નવા સાંસદ ભવનના ઉદ્ધાટન કાર્યક્રમને લઈને ચાલી રહેલ રાજકીય ઘમાસાણ વધતુ નજર આવી રહ્યું છે. શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે કહ્યું કે, તમામ વિપક્ષી પાર્ટીઓએ નવા સંસદ ભવનના ઉદ્ઘાટન કાર્યક્રમનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. 28 મે ના રોજ યોજાનાર આ કાર્યક્રમનો અમે પણ બહિષ્કાર કરીશું. સંજય રાઉતે કહ્યું કે, સૌથી પહેલા અમે જ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પર સવાલ ઉઠાવ્યા હતા. અમે જ કહ્યું હતું કે, જ્યારે દેશની આર્થિક સ્થિતિ ખરાબ છે તો દેશને આવા પ્રોજેક્ટની જરૂર ન હતી. તેમણે કહ્યું કે, આ પ્રોજેક્ટને માત્ર પીએમ મોદીની ઈચ્છા પૂરી કરવા માટે બનાવવામાં આવ્યો છે.
તેમણે કહ્યું કે, આજનો સંસદ ભવન હજું પણ 100 વર્ષ ચાલી શકે છે. સંજય રાઉતે કહ્યું કે, આ (જૂનો) સંસદ ભવન ઐતિહાસિક છે અને આ સંસદ ભવન સાથે RSS અને બીજેપીનો કોઈ સબંધ નથી. રાઉતે કહ્યું કે, આ ખર્ચ માત્ર શિલા પર ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવા સંસદ ભવનનું ઉદ્ધાટન કરવામાં આવ્યું’ આ લખવા માટે થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, ઉદ્ઘાટન માટે રાષ્ટ્રપતિને આમંત્રણ આપવામાં નથી આવ્યું. તેથી જ દેશના વિરોધ પક્ષોએ ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે દ્રૌપદી મુર્મુને આદિવાસી મહિલાના નામ પર રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા હતા પરંતુ તેમને રાષ્ટ્રપતિ ભવનમાંથી બહાર આવવા જ નથી દેતા.