ઉત્તર પ્રદેશના સંભલમાં સગીરા પર બળાત્કારના આરોપમાં અલ્લાહાબાદ હાઈકોર્ટના ચૂકાદા સામે દેશભરમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. હાઈકોર્ટની સિંગલ બેચના જજે ચૂકાદામાં કહ્યું કે, સગીરાના સ્તન પકડવા અને પાયજામાનું નાડું તોડવું એ બળાત્કારનો પ્રયાસ ના કહેવાય. આ ચૂકાદાના વિરોધમાં શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં એક પીઆઈએલ દાખલ કરાઈ છે. કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવી, સાંસદ રેખા શર્માએ પણ હાઈકોર્ટના આ ચૂકાદાને અયોગ્ય ગણાવ્યો હતો અને રાષ્ટ્રીય મહિલા પંચને સુપ્રીમમાં જવા અપીલ કરી હતી.
અલ્લાહાબાદ હાઈકોર્ટની સિંગલ બેચના ન્યાયાધીશ રામમનોહર મિશ્રાના ચૂકાદાના વિરોધમાં શુક્રવારે વરિષ્ઠ વકીલ શોભા ગુપ્તા, વકીલ અંજલે પટેલે સુપ્રીમમાં પીઆઈએલ દાખલ કરી છે. અરજીમાં માગ કરાઈ છે કે સુપ્રીમે કેન્દ્ર સરકાર – હાઈકોર્ટ રજિસ્ટ્રાર જનરલને નિર્દેશ આપવા જોઈએ કે તેઓ વિવાદાસ્પદ ભાગને ચૂકાદામંથી હટાવે. સાથે જ અરજીમાં માગ કરાઈ છે કે ન્યાયાધીશો દ્વારા કરવામાં આવતા આવા વિવાદાસ્પદ નિવેદનોને રોકવા માટે સુપ્રીમ કોર્ટ તરફથી ગાઈડલાઈન બનાવવામાં આવે.
વરિષ્ઠ વકીલ શોભા ગુપ્તાએ મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાને પત્ર લખીને આ ચૂકાદા અંગે સુઓ-મોટો નોંધ લેવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે, આ ચૂકાદાએ કાયદા અંગેની તેમની સમજને હચમચાવી દીધી છે. આ ચૂકાદાથી તેઓ ગંભીર રીતે પરેશાન છે. આ સમાચાર જોઈને તેઓ ભાંગી પડયાં છે. મુખ્ય ન્યાયાધીશ ખન્નાએ વહીવટી અને ન્યાયિક બંને પક્ષે આ બાબતની સ્વતઃ નોંધ લેવી જોઈએ. સાથે જ સંબંધિત ન્યાયાધીશને તાત્કાલિક અસરથી ગુનાઈત રોસ્ટરથી હટાવવા અંગે વિચાર કરે. ન્યાયાધીશ મિશ્રાની આ વ્યાખ્યા એકદમ ખોટી છે અને આવા વિષય પર તેમની આ પ્રકારની વિચારસરણી એકદમ અસંવેદનશીલ અને બેજવાબદાર છે. આવા ચુકાદા મહિલાઓ પ્રત્યે પહેલાંથી જ જાતીય ગુનાઓનું પ્રમાણ વધારે છે તેવા સમાજમાં વ્યાપક સ્તરે ખોટા સંદેશા આપે છે.
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ અલ્લાહાબાદ હાઈકોર્ટના ચૂકાદાની આકરી ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું કે, આ ચૂકાદો સંપૂર્ણપણે ખોટો છે. તેમણે પણ આ બાબતને ધ્યાનમાં લેવા સુપ્રીમને વિનંતી કરી હતી. સુપ્રીમ કોર્ટે આ બાબતે ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. સભ્ય સમાજમાં આ પ્રકારના ચૂકાદા માટે કોઈ જગ્યા નથી. તેની સમાજમાં ક્યાંક ને ક્યાંક નકારાત્મક અસર પડશે. અમે આગળ આ મુદ્દે ચર્ચા કરીશું.
રાષ્ટ્રીય મહિલા પંચના પૂર્વ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ રેખા શર્માએ કહ્યું કે, હાઈકોર્ટની આવી ટીપ્પણી એકદમ ખોટી છે. રાષ્ટ્રીય મહિલા પંચે આ મુદ્દે સુપ્રીમમાં જવું જોઈએ. ન્યાયાધીશો જ સંવેદનશીલ નહીં રહે તો મહિલાઓ અને બાળકો શું કરશે? તેમણે આવા કૃત્યો પાછળનો ઈરાદો જોવો જોઈએ.
સ્વાતિ માલિવાલે પણ આ ચૂકાદાને અત્યંત શરમજનક ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, તેઓ સમાજને શું સંદેશો આપવા માગે છે કે એક નાની છોકરી સાથે આ પ્રકારનું કૃત્ય કરી શકાય છે અને તેમ છતાં તેને બળાત્કાર ગણી શકાશે નહીં?