અમેરિકા : નાસાએ અંતરિક્ષની સુગંધ ધરાવતું પર્ફ્યૂમ લોન્ચ કર્યું

0
3
  • કેમિસ્ટ સ્ટીવ પીઅર્સીએ 4 વર્ષની મહેનત પછી પર્ફ્યૂમ બનાવ્યું
  • પર્ફ્યૂમની સુગંધ ગનપાઉડર, શેકેલું માંસ, રાસબરી અને રમનું મિશ્રણ હોય તેવી છે
  • કંપની ચંદ્રની સુગંધનું પર્ફ્યૂમ પણ રિલીઝ કરવાનું વિચારી રહી

શું તમને ક્યારેય તેવો પ્રશ્ન થયો છે કે અંતરિક્ષની સુગંધ કેવી હશે ? અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ અંતરિક્ષની સુગંધ ધરાવતું પર્ફ્યૂમ બનાવ્યું છે. તેને ‘ઓ દ સ્પેસ( Eau de Space)’ નામ આપ્યું છે. આ પર્ફ્યૂમમાં ધરતી પર વસતા લોકો માટે આકાશની સુગંધ ભરેલી છે. જો કે, આ પર્ફ્યૂમ અંતરિક્ષયાત્રીઓ માટે બનાવ્યું છે, જેથી તેમને પરસેવાની સમસ્યાથી તકલીફ ના પડે. કિકસ્ટાર્ટર ક્રાઉડફન્ડિંગ પ્લેટફોર્મ પર આ પર્ફ્યૂમ મૂક્યું છે.

વર્ષ 2008 પર્ફ્યૂમ બનાવવાની શરુઆત થઇ
સ્ટીવ પીઅર્સીએ નાસા માટે પર્ફ્યૂમ બનાવ્યું છે. તેઓ કેમિસ્ટ અને ઓમેગા ઇન્ગ્રેડીઅન્ટના ફાઉન્ડર છે. વર્ષ 2008માં નાસાએ સ્ટીવને પર્ફ્યૂમ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. પર્ફ્યૂમના પ્રોડક્ટ મેનેજર મેટ રિચમંડે જણાવ્યું કે, અંતરિક્ષની સુગંધવાળું પરફેક્ટ પર્ફ્યૂમ બનાવતા સ્ટીવને ચાર વર્ષ લાગ્યા. આ પર્ફ્યૂમથી સ્પેસમાં પણ એસ્ટ્રોનોટને પોતાના શરીરના પરસેવાની ગંધ નહિ આવે.

અંતરિક્ષની અજીબોગરીબ સ્મેલ
વર્ષ 2002માં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના રહેવાસી અને પૂર્વ અંતરિક્ષયાત્રી પેગી વિટસને અંતરિક્ષની સુગંધ વિશે કહ્યું હતું કે, બંદૂકમાંથી ગોળી ચલાવો તે પછી જે સ્મેલ આવે છે તેવી છે. ધૂમ્રપાન અને બાળી નાખવા ઉપરાંત લગભગ એક કડવી પ્રકારની ગંધ છે. સ્ટીવે અન્ય અંતરિક્ષયાત્રીઓ પાસેથી પણ સુગંધની માહિતી મેળવી જેમને સુગંધ ગનપાઉડર, શેકેલું માંસ, રાસબરી અને આલ્કોહોલિક ડ્રિંક રમનું મિશ્રણ હોય તેવી લાગતી હતી. વર્ષ 2012માં પર્ફ્યૂમ તૈયાર થઇ ગયું હતું પણ તેને પબ્લિક માટે ઉપલબ્ધ કરવામાં નહોતું આવ્યું. ટૂંક સમયમાં અંતરિક્ષના સુગંધનું પર્ફ્યૂમ માર્કેટમાં મળી શકે છે.

આ પર્ફ્યૂમ બનાવવા પાછળ કંપનીનો હેતુ વિદ્યાર્થીઓમાં STEM એટલે કે સ્પેસ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સમાં રસ વધારવાનો પણ છે. કંપની ચંદ્રની સુગંધનું પર્ફ્યૂમ પણ રિલીઝ કરવાનું વિચારી રહી છે.