નવો ઉજાસ : રાજકોટમાં બોર્ડની પરીક્ષારૂપી ડરને દૂર કરવા કાઉન્સેલિંગનો પ્રારંભ

0
4

કોરોનાકાળ પછી સ્કૂલોમાં ધીરે ધીરે ખુલ્લી રહી છે, પરંતુ વિદ્યાર્થીઓમાં એકેડેમિક લર્નિંગ લોસ, માનસિક તણાવ અને તેને લીધે બાળકો નોન-રિસ્પોન્સિવ થઈ ગયા છે. તેવું મોટાભાગના શિક્ષકોનું નિરીક્ષણ રહ્યું છે. કોઇ પણ શાળાઓના વર્ગખંડમાં લાઇવ પહેલા જેવું વાતાવરણ જોવા મળતું નથી. તેવું શિક્ષકો અને સંચાલકો દ્વારા અનુભવવામાં આવી રહ્યું હતું. આ માટે બાળકોનું મનોવિજ્ઞાનના નિષ્ણાંતો દ્વારા કાઉન્સેલિંગ થવું જોઇએ તેવો અભિપ્રાય વર્તાતા, રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન સાથે એક MOU કરી ‘ઉજાસ’ સ્ટુડન્ટ કાઉન્સેલિંગ પ્રોગ્રામ ઘડવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓનું શહેરના અલગ-અલગ ઝોનમાં 13 શાળાઓમાં કાઉન્સેલિંગ સેન્ટરો શરૂ કરાશે.

બોર્ડની પરીક્ષાઓ નજીક હોવાથી તે માટે પણ ખાસ કાઉન્સેલિંગ કરાશે
આ અંગે વધુ વિગત આપતા રાજકોટ જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના અજયભાઇ પટેલે જણાવ્યું હતું કે, તબક્કાવાર રાજ્યમાં સ્કૂલો શરૂ થતા જિલ્લાની સ્કૂલોના શિક્ષકો અને શાળા સંચાલકોએ અનુભવ્યું કે કોરોનાકાળમાં અભ્યાસ ખૂબ ડિસ્ટર્બ થયો અને માનસિક તણાવયુક્ત રહ્યો છે. જેને લીધે વિદ્યાર્થીઓમાં શૂન્યતા જોવા મળી રહી છે, તેઓ વર્ગખંડમાં નોન-રિસ્પોન્સિવ બની ગયા હોય તેવું લાગે છે. વર્ગખંડમાં પહેલા જેવી જીવંતતા નથી જોવા મળી રહી.

લર્નિંગ લોસ દૂર કરવા વિદ્યાર્થીઓનો રિસ્પોન્સ ખૂબ જરૂરી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આમ થવાનું મુખ્ય કારણ અભ્યાસમાં સર્જાયેલો લર્નિંગ લોસ જવાબદાર માની શકાય. આ લર્નિંગ લોસ દૂર કરવા કે તેનો સેતુ રચવા, વિદ્યાર્થીઓનો રિસ્પોન્સ ખૂબ જરૂરી છે. તેઓએ પોતાની અભિવ્યક્તિ જાહેર કરવી પડે. તેમની તકલીફો જણાવવી પડે. આમ તો આ બાબત માતા-પિતા પણ સારી રીતે કરી શકે પરંતુ આ અભ્યાસને લગતી બાબત હોય શાળાના અનુભવી, સિનિયર અને પોઝીટીવ શિક્ષકો દ્વારા થાય તો તે વધુ કારગત નિવડે.

વિદ્યાર્થીનું મનોવૈજ્ઞાનિક રીતે કાઉન્સેલિંગ કરવામાં આવશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,આ માટે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના હોદેદારોએ મનોમંથન કર્યા બાદ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન સાથે એક MOU કરાર કરવામાં આવ્યો છે અને ’ઉજાસ’ સ્ટુડન્ટ કાઉન્સેલિંગ પ્રોગ્રામ ઘડવામાં આવ્યો છે. ઉજાસના અર્થ મુજબ જે અંધકારમાંથી બહાર લાવે, તેમ આ કાર્યક્રમ થકી જો કોઇ વિદ્યાર્થી માનસિક તણાવ કે દબાણના અંધકારમાં ધકેલાઇ ગયા હોય તેનુ મનોવૈજ્ઞાનિક રીતે કાઉન્સેલિંગ કરી તેને ઉજાસમાં લાવવાનું કામ સ્વનિર્ભર શાળાના શિક્ષકો અને મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો દ્વારા કરવામાં આવશે.

ત્રણ મહિના સુધી 13 શાળાઓમાં કાઉન્સેલિંગ સેન્ટર શરૂ
રાજકોટમાં 13 સેન્ટર પર ત્રણ મહિના સુધી રોજ બે કલાક ‘ઉજાસ’ કાર્યક્રમ ચાલુ રાખવામાં આવશે. 13 કાઉન્સેલિંગ સેન્ટરમાં જે-તે ઝોનમાંથી પસંદ કરાયેલ 36 સિનિયર શિક્ષકો અને મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓની ટીમ બનાવી તેમને મનોવિજ્ઞાન ભવનના વડા ડો. યોગેશ જોગસણ અને તેમના પ્રાધ્યાપકોની ટીમમાં આસી. પ્રોફેસર ડો.ધારા દોશી, ડો.ડિમ્પલ રામાણી, અને ડો.હસમુખ ચાવડા દ્વારા તાલીમબધ્ધ કરવામાં આવ્યા છે.

સંચાલકો માટે પણ એક તાલીમ વર્ગ યોજાયો હતો
તેઓ વિદ્યાર્થીઓને વિવિધ તૈયાર કરેલા કાઉન્સેલિંગ ફોર્મ દ્વારા વિગતો મેળવી તેમની ચકાસણી અને અધ્યયન કરી તેમાથી જે વિદ્યાર્થીઓને વધારે કાઉન્સેલિંગની જરુર હશે તેને સિનિયર કાઉન્સેલિંગ અને બાળ-મનોવિજ્ઞાનના નિષ્ણાતો પાસે કાઉન્સેલિંગ કરાવવામાં આવશે. આ સાથે સંચાલકો માટે પણ એક તાલીમ વર્ગ યોજાયો હતો. જેમા તેમને શાળાઓમાં તથા તેમના ઝોનમાં કાઉન્સેલિંગ સેન્ટર સ્થાપવા કેવા પ્રકારની વ્યવસ્થાઓ કરવી પડશે તેની સમજ અપાઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here