બોન્ડના વ્યાજ દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, RBI બોન્ડ પર 7.15% વ્યાજ મળતું રહેશે

0
3

ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા સેવિંગ્સ બોન્ડના વ્યાજ દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે જાન્યુઆરીથી જૂન 2021 માટે તેમાં પહેલાની જેમ 7.15 ટકાના દરે વ્યાજ મળતું રહેશે. આ બોન્ડને RBI બોન્ડ પણ કહેવામાં આવે છે. સરકાર દર 6 મહિને RBI બોન્ડના વ્યાજ દરની ઘોષણા કરે છે.

કોઈપણ RBI બોન્ડમાં રોકાણ કરી શકે છે

કોઈપણ વ્યક્તિ અને હિન્દુ અવિભાજિત કુટુંબ (HUF)આ બોન્ડમાં રોકાણ કરી શકે છે. જો કે NRI તેમાં રોકાણ નથી કરી શકતા. બોન્ડમાં પણ રોકાણની મહત્તમ મર્યાદા નથી, પરંતુ ન્યૂનતમ રોકાણ 1,000 રૂપિયાથી શરૂ થાય છે.

7 વર્ષ સુધી પૈસા ઉપાડી શકતા નથી

બોન્ડ જારી કરવાની તારીખથી જ્યાં સુધી 7 વર્ષ પૂરા નથી થતા, તમે તેમાંથી પૈસા ઉપાડી શકશો નહીં. એટલે કે તેમાં 7 વર્ષનો લોક ઈન પિરિઅડ હોય છે. સિનિયર સિટીઝનને સમય પહેલા પૈસા ઉપાડવાની મંજૂરી આપવામાં આવે છે.

વ્યાજ 2 વખત ચૂકવવામાં આવે છે

તેમાં એક સામટું વ્યાજ ચૂકવવાનો કોઈ વિકલ્પ નથી. બોન્ડ પર જે દિવસે વ્યાજ આપવાનું થશે, તે દિવસે તે રોકાણકારના બેંક ખાતામાં ક્રેડિટ કરવામાં આવશે. તેમાં વર્ષમાં 2 વખત વ્યાજ ચૂકવવામાં આવે છે. આ બોન્ડમાંથી મળતા વ્યાજ પર તમારી આવક પર લાગુ ઈન્કમ ટેક્સ સ્લેબ અનુસાર ટેક્સ લાગશે. તે ઉપરાંત વ્યાજની આવક પર TDS લાગુ થશે.

કેવી રીતે રોકાણ કરી શકાય છે?

તેમાં રોકાણ કેશ (20,000 રૂપિયા સુધી) ડ્રાફ્ટ/ચેક અથવા રિસીવિંગ ઓફિસના ઈલેક્ટ્રોનિક મોડ તરીકે કરવું પડશે. બોન્ડ માટે અરજી SBI, સરકારી બેંક ICBI બેંક, એક્સિસ બેંક, HDFC બેંક અને ICICI બેંકની બ્રાન્ચમાં પ્રાપ્ત થશે. બોન્ડ માત્ર ઈલેક્ટ્રોનિક રૂપમાં જારી કરવામાં આવશે.