રાજકોટ : 27નાં મોત, મંજૂરી વગર 15 દર્દીને કોવિડની સારવાર માટે દાખલ કરાતા ચિરાયું હોસ્પિટલને નોટિસ ફટકારી

0
0

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે. જેથી તંત્ર દ્વારા ટેસ્ટીંગની સંખ્યા વધારી બમણી કરી દેવામાં આવી છે. રાજકોટમાં 24 કલાકમાં 27 દર્દીના મોત નિપજ્યાં છે. 14 રાજકોટ શહેરના, 5 ગ્રામ્યના અને અન્ય જિલ્લાના 3 દર્દીના સારવાર દરમિયાન મોત નિપજ્યાં છે. જ્યારે રાજકોટમાં અત્યાર સુધીમાં 3862 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાંથી 1458 દર્દીઓ રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. ગઈકાલે રેકોર્ડ બ્રેક એક સાથે 215 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. બીજી તરફ રાજકોટની ચિરાયું હોસ્પિટલમાં મંજૂરી વગર કોવિડના 15 દર્દીને સારવાર માટે દાખલ કરાતા હોસ્પિટલને નોટિસ ફટકારવામાં આવી છે.

મંજૂરી વગર કોવિડના 15 દર્દીને દાખલ કરવામાં આવતા ચિરાયું હોસ્પિટલને નોટિસ

રાજકોટમાં આવેલી ચિરાયું હોસ્પિટલને તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. મનપાની આરોગ્ય વિભાગની ટીમના ચેકિંગ દરમિયાન ચિરાયું હોસ્પિટલમાં 15 દર્દી કોવિડની સારવાર હેઠળ હોવાનું સામે આવ્યું હતું. જેથી તંત્રએ નોટિસ ફટકારી ચિરાયું હોસ્પિટલ સામે કાર્યવાહી હાથ ધરી છે.

તાવ, શરદી હોય તો પણ મનપાના આરોગ્ય કેન્દ્ર પર કોરોનાનો ટેસ્ટ કરી આપશે

મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, જો કોઈપણ વ્યક્તિને કોરોના વાઇરસ અંગેના કોઈપણ લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરે અથવા આપના વિસ્તારમાં આવતા ધન્વંતરિ રથ પર જઈ પોતાનું હેલ્થ ચેકઅપ કરાવી શકે છે. મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ધન્વંતરી રથ, સંજીવની રથ, 104 સેવા રથ અને કોવિડ-19 ટેસ્ટિંગ વ્હિકલ લોકોની સેવામાં કાર્યરત છે.

જિલ્લામાં 1300 ટીમો કોરોના અંગે સર્વે કર્યો

રાજકોટ જિલ્લામાં કોરોનાને લઈને સર્વેલન્સ સઘન કરવામાં આવ્યું છે. જિલ્લામાં 1300 ટીમો કોરોના અંગે સર્વે કરશે. 3857 કર્મચારીઓ સર્વેની કામગીરીમાં સામેલ કરવામાં આવ્યાં છે. 2 દિવસમાં 3.57 લાખ લોકોનો સર્વે કરવામાં આવ્યો છે. સર્વે દરમિયાન 422 લોકોને તાવ, શરદી અને ઉધરસના લક્ષણો જોવા મળ્યા હતા. 11 તાલુકા અને 6 નગરપાલિકાના આશરે 11.50 લાખ લોકોનો સર્વે કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here