Wednesday, October 20, 2021
Homeગુજરાતનવસારી : દસ્તુરવાડમાં એક એપાર્ટમેન્ટ 10 વર્ષમાં જ જર્જરિત બનતા રહીશો રસ્તા...

નવસારી : દસ્તુરવાડમાં એક એપાર્ટમેન્ટ 10 વર્ષમાં જ જર્જરિત બનતા રહીશો રસ્તા પર આવી ગયા

નવાસારીના દસ્તુર વાડ વિસ્તારમાં આવેલું ચાર માળના એપાર્ટમેન્ટનું બિલ્ડિંગ જર્જરિત બનતા ખાલી કરાવાયું હતું. 10 વર્ષ પહેલા જ બનેલું એપાર્ટમેન્ટ જર્જરિત બનતા 8 પરિવારો રસ્તા પર આવી ગયા છે. કેટલાક પરિવારો તો એવા છે કે તેઓની લોનના હપ્તા પણ હજી પૂર્ણ નથી થયા. તંત્રએ સલામતીના ભાગરૂપે હાલ એપાર્ટમેન્ટ ખાલી કરાવી નાખ્યું છે. મજબૂતાઈ ચકાસવા માટે સ્ટ્રકચર રિપોર્ટ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરવામા આવી છે.

નવસારીની ટાટા ગર્લ્સ સ્કૂલ પાસેના દસ્તુરવાડ વિસ્તારમાં 10 વર્ષ પહેલા ફાતિમા એપાર્ટમેન્ટનું નિર્માણ કરાયું હતું. અહીં આઠ પરિવારો વસવાટ કરે છે. જેમાંના કેટલાક પરિવારની તો લોન પણ હજી ચાલુ છે. લોન પૂર્ણ થાય તે પહેલા જ એપાર્ટમેન્ટના બે પિલર જર્જરિત બનતા રહીશો હાલ પૂરતા રસ્તા પર આવી ગયા છે. જેને લઇને પાલિકા પ્રમુખ, ફાયર વિભાગ, ટાઉન પ્લાનિંગ અને પ્રાંત અધિકારી, સ્થાનિક પોલીસ સહિતનો સમગ્ર સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને રહીશોને સલામત સ્થળે ખસેડીને પાલિકાએ સ્ટ્રકચર રિપોર્ટ કરાવ્યો હતો. જેને લઈને હાલમાં તો બિલ્ડિંગ ધરાશાયી ન થાય તેવા પગલાં લેવામાં આવ્યા છે અને એપાર્ટમેન્ટને ટેકો મળે તેવી કાર્યવાહી પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ આ એપાર્ટમેન્ટ હલકી ગુણવત્તાવાળી કામગીરીને કારણે બની હોવાથી તેના પાયા ઓછા સમયમાં જર્જરિત બન્યા હતા. હાલમાં ઘરવિહોણા બનેલા પરિવારો ઉપર આફત આવી ચડતા કેટલીક સ્થાનિક મહિલાઓની આંખ છલકાઈ હતી. તેમના કહેવા મુજબ તેમને ઘર આપવામા આવે અથવા તો તેમની જે લોન છે તે માફ કરવામા આવે.

હાલ તો જર્જરિત બનેલા પાયાને કારણે ક્યારેય પણ એપારમેન્ટ ધરાશાયી થઇ શકે તેવા સંભવિત ભયને જોતા રહીશો આજુબાજુના પરિચિતોને ત્યાં હંગામી ધોરણે વસવાટ કર્યો છે. પણ આ સમસ્યા નિવારણ આવે તેવી તેમની માંગ છે. હાલમાં કોરોના અને લોકડાઉનને કારણે માર્કેટ પૂરેપૂરું ખુલી શક્યું નથી અને આંશિક મંદી હજુ પણ ઘેરાયેલી છે. તેવા સમયમાં ઘરવિહોણા બનેલા ફાતિમા એપાર્ટમેન્ટના રહીશોને દુકાળમાં અધિક માસ જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.

ફાતિમા એપાર્ટમેન્ટમાં રહેતી યાસ્મીન ગાથાવાલાના જણાવ્યા મુજબ આ બિલ્ડિંગમાં આઠ પરિવારો વસે છે અને હજી ઘરના હપ્તા પૂર્ણ થયા નથી તે પહેલા ઘર ખાલી કરવાનો વારો આવતાં તેમને દુઃખ સહન કરવાનો વારો આવ્યો છે. બિલ્ડિંગમાં હલકી ગુણવત્તાની કામગીરી થઇ હોવાનું સ્પષ્ટ જોઈ શકાય છે જેથી તેમની માંગ છે કે તેમના લોનના હપ્તા માફ કરવામાં આવે અથવા તેને બીજે ઘર આપવામા આવે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments