ઉત્તર ગુજરાત : રાજ્યમાં ઘઉંના રેકોર્ડ 177 કરોડ કિલો ઉત્પાદનની શક્યતા

0
43

મહેસાણાઃ  ચાલુ વર્ષે ચોમાસા સારું રહેતાં અને કેનાલોથી પિયતની સુવિધા વધતાં ઘઉંના વાવેતરમાં વિક્રમજનક ઉછાળો આવ્યો છે. વર્ષ 2019માં રવિ સિઝનમાં 8.07 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું, જ્યારે વર્ષ 2020માં 5.88 લાખ હેક્ટર વધીને 13.95 લાખ હેક્ટર નોંધાયું છે. જેને લઇ ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે અંદાજે 177.34 કરોડ કિલો ઘઉંનું વધુ ઉત્પાદન થવાની સંભાવના છે. ફુગાવાની આ સ્થિતિમાં ખેડૂતોને ઘઉંના ભાવમાં ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ક્વિન્ટલે રૂ.100 સુધી ઓછા મળવાની શક્યતાઓ વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.


ગુજરાતમાં ચાલુ વર્ષે શિયાળામાં 13.95 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું છે. જે ગત વર્ષ કરતાં પાંચ લાખ હેક્ટર વધુ છે. ઉત્તર ગુજરાતમાં પણ ગત વર્ષ કરતાં 58,203 હેક્ટર વધુ વાવેતર થયું છે. રાજ્યમાં 15 માર્ચથી સિઝનના નવા ઘઉંની આવક તમામ માર્કેટયાર્ડોમાં શરૂ થઇ જશે. આ દરમિયાન સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ હાલ નવા ઘઉંની આવક શરૂ થઇ છે. જેમાં ગત વર્ષ કરતાં ક્વિન્ટલે હરાજીમાં રૂ.150નો ઘટાડો આવ્યો છે. શરૂઆતમાં જ ઘઉંની બમ્પર આવકના કારણે ભાવમાં ફટકાના સંકેતો છે. ખેતીવાડી વિભાગના સૂત્રોના અંદાજ મુજબ, પ્રતિ હેક્ટર ઘઉંમાં 3018 કિલોગ્રામની ઉપજ થઇ શકે. આ રીતે જોઇએ તો, રાજ્યમાં ગત વર્ષ 2019 જાન્યુઆરીની સ્થિતિએ 8,07,371 હેક્ટરમાં વાવેતર સાથે અંદાજે 2.43 અબજ કિલો ઉત્પાદન થયું હતું. જ્યારે ચાલુ વર્ષે 15.95 લાખ હેક્ટર વાવેતરમાં 4.21 અબજ કિલો ઉત્પાદનનો અંદાજ છે.
વધુ વાવેતર અને ઉત્પાદન થવાના કારણે ભાવમાં ક્વિન્ટલે રૂ.100થી 150નો ભાવ ઘટી શકે છે
બનાસકાઠામાં તીડથી માઠી અસર સિવાય રાજ્યમાં ઘઉંનું સારું ઉત્પાદન દેખાઇ રહ્યું છે. હાલ કાઠિયાવાડમાં આ સિઝનના ઘઉં યાર્ડમાં શરૂ થયા છે, જેમાં ગત સિઝન કરતાં ક્વિન્ટલે રૂ.150 ભાવ ઘટીને રૂ.1850થી રૂ.2100માં ખેડૂતો પાસેથી હરાજીમાં ખરીદી થાય છે. ઉત્તર ગુજરાત સહિત અન્ય યાર્ડોમાં 15 માર્ચ સુધીમાં ઘઉંની નવી આવકો શરૂ થશે. ગત વર્ષે ખેડૂતના ઘઉંના કાચા માલના મણદીઠ ભાવ રૂ. 380થી 450 હતા, જે આ વર્ષે રૂ.10થી 40નો ઘટાડો આવી શકે છે.ે > લેખરાજ શાહ, વેપારી મહેસાણા માર્કેટયાર્ડ
આ વર્ષે મધ્યપ્રદેશ, રાજસ્થાનથી ઘઉંની આયાત ઘટશે
આ વખતે રાજ્યમાં ઘઉંનું વધુ વાવેતર છે એટલે મધ્યપ્રદેશ, રાજસ્થાનથી ગુજરાતમાં ઘઉંની આયાત ઓછી રહેશે. યાર્ડમાં ખેડૂતો પાસેથી ઘઉંની ખરીદી કરી વેપારીઓ બિલિંગ, ક્લિનિંગ કરીને કચરો કાઢી વિણામણ વગરના કટિંગ ઘઉં તૈયાર કરવામાં રૂ.200થી રૂ.250 ભાવ ચઢતા હોય છે. આ તૈયાર ઘઉં મણદીઠ રૂ.440થી 500ના ભાવે રહેવાની શક્યતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here