વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૭૫ વર્ષના થઈ ગયા પછી પણ દેશનું નેતૃત્વ કરતા રહેશે. ભાજપના બંધારણમાં ૭૫ વર્ષની વયે નિવૃત્ત થઈ જવા અંગે કોઈ નિયમ નથી તેમ કેન્દ્રીય મંત્રી અમિત શાહે જણાવ્યું હતું. આ સાથે તેમણે દાવો કર્યો કે વિપક્ષ પાસે કોઈ મુદ્દા, કોઈ નીતિ કે કોઈ કાર્યક્રમ રહ્યા નથી. તેથી તેઓ આવા અર્થહીન દાવા કરીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી વર્ષે ૭૫ વર્ષના થઈ રહ્યા છે ત્યારે તેઓ નિવૃત્ત થઈ જશે અને અમિત શાહને પીએમ બનાવી દેશે તેવા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના દાવા સામે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જવાબ આપ્યો હતો.
હૈદરાબાદમાં એક રેલીને સંબોધન કરતા અમિત શાહે કહ્યું કે, હું અરવિંદ કેજરીવાલ એન્ડ કંપની તથા સંપૂર્ણ ઈન્ડી ગઠબંધનને કહેવા માગું છું કે, મોદીજી ૭૫ વર્ષની વય પછી પણ દેશનું નેતૃત્વ કરતા રહેશે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના બંધારણમાં એવો કોઈ નિયમ નથી કે ૭૫ વર્ષની વય પછી નેતૃત્વ ના કરી શકાય. હું વિપક્ષને ખાતરી અપાવવા માગું છું કે મોદીજી જ ત્રીજી ટર્મ પૂરી કરશે અને મોદીજી જ આગામી સમયમાં દેશનું નતૃત્વ કરતા રહેશે. આ મુદ્દે ભાજપની અંદર કોઈ જ પ્રકારની મુંઝવણ નથી. ગૃહમંત્રીએ કેજરીવાલના ‘અતિ આત્મવિશ્વાસ’ પર પણ સવાલ ઉઠાવતા કહ્યું, કેજરીવાલને સુપ્રીમ કોર્ટે માત્ર વચગાળાના જામીન આપ્યા છે અને તે અસ્થાયી છે. એવું નથી કે કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રીને દારૂ નીતિના કેસમાંથી મુક્ત કરી દીધા છે. તેમના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા હજુ પણ જેલમાં જ છે. અરવિંદ કેજરીવાલને ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીન અપાયા છે. તેમણે સુપ્રીમ કોર્ટ સમક્ષ પ્રાર્થના કરી હતી કે તેમની ધરપકડ ખોટી છે, પરંતુ સુપ્રીમ કોર્ટ તે બાબતે સંમત નથી. કેજરીવાલને વચગાળાના જામીન માત્ર ૧ જૂન સુધી જ મળ્યા છે. બીજી જૂને તેમણે એજન્સીઓ સમક્ષ આત્મસમર્પણ કરવાનું છે. કેજરીવાલ તેને ક્લીનચિટ માનતા હોય તો કાયદા અંગે તેમની સમજ નબળી છે.શાહે કહ્યું કે, માત્ર ભાજપ જ નહીં જનતા પણ જાણે છે કે મોદીજીનું કણ-કણ અને ક્ષણે ક્ષણ ભારત માતાની સેવા માટે સમર્પિત છે. તેમના નેતૃત્વમાં ‘વિકસિત ભારત’ની પરિકલ્પના સાકાર થઈ રહી છે અને તેઓ આગામી પાંચ વર્ષના કાર્યકાળમાં દેશને નવા શિખર પર લઈ જશે. વિપક્ષ એ બાબતે ખુશ ના થઈ જાય કે આગામી વર્ષે મોદી જતા રહેશે. મોદીજી અમારા નેતા છે અને આગળ પણ અમારું નેતૃત્વ કરતા રહેશે. ઈન્ડી ગઠબંધન અને જામીન પર જેલમાંથી બહાર આવેલા નેતા પણ જાણે છે કે ‘આયેગા તો મોદી હી, રહેગા તો મોદી હી, ભારત કો મજબૂત બનાયેગા તો મોદી હી.’ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ કહ્યું કે, જેલમાંથી જામીન પર છૂટેલા અરવિંદ કેજરીવાલ અને આખું ઈન્ડી ગઠબંધન નિષ્ફળતા જોઈ ગયું હોવાથી રઘવાયું થઈ ગયું છે. તેઓ દેશને ખોટા માર્ગે વાળવા અને ભ્રમિત કરવા માગે છે. તેથી જ તેમણે હવે વડાપ્રધાન મોદીની વયને મુદ્દો બનાવવાનો નિર્ણય કર્યો છે.