ન્યૂ લોન્ચ : Detel કંપનીએ ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર Detel Easy લોન્ચ કર્યું, પ્રારંભિક કિંમત 20,000 રૂપિયા

0
10

દિલ્હી. ફક્ત 299 રૂપિયામાં ફીચર ફોન અને 3,999 રૂપિયામાં LED ટીવી લાવનારી કંપની Detelએ હવે ઇલેક્ટ્રિક વ્હીકલ માર્કેટમાં એન્ટ્રી કરી છે. Detel કંપનીએ માત્ર 19,999 રૂપિયામાં ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર લોન્ચ કર્યું છે. કંપનીએ આ ઇલેક્ટ્રિક વ્હીકલનું નામ Detel Easy રાખ્યું છે અને કંપનીનો દાવો છે કે, આ વિશ્વનું સૌથી સસ્તું ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર છે. આ ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર પર્લ વ્હાઇટ, મેટાલિક રેડ અને જેટ બ્લેક આ ત્રણ કલર ઓપ્શનમાં આવ્યું છે. કિંમતમાં GST ઉમેરવામાં આવ્યો નથી.

ડ્રાઇવિંગ રેન્જ 60 કિમી
ફુલ ચાર્જ કર્યા બાદ આ સ્કૂટરની ડ્રાઇવિંગ રેન્જ 60 કિમી સુધીની મળશે. આ ટૂ-વ્હીલરની ટોપ સ્પીડ કલાક દીઠ 25 કિમી છે. તેમજ, આ સ્કૂટર ચલાવનારને લાઇસન્સની જરૂર નહીં રહે. આ સાથે જ તેણે વ્હીકલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પણ નહીં લેવું પડે. આ ટૂ-વ્હીલરમાં નોન રિમૂવેબલ બેટરી સારું બેલેન્સ રહે એ માટે તેના ફ્લોરમાં આપવામાં આવી છે. તેમજ, તેમાં આપવામાં આવેલી એડવાન્સ્ડ ડ્રમ બ્રેક સિસ્ટમ સેફ્ટીનું સંપૂર્ણ ધ્યાન રાખે છે.

બેટરી 8 કલાકમાં ફુલ ચાર્જ થઈ જશે
કંપનીનો દાવો છે કે, આ ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલરની બેટરી 8 કલાકમાં ફુલ ચાર્જ થઈ જાય છે. બેટરી વગર આ સ્કૂટરનું વજન 56 કિલો છે. Detelના આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં 48V, 12Ah લિથિયમ આયન બેટરી આપવામાં આવી છે. આ ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર 250W મોટરથી પાવર્ડ છે. કંપનીની વેબસાઇટ અનુસાર, આ ટૂ-વ્હીલરની બેટરી પર 3 વર્ષની વોરંટી મળશે. તેમજ, તેની મોટર, કન્ટ્રોલર અને ચાર્જર પર એક વર્ષની વોરંટી મળશે. કંપની દરેક ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર સાથે હેલ્મેટ ફ્રીમાં આપી રહી છે. આ ઇલેક્ટ્રિક વ્હીકલ 2 સીટર છે.