Thursday, August 5, 2021
Homeકચ્છ : મઢ અને ભુજમાં ઘટ સ્થાપન સાથે નવરાત્રિ શરૂ, માતાનામઢમાં ભક્તોની...
Array

કચ્છ : મઢ અને ભુજમાં ઘટ સ્થાપન સાથે નવરાત્રિ શરૂ, માતાનામઢમાં ભક્તોની અભૂતપૂર્વ ભીડ જામી

કચ્છના પ્રસિધ્ધ યાત્રાધામ માતાનામઢ ખાતે એક બાજુ યાત્રીકોનો પ્રવાહ ધમધમી રહ્યો છે. તો બીજીબાજુ શનિવારે ઘટ સ્થાપનની ધાર્મિક વિધિ સંપન્ન સાથે જ નવરાત્રિ પર્વનો પ્રારંભ થઇ ગયો હતો. સાંજે મઢ જાગીરના અધ્યક્ષ યોગેન્દ્રસિંહ રાજાબાવાના હસ્તે ઘટ સ્થાપનની ધાર્મિક વિધિ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં આગેવાનો તેમજ ભાવિકો જોડાયા હતા. ઘટ સ્થાપન વિધિ દેવકૃષ્ણ વાસુએ કરાવી હતી. તો ભુજના આશાપુરા મંદિરે સાંજે પોણાપાંચના શુભ મુહૂર્ત પૂજારી જનાર્દનભાઈ દવેએ વિધિવત શ્રીફળ કળશ સ્થાપન કરી નવરાત્રીનો પ્રારંભ કરાવ્યો હતો. આઇશ્રી આશાપુરાના ચરણોમાં ઘટ સ્થાપન કરી સાંધ્ય આરતી ઉતારી ત્યારે ભાવિકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. નવ દિવસ નોરતાની ત્રણેય પહોરની આરતીનો લાભ લેવા શ્રદ્ધાળુઓને આમંત્રણ સંસ્થા તરફથી આપવામાં આવ્યું છે.

શનિવારે અધધ 40 હજાર યાત્રિકોએ દર્શન કરી પણ લીધા
દેશદેવી મા આશાપુરાનો મહિમા અનેરો છે. વરસાદ વચ્ચે પણ દરરોજ હજારો ભક્તો નવરાત્રિ પહેલા જ માતાજીના દર્શન કરી રહ્યા છે. શનિવારે અધધ 40 હજાર ભાવિકોએ માતાજી સમક્ષ શીશ ઝુકાવ્યુ હતું. તો હાઇવે પર પદયાત્રીકો અને વાહનોની કતારો જોવા મળી રહી છે. આ અંગે મળતી વિગતો મુજબ નવરાત્રિ પહેલા જ હજારો યાત્રીકો માતાજીના દર્શન કરવા પહોંચી રહ્યા છે. રવિવારથી નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે. તે પૂર્વે માતાનામઢ ખાતે હજારો યાત્રીકો પહોંચી રહ્યા છે. છેલ્લા બે-ત્રણ દિવસથી યાત્રીકોનો પ્રવાહ શરૂ થઇ ગયો છે. શનિવારે તો વહેલી સવારથી જ મંદિરમાં દર્શન માટે ભક્તોની કતારો લાગી ગઇ હતી. માતાજીના મંદિરમાં ઘટ સ્થાપન પહેલા જ આ લાઇનો લાગી હતી. તો બીજીબાજુ પદયાત્રીકો અને વાહનોમાં આવેલા લોકોથી પણ માર્ગો પર ધમધમી ઉઠ્યા હતા. શનિવારે અંદાજે 40 હજાર યાત્રીકોએ દર્શન કર્યા હતા.

બજારમાં પગ મૂકવાની જગ્યા નહી !
મંદિરની સાથે માતાનામઢની બજારમાં પણ મેળા જેવો માહોલ છે. લોકો માતાજીની પ્રસાદી તથા અન્ય ધાર્મિક ખરીદી માટે ઉમટી રહ્યા છે. શનિવારે બજારમાં મેદની ઉમટી હતી. મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો.

મઢમાં વિખુટા પડેલા બાળકોનું પોલીસે મિલન કરાવી આપ્યું
કચ્છની કુળદેવી માં આશાપુરાના દર્શેન માટે આવનારા ભાવિકોની માતાનામઢ ખાતે ભારે મેદની વધી રહી છે ત્યારે પરિવારથી વિખુટા પડેલા બાળકોને દયાપર પોલીસે શોધી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. હાલમાં 26મી સપ્ટેમ્બરથી શરૂ થયેલ કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ માતાનામઢ ખાતે નવરાત્રીને લઇ છેલ્લા બે દિવસથી માતાનામઢ ખાતે મોટી સંખ્યામાં ભાવિકોનો પ્રહવા વધી રહયો છે.ત્યારે માતાનામઢમાં કાયદો વ્યવસ્થા જળવાય તે માટે પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભ તોલંબિયાની સુચના અને માર્ગ દર્શનને પગલે 26મીથી માતાનામઢ ખાતે ગોઠવવામાં આવેલા પોલીસ બંદોબસ્ત દરમિયાન પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા મેળામાં પોતાના પરિવાર તેમજ વાલીથી વિખુટા પડેલા બાળકોના વાલીઓએ પોલીસ કંટ્રોલ રૂમ નો સંપર્ક કરતાં દયાપર પોલીસ મથકના પીએસઆઇ જે.બી સોઢા તેમજ પશ્ચિમ કચ્છ પોલીસના સ્ટાફના જવાનોએ તાત્કાલિક શોધખોળ કરી બાળકોને સોધી તેમના વાલીઅોને સોંપ્યા હતા. જેમાં નારૂભાઇ જેસલભાઇ સીધી (ભાનુશાલી)ના પુત્ર પવન નારૂભાઈ સીધી (ઉ.વ.18) રહે એરપોર્ટ રોડ જામનગર તેમજ અન્ય બે બાળકોને શોધી તેમના પરિવાર સાથે મિલન કરાવી પોલીસે ઉમદા કામગીરી કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments