- Advertisement -
ડાકોર નગરપાલિકાની ૨૮ બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ મળી કુલ ૧૧૬ ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યાં હતાં. સોમવારે ફોર્મ ચકાસણીના દિવસે ઉમેદવારીપત્રોની ચકાસણી કર્યા બાદ પ્રાંત અધિકારી દ્વારા તમામ ૧૧૬ ઉમેદવારીપત્રો યોગ્ય જાહેર કર્યા હતા.
જિલ્લાની મહેમદાવાદ, મહુધા, ખેડા, ચકલાસી અને ડાકોર નગરપાલિકા માટે સામાન્ય ચૂંટણી જાહેર થઈ છે. ડાકોર પાલિકાના સાત વોર્ડની ૨૮ બેઠક માટે શનિવારે ઉમેદવારીપત્ર ભરવાના અંતિમ દિવસ સુધીમાં કુલ ૧૧૬ ઉમેદવારોએ નામાંકનપત્ર ભર્યું હતું. જેમાં ભાજપના ૨૭, કોંગ્રેસના ૫ અને અપક્ષના ૮૪ ઉમેદવારોએ ચૂંટણી અધિકારી સમક્ષ ફોર્મ રજૂ કર્યાં હતાં. સોમવારે ફોર્મ ચકાસણીનો દિવસ હોવાથી પ્રાંત કચેરી અને મામલતદાર કચેરીના કર્મચારીઓ દ્વારા ૧૧૬ ઉમેદવારીપત્રોની ચકાસણી કરવામાં આવી હતી. ફોર્મમાં ટેકેદારોની સહી સહિતની વિગતોની ચકાસણી કર્યા બાદ પ્રાંત અધિકારી દ્વારા તમામ ઉમેદવારીપત્રો યોગ્ય જાહેર કરવામાં આવ્યા હતા. પ્રાંત અધિકારીએ ચૂંટણી લડવાની મંજૂરીની મહોર મારતા ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોએ મતદારોને રીઝવવાની તૈયારીઓ આરંભી દીધી છે. જોકે, મંગળવારે ઉમેદવારીપત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ હોવાથી ત્યારબાદ ઉમેદવારોની સ્થિતિ સ્પષ્ટ થશે.