કોંગ્રેસના રાષ્ટ્રવ્યાપી ધરણાં : પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસની પદયાત્રા શરૂ, MLA ગ્યાસુદિન શેખ, કોર્પોરેટર શાહનવાઝ શેખ સહિતના કાર્યકરોની અટકાયત

0
2

અમદાવાદ. છેલ્લા કેટલાક દિવસથી સતત પેટ્રોલ ડીઝલના ભાવ વધતાં આજે કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રવ્યાપી વિરોધ કાર્યક્રમ યોજવામાં આવનાર છે. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં અમદાવાદમાં સરદારબાગથી એલિસબ્રિજ ટાઉનહોલ સુધી પદયાત્રા કરી વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ધારાસભ્ય ગ્યાસુદિન શેખ, કોર્પોરેટર શાહનવાઝ શેખ સહિતના કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે.

સરદારબાગ ખાતે પોલીસનો ચુસ્તબંદોબસ્ત

આ પદયાત્રાના કાર્યક્રમની પોલીસે મંજૂરી આપી નથી. સરદારબાગ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે કાર્યક્રમની મંજૂરી આપી ન હોવાથી કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરવામાં આવશે. ધારાસભ્ય ગ્યાસુદિન શેખ, કોર્પોરેટર સહિત 50થી વધુ કાર્યકરો હાલમાં સરદારબાગ ખાતે ભેગા થયા છે.

સોશિયલ મીડિયામાં પણ વિરોધ થશે

ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સામે વિરોધ પ્રદર્શન કરાશે. ઉપરાંત સોશિયલ મીડિયાના માધ્યમથી “બોલશે ગુજરાત”માં સવારે 10થી સાંજના 5 વાગ્યા સુધી પ્રજાની વેદનાને વાચા આપશે.