતેદારોને કિંમતી ચંદનના વૃક્ષના વાવેતર માટેની અપાયેલી છૂટને લીધે આજે લોકો ચંદનના વૃક્ષની ખેતી પણ કરી રહયાં છે અને હાંસોટમાં આવા ૧ હજાર જેટલા ચંદનના વૃક્ષોનું વાવેતર કરાયું છે. મંત્રીએ પોતાના ખેતરમાં પણ ૪૦૦ જેટલાં ચંદનના વૃક્ષોના વાવેતરની જાણકારી આપી તેની પ્રેરક ખેતી માટે ઉપસ્થિત જનસમુદાય અને લાભાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

નાયબ વન સંરક્ષક પ્રતિક પંડ્યાએ તેમના પ્રસંગોચિત ઉદબોધનમાં જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં હાલમાં સરકારી, બિન સરકારી, સહકારી સંસ્થા, ગ્રામપંચાયત-નગરપંચાયત, નગરપલિકા વગેરેને તેમની જરૂરીયાત મુજબના વિનામૂલ્યે રોપાઓનું વિતરણ કરવામાં આવી રહયું છે અને જિલ્લામાં ૩૧ લાખના રોપાના ઉછેર સાથે તેનું વાવેતર પણ થઇ રહયું છે. તદ્ઉપરાંત વૃક્ષ રથ દ્વારા જનસમુદાયને તેમના ઘર આંગણે આજ દિન સુધી ૧.૫ લાખ રોપાઓનું વિતરણ કરાયું છે. કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હરિયાળી સાથે સુંદરતા વધારવા માટે SSNL દ્વારા ફાળવાયેલી ૧૦ એકર જમીનમાં ૧૦૦ થી વધુ જાતોનું વાવેતર થઇ રહયું છે તેમજ એકતા નર્સરી અને આરોગ્ય વન પણ નિર્માણ પામી રહયું છે, તેમ તેમણે ઉમેર્યુ હતું.

આ પ્રસંગે આર્યુવેદિક કોલેજના પ્રાધ્યાપક કિરણભાઇ રાજે આર્યુવેદિક વનસ્પતિ ઉછેરનું મહત્વ પણ સમજાવ્યું હતું. આ પ્રસંગે વૃક્ષ વાવેતર, જતન અને તેના ઉછેર માટેની સામૂહિક પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી.

આ પ્રસંગે મંત્રી ઇશ્વરસિંહ પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અનુસુચિત જાતિના ૧૬૦ લાભાર્થીઓને દવા છાંટવાનો પંપ, નિર્ધૂમ ચુલા, આંબા કલમ, તાડપત્રી વગેરે જેવી રૂા. ૨૦ લાખની કિંમતની સાધન સહાય કિટસ તેમજ નર્સરી ઉછેર માટે ૮૦ લાખ રોપા ઉછેરવા બદલ ૫૫ લાભાર્થીઓને અંદાજે રૂા. ૩૦ લાખની સહાયના ચેકોના વિતરણની સાથોસાથ વન વિભાગના ૫ કર્મયોગીઓને પ્રશસ્તિપત્ર એનાયત કરી તેમનું સન્માન કરાયું હતું. જયારે કુંવરપુરા ગામના સરપંચ નિરજંનભાઇ વસાવાને કુંવરપુરા ગામમાં વૃક્ષારોપણની નોંધપાત્ર કામગીરી બદલ મંત્રીના હસ્તે શાલ ઓઢાડીને તેમનું અભિવાદન કરાયું હતું.

પ્રારંભમાં મદદનીશ વનસંરક્ષક ઉર્વશીબેન પ્રજાપતિએ તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રકાશભાઇ માછીએ કર્યુ હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular