સિદ્ધિ : 36 વર્ષીય નીતિન મેનનનો ICC એલિટ પેનલ ઓફ અમ્પાયર્સમાં સમાવેશ થયો, સ્થાન મેળવનાર વિશ્વના સૌથી યુવા અમ્પાયર બન્યા

0
3

ભારતના નીતિન મેનનનો ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના એલિટ પેનલ ઓફ અમ્પાયર્સમાં સમાવેશ થયો છે. ICC પેનલે એન્યુઅલ રિવ્યુ કર્યા પછી તેમને 2020-21ની સીઝન માટે એપોઇન્ટ કર્યા હતા. રિવ્યુ કરનાર કમિટીમાં જોફ એલરડાઈસ (ICC જનરલ મેનેજર), સંજય માંજરેકર અને મેચ રેફરી રંજન મદુગલે અને ડેવિડ બૂન સામેલ હતા.

36 વર્ષીય મેનને 3 ટેસ્ટ, 24 વનડે અને 16 T-20માં અમ્પાયરિંગ કર્યું છે. તે નાઇજલ લોન્ગને રિપ્લેસ કરીને પેનલના સૌથી યુવા મેમ્બર બન્યા છે. તેમજ એસ. વેંક્ટરાઘવન અને એસ. રવિ પછી ત્રીજા ભારતીય અમ્પાયર છે, જેને ICC એલિટ પેનલ ઓફ અમ્પાયર્સમાં સ્થાન મળ્યું છે.

અલીમ દાર, કુમાર ધર્મસેના, મરાઇસ ઇરાસ્મસ, ક્રિસ ગેફની, માઇકલ ગોગ, રિચાર્ડ ઇલિંગવર્થ, રિચાર્ડ કેટલબ્રો, બ્રુસ ઓકસનફર્ડ, પોલ રાઇફલ, રોડ ટકર અને જોઈલ વિલ્સને ICC એલાઈટ પેનલ ઓફ અમ્પાયર્સમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.

પિતા પણ ઇન્ટરનેશનલ અમ્પાયર હતા

નીતિને કહ્યું, “મારા પિતા નરેન્દ્ર મેનન પણ ઇન્ટરનેશનલ અમ્પાયર રહી ચુક્યા છે. મારે ક્રિકેટર બનવું હતું. ઇન્ડિયન ક્રિકેટ બોર્ડે 2006માં અમ્પાયર્સ માટે એક એક્ઝામ રાખી હતી. આ એક્ઝામ 1996 પછી એટલે કે 10 વર્ષમાં પ્રથમવાર ગોઠવવામાં હતી. મારા પિતાએ મને કહ્યું કે, આપી જો. ક્લિયર કરીશ તો અમ્પાયર બની જઈશ. આમ હું 2006માં અમ્પાયર બની ગયો હતો.” નીતિને 22 વર્ષની વયે ક્રિકેટ રમવાનું છોડ્યું હતું અને 23 વર્ષે સીનિયર અમ્પાયર તરીકે ફરજ નિભાવી રહ્યા હતા. તેમણે 2018 અને 2020 વુમન્સ T-20 વર્લ્ડ કપમાં પણ અમ્પાયરિંગ કરી હતી. તેઓ મધ્યપ્રદેશ માટે 2 લિસ્ટ-A મેચ પણ રમી ચૂક્યા છે.