Thursday, August 5, 2021
No menu items!
Homeનેશનલ હાઇવે ઓથોરિટીની બેદરકારી, ઓવરબ્રિજની દીવાલ ધરાશાયી થતા 3 સેકન્ડમાં બે નિર્દોષ...
Array

નેશનલ હાઇવે ઓથોરિટીની બેદરકારી, ઓવરબ્રિજની દીવાલ ધરાશાયી થતા 3 સેકન્ડમાં બે નિર્દોષ રાહદારીના મોત, ઘટના CCTVમા કેદ

રાજકોટમાં આજે સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદથી મનપાની પ્રિમોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઇ હતી. વરસાદે કહેર વરસાવતા આજીડેમ ચોકડી પર આવેલા ઓવરબ્રિજની દીવાલ ધરાશાયી થતા બે યુવાનોના મોત નીપજ્યા છે. ઘટનાની જાણ થતા જ આજુબાજુમાંથી લોકો એકત્ર થઇ ગયા હતા અને JCB વડે કાટમાળ ખસેડી બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા. આ ઉપરાંત બે વાહનો પણ દટાતા બંને વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો હતો. પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી જઇ બંને યુવાનોના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. ઓવરબ્રિજની નબળી કામગીરીને કારણે બે યુવાનોનો ભોગ લેવાયો છે. આ ઘટના CCTVમાં કેદ થઇ છે. CCTVમાં બે નિર્દોષ રાહદારીની જિંદગી ત્રણ સેકેન્ડમાં છિનવાતી નજરે પડે છે. આને માટે જવાબદાર કોણ તેવા પ્રશ્નો લોકોમાં ઉઠ્યા છે. હાઇવે ઓથોરિટીમાં પુલ બનાવવામાં કૌભાંડ આચરાયું હોવાની ગંધ આવી રહી છે તેવું લોકો કહી રહ્યા છે. થોડા વરસાદમાં ભેજમાં દીવાલ પડી હોય તેવી શક્યતા છે. આ પુલ પરથી અને નીચેથી રોજના હજારો લોકો પસાર થાય છે. નેશનલ હાઇવે ઓથોરિટીની બેદરકારી સામે આવી છે. મૃતકમાં ભાવેશ ઉર્ફે ભુપત નાથાભાઇ મિયાત્રા અને વિજય કરણભાઇ વીરડાનો સમાવેશ થાય છે. ભાવેશના પિતા કોર્પોરેશનના વિજિલન્સ શાખાના Dyspના ડ્રાઇવર છે.


સેકન્ડના અમુક ભાગમાં જ દીવાલ ધરાશાયી થઇઃ ફર્સ્ટ પર્સન

બનાવ નજરે જોનાર આજીડેમ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ હરદેવસિંહ ભગતસિંહ રાણાએ જણાવ્યું હતું કે, દૂરથી એક્ટિવાચાલક અને અન્ય વાહન આવતું હતું. અચાનક સેકન્ડના અમુક ભાગમાં જ દીવાલની માટી ધરાશાયી થતા બરોબર એક્ટિવાચાલક અને અન્ય એક યુવાન ત્યાંથી નીકળતા તેની નીચે દબાઈ ગયા. હું ત્યાં ફરજ પર હતો અને દોડ્યો પરંતુ મોટા પથ્થર અને માટી એટલી હતી કે વાહનો અને દટાયેલા વ્યક્તિ દેખાયા નહીં. આથી મેં તાકીદે ફાયર વિભાગને જાણ કરી હતી. સ્કૂટરના પણ ભુક્કા બોલી ગયા છે. વાહનોના તમામ સ્પેરપાર્ટ પણ છૂટા પડી ગયા અને બે વ્યક્તિ દટાયેલા માટીમાં જોયા. થોડીવાર પહેલા વરસાદ આવ્યો હતો. જે થયું એ આંખના પલકારામાં થયું હતું.

ઓવરબ્રિજ  હાઇવે ઓથોરિટીમાં આવે: ફાયર ઓફિસર

ફાયર ઓફિસર ઠેબાએ જણાવ્યું હતું કે, બે લોકોના મોત થયા છે અને બે વાહનો દટાયા છે. જેને JCBની મદદથી બહાર કાઢવામાં આવ્યા છે. વધુ કોઈ દટાયું છે કે નહીં તેની તપાસ ચાલુ છે. બે યુવાનો છે કે અજાણ્યા યુવાન છે તેની ઓળખ મેળવવામાં આવી રહી છે. હાલ બંનેના મૃતદેહ સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. દીવાલ શું કામ પડી તે અંગે એન્જિનિયર તપાસ કરી શકે. આ પુલ હાઇવે ઓથોરિટીમાં આવે છે. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે જણાવ્યું હતું કે, સરકારના ભ્રષ્ટાચારના પોપડા પડ્યા છે અને બે લોકોના જીવ ગયા છે. મૃતકોને 10-10 લાખ રૂપિયાની સહાય સરકાર આપે. જરૂર પડશે તો આ મુદ્દે કોર્ટમાં પણ કોંગ્રેસ જશે. આ અંગે હાઇવે ઓથોરિટીના કોન્ટ્રાક્ટર WGEL કંપનીના મેનેજર અજય ઠાકુરે જણાવ્યું હતું કે, ઉંદરોને કારણે બ્રિજની દીવાલ પડી છે. રાજકોટ હાઇવે ઓથઓરિટીના અધિકારીઓએ બ્રિજની દીવાલ પડવાને લઇને હાથ અધ્ધર કરી દીધા છે.

કોર્પોરેશને હાથ ઊંચા કરી દીધા

રાજકોટ કોર્પોરેશન હાથ ઊંચા કરી કહ્યું કે,  નેશનલ ઓથોરિટીને અગાઉ પ્રિમોન્સૂન કામગીરી અને સર્વિસ રોડની આજુબાજુ ભરાતા પાણીનો નિકાલ કરવા અંગે જાણ કરી હતી. આ દિવાલ મુદ્દે તો નેશનલ હાઈવેના લોકોની જવાબદારી આવે છે. નિર્દોષ રાહદારીઓના મોતની જવાબદારી કોની તેવા સવાલો લોકોમાં ઉઠ્યા છે. હાલ પુલ બંધ કરી દેવામાં આવ્યો છે.

ઉમિયા ચોકમાં પ્રથમ વરસાદથી પાણી ભરાતા JCBની મદદ લેવાઇ

શહેરના ઉમિયાચોકમાં પ્રથમ વરસાદથી પાણી ભરાતા લોકો પરેશાન બન્યા હતા. પાણીના નિકાલ માટે JCBની મદદ લેવામાં આવી હતી. JCBની મદદથી પાળો તાડી વોંકળામાં પાણી જવા દેવામાં આવ્યું હતું. કોર્પોરેશન દ્વારા આ વર્ષે શહેરમાં પાણી ભરાવા નહીં દઇએ તેવો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ થોડાક વરસાદે દાવો કાગળ પર રહી ગયો હોવાની ચર્ચા લોકોમાં થઇ રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments