રાજકોટના ગોંડલના ગુમ થયેલા યુવકના શંકાસ્પદ મોતના મામલે નવો વળાંક સામે આવ્યો છે. પોલીસ તપાસમાં મહાસાગર ટ્રાવેલ્સના બસચાલક દ્વારા અકસ્માત કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે રમેશ મેર નામના બસચાલકની અટકાયત કરી બસને કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટ-અમદાવાદ હાઇવે પર તરઘડિયા નજીક ઓવરબ્રિજ પર ખાનગી બસની અમદાવાદ તરફ જતી બસની અડફેટે રાજકુમાર જાટનું અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું હતું. યુવાનના મોત બાદ મૃતક યુવાનનાં પરિવારજનો દ્વારા હત્યાના આક્ષેપ કરવામાં આવી રહ્યા હતા. પરંતુ પોલીસ દ્વારા મૃત્યુ થયાના સમય પહેલાંના સમય આસપાસ રાજકોટથી કુવાડવા સુધીના અંતરમાં જેટલાં વાહન પાસ થયાં તેના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા. આ દરમિયાન માહિતી મળતાં પોલીસ દ્વારા ટ્રાવેલ્સના સંચાલકનો સંપર્ક કરી બસચાલકની પૂછપરછ કરવામાં આવી હતી. જો કે, બે દિવસ સુધી બસચાલકે પશુ સાથે બસ અથડાઈ હોવાનું જણાવ્યું હતું. પરંતુ 13મી માર્ચના રોજ બસચાલકે અકસ્માત પોતે જ કર્યો હોવાનું જણાવી દીધું હતું.
ઉલ્લેખનીય છે કે, મૃતક રાજકુમાર જાટના મૃત્યુ પહેલાંનો સીસીટીવી વીડિયો હાલ સામે આવ્યો હતો. સીસીટીવી મુજબ યુવક ત્રીજી માર્ચના દિવસે વહેલી સવારે 8 વાગ્યાની આસપાસ રાજકુમાર નિર્વસ્ત્ર હાલતમાં રાજકોટ-અમદાવાદ હાઇ-વે પર ચાલીને જતો જોવા મળી રહ્યો હતો. હાલ, રાજકુમાર જાટનો આ સીસીટીવી વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.
ગોંડલના ગાયત્રીનગરમાં રહેતા અને પાઉંભાજીનો ધંધો કરતા રતનલાલ શંકરલાલ જાટે આક્ષેપ કર્યા હતા કે, ‘બીજી માર્ચે હું અને મારો પુત્ર રાજકુમાર સાથે ઘરે જવા બાબતે મોટે-મોટેથી બોલતા-બોલતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલા સામેથી પસાર થયા હતા. ત્યારે અટકાવીને પુત્ર ગણેશ જાડેજા તથા 7-10 માણસોએ માર માર્યો હતો. બાદમાં અમે બન્ને ઘરે જતાં રહ્યા હતા. જો કે બાદમાં ખોટી રીતે માર મારવામાં આવ્યો હોવાથી પુત્ર રાજકુમાર એ જ દિવસે રાત્રે ફરી પૂર્વ ધારાસભ્યના બંગલે ફરિયાદ કરવા ગયા હતા, પરંતુ તે બાદ તે રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો. આ બાબતે સ્થાનિક ગોંડલ પોલીસને જાણ કરાઈ હતી. ત્યાર બાદ રાજકોટ એસ.પી.ને લેખિત ફરિયાદ અરજી આપી હતી, તે પછી ગોંડલ પોલીસે તપાસ શરૂ કરી હતી.’
આ દરમિયાન પોલીસને ત્રણ માર્ચના દિવસે મધ્યરાત્રિએ 3 વાગ્યે કૂવાડવા નજીક વાહન અડફેટે ઈજા પામ્યા બાદ મૃત્યુ પામેલા અજાણ્યા યુવાન અને ગોંડલના લાપત્તા યુવાન વચ્ચે સામ્યતા જણાતા એ દિશામાં તપાસ શરૂ કરી હતી. જે પછી મૃત્યુ પામનાર યુવક રાજકુમાર હોવાનો સામે આવતા કેસમાં નવો વળાંક આવ્યો હતો.