બોલિવૂડમાં ડ્રગ્સ રેકેટ : NCBએ આજે દીપિકા પાદુકોણની મેનેજરને પૂછપરછ માટે બોલાવી, ઘરમાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું.

0
11

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશને આજે એટલે કે 28 ઓક્ટોબરના રોજ પૂછપરછ માટે બોલાવી છે. NCBએ કરિશ્માના ઘરે મંગળવાર (27 ઓક્ટોબર)ના રોજ દરોડા પાડ્યા હતા અને ત્યાં હશીશ મળી આવ્યું હતું. જોકે, આ કાર્યવાહી દરમિયાન કરિશ્મા તેના ઘરે નહોતી. આથી જ NCBએ તેના ઘરની બહાર સમન્સ લગાવ્યું હતું. તપાસમાં સામે આવ્યું કે કરિશ્મા ડ્રગ્સ પેડલર્સ સાથે સતત કોન્ટેક્ટમાં હતી.

કરિશ્માના ઘરે 1.8 ગ્રામ હશીશ મળી આવ્યું હતું

NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ કહ્યું હતું કે કરિશ્માના આસપાસના લોકો, ઓફિસના લોકો તથા તમામ ઓળખીતાઓને સમન્સની માહિતી આપવામાં આવી છે. NCBના એક અન્ય અધિકારીએ કહ્યું હતું કે સીક્રેટ ઈન્ફોર્મેશનને આધારે કરિશ્માના વર્સોવા સ્થિત ઘરમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી 1.8 ગ્રામ હશીશ મળી આવ્યું હતું.

કરિશ્માના જે ઘરે કાર્યવાહી કરવામાં આવી તે તેનું બીજું ઘર છે. માનવામાં આવે છે કે તે અહીંયા આવતી-જતી રહે છે. જોકે, તેના વકીલે આ વાતનું ખંડન કર્યું હતું કે તે અહીંયા રહે છે. NCBએ આ પહેલા કરિશ્માની બેવાર પૂછપરછ કરી હતી, જેમાં એકવાર દીપિકા પાદુકોણની સામે બેસાડીને પૂછપરછ કરવામાં આવી હતી.

દીપિકા-કરિશ્માની ડ્રગ્સ ચેટ સામે આવી હતી

ઉલ્લેખનીય છે કે ગયા મહિને દીપિકા અને કરિશ્મા વચ્ચે ડ્રગ્સ અંગે થયેલી વાતચીત સામે આવી હતી. દીપિકા-કરિશ્મા વચ્ચે આ વાતચીત 28 ઓક્ટોબર 2017નાં રોજ થઈ હતી. કરિશ્મા સાથે થયેલી વાતચીતમાં દીપિકાએ ‘hash’ અને ‘weed’ જેવાં શબ્દોનો ઉપયોગ કર્યો હતો. પ્રતિબંધિત ડ્રગ્સ સાથે જોડાયેલી ભાષામાં hashનો ઉપયોગ હશીશ માટે થાય છે. જોકે, બંને વચ્ચે થયેલી વાતચીતમાં તે સ્પષ્ટ નથી થયું કે ‘hash’ અને ‘weed’નો ઉપયોગ કોના માટે કરવાનો હતો. આ ડ્રગ્સના પ્રમાણનો પણ કોઈ જ ઉલ્લેખ થયો નહતો, પરંતુ આ વ્હોટ્સએપ ચેટ દીપિકાની મુશ્કેલી વધારવા માટે પૂરતી છે.

આ રીતે કરિશ્માથી દીપિકા સુધી પહોંચ્યુ ડ્રગ્સ કનેક્શન

દીપિકાની મેનેજર તરીકે કામ કરતી કરિશ્મા પ્રકાશ ‘ક્વાન’ નામની એક સેલિબ્રિટી મેનેજમેન્ટ કંપનીમાં કામ કરે છે. આ કંપની 40થી વધુ બોલીવુડ સેલિબ્રિટીઝને ટેલેન્ટ મેનેજરની સુવિધા પૂરી પાડે છે. રિયા ચક્રવર્તીની મેનેજર જયા સાહા પણ આ કંપની માટે જ કામ કરે છે. જયા, કરિશ્માની સીનિયર છે. NCB, CBI અને EDની ટીમ જયાની અનેક વખત પૂછપરછ કરી ચૂકી છે. તપાસ દરમિયાન NCBને જયા અને કરિશ્મા વચ્ચે થયેલી ચેટની જાણ થઈ હતી.ત્યારબાદ સમગ્ર મામલો દીપિકા સુધી પહોંચ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here