દશેરા : વડોદરા : ફાફડા-જલેબી ખરીદવા લાઇનો જોવા ન મળી, વેપારીઓને 60 ટકા નુકસાન, માત્ર 2 કરોડના વેચાણનો અંદાજ

0
5

દશેરા પર્વને લઇને આજે સવારથી વડોદરા શહેરમાં ફાફડા જલેબી ખરીદવા માટે લોકો નીકળી પડ્યા હતા. જોકે દર વર્ષની જેમ આ વર્ષે ખરીદી માટે લાઇનો જોવા મળી નહોતી. વડોદરા શહેરમાં દર વર્ષે 5થી 6 કરોડ રૂપિયાના ફાફડા જલેબી ખવાઇ જાય છે. જોકે કોરોના મહામારીના કારણે શહેરમાં વેપારીઓને 2 કરોડ રૂપિયાનો પણ ધંધો કરવો મુશ્કેલ બની ગયો છે. ગત વર્ષ કરતા ફાફડા જલેબીનું વેચાણ આ વખતે ઓછુ થયું છે. જેથી વેપારીઓને 3થી 4 કરોડનું નુકસાન જાય તેમ લાગી રહ્યું છે.

ફાફડાનો ભાવ આ વખતે 350થી 400 રૂપિયા સુધી પહોંચી ગયો

વડોદરા શહેરમાં ગત વર્ષે 250થી 300 રૂપિયા કિલો મળતા ફાફડાનો ભાવ આ વખતે 350થી 400 રૂપિયા સુધી પહોંચી ગયો છે. આમ ફાફડાના ભાવમાં ગત વર્ષ કરતા 20થી 25 ટકાનો વધારો થયો છે. જલેબી 100થી 200 રૂપિયે કિલો વેચાઇ રહી છે. જોકે, આ વર્ષે જલેબીના ભાવમાં વધારો થયો નથી. વર્ષ-2019માં ફાફડા-જલેબીના જે સ્ટોલ લાગ્યા હતા, તેની સરખામણીમાં આ વખતે નહીંવત સ્ટોલ ઉભા થયા હતા.

કોરોનાને કારણે ફાફડા જલેબીનું વેચાણ ઓછુ થયું

ફરસાણના વેપારી મુકેશભાઇએ જણાવ્યું હતું કે, ફાફડાનો ભાવ 400 રૂપિયા અને જલેબી 160 રૂપિયે કિલો છે. તેલ સહિતની વસ્તુઓ મોંઘી થતાં ફાફડનો ભાવ વધ્યો છે. આ વખતે કોરોનાને કારણે ફાફડા જલેબીનું વેચાણ ઓછુ થઇ રહ્યું છે.

આ વખતે વેચાણનો ટાર્ગેટ જ ઓછો રાખ્યો છે

વેપારી મોહનલાલે જણાવ્યું હતું કે, કોરોના મહામારીને કારણે ફાફડા-જલેબીના વેચાણનો ટાર્ગેટ રાખ્યો છે. ગત વર્ષ કરતા આ વખતે ફાફડા-જલેબીનું 60 ટકા જેટલુ વેચાણ થશે અને 40 ટકાનું નુકસાન થશે તેમ લાગી રહ્યું છે.