લોકડાઉન માં બહારનાં વાતાવરણમાં નેગેટીવીટી ફેલાયેલી છે, ત્યારે ઘરની અંદરનું વાતાવરણ આ રીતે આનંદદાયક બનાવો

0
10

દેશમાં કોરોનાવાયરસને પગલે લોકડાઉનનો ચોથો તબક્કો ચાલી રહ્યો છે. ચોક્કસ, એમાં થોડીઘણી છૂટછાટો મળી છે. છતાં મોટા ભાગનાં લોકો હજુ મહત્તમ સમય ઘરમાં પસાર કરે છે. આ ત્યારે ચોતરફ એક પ્રકારની નેગેટિવિટી ફેલાયેલી છે. આ સમયે ઘરના વાતાવરણને આનંદદાયક અને ઉત્સાહજનક રાખવું જરૂરી છે. પરિવારમાં પોતાને સ્વસ્થ, ફિટ અને પ્રસન્ન રાખવા માટે અહીં કેટલાંક ઉપયોગી સૂચનો કર્યા છે.

સવારે થોડો સમય હળવી કસરત કરો

સવારે જાગીને થોડો સમય પરિવારના તમામ સભ્યો સાથે બાલ્કની કે છત પર પસાર કરો. પ્રકૃતિને જુઓ, ફૂલો-વૃક્ષોને જુઓ. થોડો સમય હળવી કસરત કરો. સવારના મીઠા તડકાનો આનંદ લો અને શરીરને વિટામિન-ડી આપો. એનાથી આખો દિવસ કામ કરવા જરૂરી ઊર્જા મળશે.

ઘરના અન્ય સભ્યોનાં કામમાં બિનજરૂરી હસ્તક્ષેપ ન કરો

ઘરના અન્ય સભ્યોનાં કામમાં બહુ હસ્તક્ષેપ ન કરો અને એમના કામને ઓછું ન આંકો. દરેકની કામ કરવાની પોતાની રીત હોય છે. નાની-નાની વાતોમાં તુતુમૈંમૈં કરવાથી ઘરમાં શાંતિનો ભંગ થશે અને વાતાવરણ તંગ બનશે. ઘરમાં બધા શાંતિથી પોતપોતાનું કામ કરે અને એકબીજાને જરૂર પડે સાથસહકાર આપે એવું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરો.

ખરાબ આદતોનો ત્યાગ કરો

ખુશ રહેવા માટે ખરાબ આદતો છોડવી જરૂરી છે. જેમ કે ટીવી કે ગેઝેટ્સ સાથે ચીપકી રહેવાની આદતને ઓછી કરો. આ તમામનાં માનસિક સ્વાસ્થ્ય માટે સારું રહેશે. એના બદલે ગીતો ગાવ, સંગીતનું કોઈ સાધન વગાડવાનો પ્રયાસ કરો. ઘરમાં કોઈને નૃત્ય આવડતું હોય તો એની મજા લો. સાથે મળીને સારું વાંચન કરો.

મહિલાઓને સાથ-સહકાર આપો

જે સ્ત્રીઓ વર્ક ફ્રોમ હોમ કરી રહી રહી છે એના પર બેવડી જવાબદારીઓ છે. આવા સમયમાં ઘરના પુરુષ સભ્યોએ પોતાની જવાબદારીઓ સમજવી જોઈએ. સાથે સાથે બાળકોને પોતે કામ કરવાની ટેવ પાડવાનું શીખવો. એનાથી સ્વનિર્ભરતાનો ગુણ પેદા થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here