Tuesday, September 28, 2021
Homeમોદીની અપીલ બાદ પણ તમામ અખાડા મેળાને સમાપ્ત કરવા તૈયાર નથી, સાધુ-સંતોને...
Array

મોદીની અપીલ બાદ પણ તમામ અખાડા મેળાને સમાપ્ત કરવા તૈયાર નથી, સાધુ-સંતોને મનાવવા માટે સરકાર છેલ્લા બે દિવસથી કરી ગુપ્ત બેઠકો

કોરોનાના વધતા સંક્રમણને જોતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરિ સાથે વાત કરતાં કુંભમાં મેળાવડાને સમાપ્ત કરવા અને એને ફક્ત પ્રતીકાત્મક રીતે મર્યાદિત રાખવા અપીલ કરી હતી. નિરંજની અને આનંદ અખાડાએ પોતાના વતી કુંભ સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. જોકે કેટલાક અખાડા સમયથી પહેલાં મેળાની સમાપ્તિની વાતથી નારાજ છે. તેમનું કહેવું છે કે મેળો નિયત સમય સુધી જ ચાલશે.

આ સાધુ-સંતોને મનાવવા માટે ઉત્તરાખંડ સરકાર છેલ્લા બે દિવસથી ગુપ્ત બેઠકો કરી રહી છે. વડાપ્રધાનની અપીલ પણ એક પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે, પરંતુ હમણાં તમામ અખાડાઓમાં સંમતિ બનતી હોવાનું જણાતું નથી. સૌથી શક્તિશાળી ગણાતા જૂના અખાડાને સ્પષ્ટ કરી દીધું છે કે તે સમય પહેલાં કુંભમેળો સમાપ્ત કરવામાં આવશે નહીં અને 27 એપ્રિલે શાહી સ્નાનમાં અખાડાના તમામ સાધુ ભાગ લેશે.

જોકે કોરોનાવિસ્ફોટથી પરેશાન કેન્દ્ર સરકાર કુંભમેળો જલદીમાં જલદી સમાપ્ત કરવા ઈચ્છે છે, પરંતુ તે એ નથી ઇચ્છતી કે આ માટે કોઈ સરકારી નિર્દેશ જાહેર કરવા પડે, પરંતુ કેન્દ્રની ઈચ્છા છે કે સાધુ-સંતો ખુદ મેળાની સમાપ્તિની જાહેરાત કરે. આ બાબતને સંચાલિત કરવાનું કામ તીરથ સરકારને સોંપવામાં આવ્યું છે, જે તેમના માટે મુશ્કેલીનું કારણ બની રહ્યું છે. હવે તમામ અખાડાઓ સાથે ગોપનીય સરકારી વાટાઘાટો ચાલી રહી છે, પરંતુ ઘણા અખાડા નારાજ છે કે સરકારે શરૂઆતમાં તેમને વિશ્વાસમાં લીધા નથી.

ઉત્તરાખંડની તીરથ સરકાર સીધો જ મેળાની સમાપ્તિ કરવાની જાહેરાત કરીને સાધુ-સંતો સાથે કોઈ વિવાદ ઊભો કરવા માગતી નથી. માટે રાજ્ય સરકારે જુદા જુદા અખાડાના સંતો સાથે ગુપ્ત બેઠકો શરૂ કરી અને તેમને કુંભમેળો સમાપ્તિની જાહેરાત કરાવવા માટેના પ્રયાસ કર્યા. આ બેઠકોમાં થોડી અસર દેખાઈ. જ્યારે નિરંજની અને આનંદ અખાડાએ બે દિવસ પહેલાં તેમના વતી મેળાનું સમાપન કરવાની જાહેરાત કરી હતી.

ઉત્તરાખંડમાં 2,402 લોકો પોઝિટિવ મળ્યા છે, તેમાંથી 539 દર્દી હરિદ્વારના છે.

હરિદ્વારમાં ચાલતા કુંભમાં સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓની કોરોના સંક્રમિત થવાના ન્યૂઝ આવ્યા પછી પ્રશાસને પગલાં લેવાનું નક્કી કર્યું છે. ઘણા અખાડા પહેલેથી જ કુંભમાંથી પરત ફરવાની જાહેરાત કરી ચૂક્યા છે. આ વિશે હવે વડાપ્રઘાન મોદી દ્વારા પણ એક મહત્ત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું.

વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આચાર્ય મહામંડલેશ્વર પૂજ્ય સ્વામી અવધેશાનંદ ગિરિજી સાથે ફોન પર વાત કરી હતી. દરેક સંતના સ્વાસ્થ્યની માહિતી લીધી છે. દરેક સંતગણ પ્રશાસનને દરેક પ્રકારની મદદ કરી રહ્યા છે. મેં એ માટે સંતજગતનો આભાર માન્યો છે.

વડાપ્રધાને આગળ કહ્યું હતું કે મેં વિનંતી કરી છે કે બે શાહી સ્નાન થઈ ગયાં છે, તેથી હવે કુંભને કોરોના સંકટમાં પ્રતીકાત્મક જ રાખવામાં આવે. એનાથી સંકટ સામે લડાઈ લડવામાં તાકાત મળશે. વડાપ્રધાન મોદીએ આ વિશે ટ્વીટ કર્યું હતું.

વડાપ્રધાનના નિવેદન પર જવાબ આપતાં મહામંડલેશ્વર અવધેશાનંદ ગિરિએ કહ્યું હતું કે માનનીય વડાપ્રધાનજીની અપીલનું અમે સન્માન કરીએ છીએ. સ્વયં અને બીજાના જીવની રક્ષા કરવી ખૂબ મહત્ત્વની છે. મારો ધર્મ પરાયણ જનતાને આગ્રહ છે કે કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એના નિયમો અને ગાઈડલાઈન્સનું પાલન કરવામાં આવે.

અત્યારસુધીમાં 70થી વધારે સાધુ સંક્રમિત

કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને નિરંજની અખાડાએ 15 દિવસ પહેલાં જ કુંભમેળો બંધ કરવાની જાહેરાત કરી દીધી હતી. આ અખાડાના 17થી વધારે સાધુ સંક્રમિત થયા હતા. અખાડાના સચિન રવીન્દ્ર પુરી પોતે પણ સંક્રમિત થયા હતા. અત્યારસુધી કુંભમેળામાં સામેલ થનારા 70થી વધારે સાધુ-સંત કોરોના સંક્રમિત નોંધાયા છે. મોટી સંખ્યામાં સંતોનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. બે દિવસ પહેલાં જ અખિલ ભારતીય શ્રી પંચ નિર્વાણી અખાડાના મહામંડલેશ્વર કપિલ દેવદાસનું નિધન પણ થયું છે.

ઉત્તરાખંડમાં કોરોનાની સ્પીડ 8814% ઝડપી બની

ઉત્તરાખંડમાં આસ્થાના મહાકુંભ વચ્ચે હવે કોરોનાનો કુંભ પણ શરૂ થઈ ગયો છે. એક મહિનાની અંદર રાજ્યમાં કોરોનાના દર્દીઓ મળી આવવાની ગતિમાં 8841%નો વધારો નોંધાયો છે. બગડતી જતી સ્થિતિનું અનુમાન એ વાતથી લગાવી શકાય કે જ્યાં ફેબ્રુઆરીમાં અહીં દરરોજ 30થી 60 લોકો સંક્રમિત મળતા હતા, એ સંખ્યા હવે વધીને 2,000થી 2,500એ પહોંચી ગઈ છે. આંકડાનું એનાલિસિસ કરવામાં આવે તો એવું લાગે છે કે આ તો હજુ શરૂઆત છે. આવનારા દિવસોમાં સ્થિતિ વધુ ભયજનક બની શકે છે.

લાખો લોકો એકઠા થતાં ઊઠી રહ્યા હતા ઘણા સવાલો

દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે, આ વચ્ચે કુંભમેળો યથાવત્ રાખવાના મુદ્દે સવાલો ઊઠી રહ્યા હતા. દેશમાં ગુરુવારે કોરોનાના 2 લાખ નવા કેસ સામે આવ્યા. આ મહામારી શરૂ થઈ ત્યારથી અત્યારસુધીનો આ એક દિવસનો સૌથી મોટો આંકડો છે. બીજી તરફ, કુંભમાં લાખો લોકોની ભીડ એકઠી થઈ રહી છે. બુધવારે શાહી સ્નાનમાં 14 લાખ લોકો સામેલ થયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments