અમેરિકાના જ્યોર્જિયામાં એક વ્યક્તિને એટલી લાંબી આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે કે, તે પૂરી કરવા માટે તેને કેટલાક જન્મ લેવા પડશે. ગેરકાયદેસર કૂતરાંઓના ઝઘડા કરવાનું આયોજન કરવા બદલ એક વ્યક્તિને 475 વર્ષની ચોંકાવનારી જેલની સજા ફટકારવામાં આવી છે. 57 વર્ષીય વિન્સેન્ટ લેમાર્ક બ્યુરેલ પર આરોપ હતો કે તે, 100થી વધુ પિટબુલ કૂતરાંઓને ઝઘડા માટે ઉછેરવા અને તાલીમ આપી રહ્યો હતો. આ ઐતિહાસિક સજાએ અમેરિકામાં સનસનાટી મચાવી દીધી છે.યુએસએ ટુડેના રિપોર્ટ પ્રમાણે, પોલડિંગ કાઉન્ટીની કોર્ટમાં જ્યારે આ કેસની સુનાવણી થઈ રહી હતી, ત્યારે ચોંકાવનારા તથ્યો સામે આવ્યા. કોર્ટે બુરેલને કૂતરાઓની લડાઈના 93 ગુનાઓમાં દોષિત ઠેરવ્યા હતા અને દરેક ગુનામાં પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી. આ ઉપરાંત તેને પ્રાણીઓ પર ક્રૂરતા કરવાના 10 ગુનાઓમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો, જેમાં દરેક ગુનામાં એક વર્ષની સજાનો ઉમેરો કરવામાં આવ્યો હતો. આમ તેની કુલ સજા 475 વર્ષની થઈ હતી. જે કોઈ પણ વ્યકિતને કૂતરાઓની લડાઈના ગુના માટે આપવામાં આવેલી સૌથી લાંબી સજા માનવામાં આવે છે.
‘ચુકાદો માન્ય નથી, ફરીથી કોર્ટમાં પડકારીશુ’
ચોંકાવનારા આ કેસના મુખ્ય ફરિયાદી કેસી પેગ્નોટાએ જણાવ્યું હતું કે, ‘આ ચુકાદો પ્રાણીઓ સામે ક્રૂરતા કરનારા બધા લોકો માટે ચેતવણી સમાન છે. સમાજે હવે આ પ્રકારના અત્યાચારો બંધ કરાવવા માટે જાગૃત થવું જોઈએ.’ જો કે, બરેલના વકીલ ડેવિડ હીથે આ નિર્ણયને કોર્ટમાં પડકારવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, આ નિર્ણય પુરાવાની વિરુદ્ધ છે અને અમને તેને ફરીથી પડકારવાનો અધિકાર છે.