USનો નવો ઘટસ્ફોટ : ભારતમાં કોરોનાને કારણે 50 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા

0
4

અમેરિકાના એક અભ્યાસમાં તાજેતરમાં જ પ્રકાશમાં આવ્યું છે કે જાન્યુઆરી 2020થી જૂન 2021 સુધીમાં ભારતમાં કોરોના વાયરસથી લગભગ 50 લાખ લોકોનાં મૃત્યુ થયાં છે. અભ્યાસમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે ભારત-પાકિસ્તાનના ભાગલા અને ભારતની આઝાદી પછીની આ સૌથી મોટી મહામારી છે. ઉલ્લેખનીય છે કે હાલ અમેરિકા સહિતના દેશોમાં કોરોનાના નવા વેરિયન્ટના સતત વધી રહેલા કેસોને પગલે ભયનો માહોલ છે.

વોશિંગ્ટન સ્થિત સેન્ટર ફોર ગ્લોબલ ડેવલપમેન્ટનો રિપોર્ટ ​
સિર્યોલોજિકલ અભ્યાસ, હાઉસહોલ્ડ સર્વે, વિવિધ રાજ્યોના મ્યુનિસિપાલિટીના ડેટા અને ઈન્ટરનેશનલ એસ્ટિમેટ્સના આધારે અમેરિકાના વોશિંગ્ટન સ્થિત સેન્ટર ફોર ગ્લોબલ ડેવલપમેન્ટે એક રિપોર્ટ જાહેર કર્યો છે. એમાં ભારતના ત્રણ ડેથ એસ્ટિમેટને રજૂ કરવામાં આવ્યા છે. આ ત્રણેય એસ્ટિમેટ ઓફિશિયલ જાહેર કરાયેલા 4,00,000થી વધુ છે. જો અભ્યાસમાં તારવવામાં આવેલા સામાન્ય આંકડાઓ પર પણ નજર કરીએ તોપણ આ આંકડો જાહેર કરાયેલા આંકડા કરતાં ઘણા વધુ છે. જો દેશનાં 7 રાજ્યની મ્યુનિસિપાલિટીમાં નોંધાયેલા ડેટા પર પણ નજર કરીએ તો આ આંકડો 3.4 મિલિયનથી વધુ મૃત્યુ થયાં હોવાનું દર્શાવે છે.

ઈન્ફેક્શન ફેટાલિટ રેટ્સના આધારે લગાવાયો અંદાજ
જો આ ગણતરી ઈન્ટરનેશનલ એજ-સ્પેસિફિકેેશન ઈન્ફેક્શન ફેટાલિટ રેટ્સ(IFR)ના આધારે ભારત પર લાગુ કરવામાં આવે તોપણ દેશમાં લગભગ 40 લાખ જેટલા લોકોનાં મૃત્યુ થયાં છે. આ સિવાય આ ગણતરી કન્ઝ્યુમર પિરામિડ હાઉસહોલ્ડ સર્વે મુજબ કરવામાં આવે, એટલે કે વિવિધ રાજ્યોની 800000 વ્યક્તિ તોપણ આ આંકડો 4.9 મિલિયનથી વધુ મૃત્યુ થયો હોવાનો અંદાજ આપે છે.

ભવિષ્યના આયોજન માટે પણ આ ડેટાનો અભ્યાસ કરવો જરૂરી
આ રિપોર્ટને અભિષેક આનંદ, જસ્ટિન સેન્ડરફર અને અરવિંદ સુબ્રહ્મણ્યમ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. એમાં જણાવવામાં આવ્યું છે કે આ ડેટા બેઝનો યોગ્ય અભ્યાસ થવો જરૂરી છે, કારણ કે એનાથી ભવિષ્યમાં પણ મદદ મળી રહે છે. ઉલ્લેખનીય છે કે અરવિંદ સુબ્રહ્મણ્યમ અગાઉ ભારતના ચીફ ઈકોનોમિક એડવાઈઝર હતા. રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે ભારતે કોરોના વાયરસની પ્રથમ લહેર દરમિયાન એટલે કે માર્ચ 2020થી ફેબ્રુઆરી 2021 દરમિયાન ગંભીરતા રાખી ન હતી. એને પગલે દેશમાં બીજી લહેર ઘાતક સાબિત થઈ છે.

ભારતમાં પ્રથમ લહેરમાં જ 2 મિલિયન માણસોએ જીવ ગુમાવ્યો
રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં પ્રથમ લહેર વધુ ઘાતક સાબિત થઈ હતી. જોકે આ બાબતે વધુ ગંભીરતા દાખવવામાં આવી ન હતી. એમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં પ્રથમ લહેરમાં જ લગભગ 2 મિલિયન માણસોએ જીવ ગુમાવ્યો છે. આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે જ્યારે પશ્ચિમી દેશોમાં કોરોનાના ડેલ્ટા વેરિયન્ટના કેસ સતત વધી રહ્યા છે. અમેરિકામાં કોરોનાના ડેલ્ટા વેરિયન્ટના કેસ સતત વધી રહ્યા છે. હાલ પ્રત્યેક દિવસ 32000 જેટલા નવા કેસ અમેરિકામાં નોંધાઈ રહ્યા છે. કેસનું પ્રમાણ ગત સપ્તાહની સરખામણીએ આ સપ્તાહે 66 ટકા જેટલું વધ્યું છે. નોંધાઈ રહેલા કેસ પૈકીના મોટા ભાગના કેસ ડેલ્ટા વરિયન્ટના છે. ડેલ્ટા વેરિયન્ટથી મોટા ભાગના રસી ન લીધી હોય તેવા લોકો સંક્રમિત થઈ રહ્યા છે. કોરોનાના વધી રહેલા કેસ અંગે CDCએ જણાવ્યું હતું કે હાલ અમેરિકામાં જે કોરોનાના 99 ટકા મૃત્યુ થઈ રહ્યાં છે અને 97 ટકા હોસ્પિટલાઈઝેશન થઈ રહ્યા છે તેમનો ભોગ વેક્સિન લીધી ન હોય તેવા લોકો બની રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here