નવો વેપાર:પૈસાનું પાણી નહીં, પણ પાણીના પૈસા; હવે US શેરબજાર વૉલસ્ટ્રીટ પર પાણીના વાયદાનો વેપાર

0
0

  • ભૂંડ સહિતના લાઇવ કેટલ ટ્રેડિંગ, વેધર તેમજ ઇલેક્ટ્રિક વાયદા ટ્રેડિંગ બાદ હવે પાણીના વાયદાનો વેપાર

વોલસ્ટ્રીટે સોના-ચાંદી, ઓઇલ, કોમોડિટીમાં થાય છે એવી જ રીતે હવે પાણીના વાયદાના વેપાર પણ શરૂ કર્યા છે. કેલિફોર્નિયામાં પાણીની ‘કિંમત’ને સમજાવવા અને નાથવા એમ બન્ને આશયથી આ વાયદો શરૂ કરાયો હોવાનો દાવો કરાયો છે. ગત સોમવારે શિકાગો મર્કેન્ટાઇલ એક્સચેન્જ ખાતે જ્યારે આ વાયદો શરૂ થયો ત્યારે સપ્તાહમાં 1.1 અબજ ડોલરના સોદા થયા હતા.

અમેરિકન બજારો- શેરબજાર, કોમોડિટીઝ ઉપરાંત ભૂંડ સહિતના લાઇવ કેટલ ટ્રેડિંગના વાયદાઓ ચલાવવા માટે પણ પ્રખ્યાત છે. એમાંય માર્કેટ હવે ખેડૂતો, હેજ ફંડોને અમેરિકન વેસ્ટમાં પાણીની ઉપલબ્ધતા અને પાણીના ભવિષ્યના મોલ નક્કી કરવા મોકો આપશે. જોકે આ સિસ્ટમની જાહેરાત તો સપ્ટેમ્બરમાં થઇ હતી, પરંતુ ટ્રેડિંગ હમણાં શરૂ થયું છે. જોકે સોમવારે માત્ર બે ટ્રેડર્સ સોદા માટે ઉપસ્થિત રહ્યા હતા. કેલિફોર્નિયા અને આસપાસના વિસ્તારમાં પાણીની ભારે અછત, અવારનવાર દુષ્કાળની સ્થિતિ, જંગલમાં આગ જેવા વારંવાર ક્લાઇમેટ ચેન્જને કારણે આ વાયદો શરૂ કરીને પાણી બચાવવાનો અને યોગ્ય કિંમતનો ઉપાય શોધવાના ભાગરૂપે આ ટ્રેડિંગ શરૂ કરાયું છે. ખાસ કરીને ખેડૂતો અને મ્યુનિસિપાલિટીઓ માટે પાણીના ભાવમુદ્દે ચાલતી અનિશ્ચિતતાનો અંત આણવા માટે નવું માર્કેટ મદદ કરશે એવો પણ દાવો કરાયો છે.

2005માં ભારતે કાર્બન ક્રેડિટ વાયદો શરૂ કર્યો હતો
2005માં એમસીએક્સે કાર્બન ક્રેડિટ વાયદો શરૂ કર્યો હતો, પરંતુ એમાં જોઇએ એવી સફળતા નહિ મળતાં છેવટે એનું બાળમરણ થયું હતું. જોકે યુરોપમાં એમિશન ક્રેડિટના વાયદા શરૂ થયા છે, ત્યાં તમારા વાહને નિર્ધારિત પ્રમાણ કરતાં કેટલો ધુમાડો છોડ્યો એની પર પણ ચાર્જ લાગે છે.

ક્લાઇમેટના નામે સટ્ટાખોરી
કોમોડિટી એક્સપર્ટ બિરેન વકીલે જણાવ્યું હતું કે અતિ ઠંડી, ગરમી, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, દાવાનળ જેવી કુદરતી આફતો સામે પ્રાઇસ અને પુરવઠાના મેનેજમેન્ટના નામે અમેરિકામાં આવા વાયદાનો પ્રારંભ થયો છે, પરંતુ છેવટે તો વાયદાની પાછળ હાજરના ભાવો વધતા હોય છે અને મોંઘવારીને આમંત્રણ મળતું હોવાનું જોવા મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here