જાહેરનામુ : અમદાવાદ જિલ્લાના વેપારીઓ, ફેરિયાઓ અને દુકાનદારો માટે વેક્સિનેશન ફરજિયાત

0
2

અમદાવાદમાં બીજી લહેર ઘાતક સાબિત થઈ હતી. આ સમયગાળામાં લોકો ત્રાહિમામ પોકારી ગયાં હતાં. પરંતુ બીજી લહેર ખૂબજ ઝડપથી નિયંત્રણમાં આવી રહી છે. એક સમયે કોરોનાના કેસનો આંકડો પાંચ હજારે પહોંચી ગયો હતો. જે હવે ડબલ આંકડામાં આવી ગયો છે. ત્યારે ત્રીજી લહેરને પહોંચી વળવા માટે અમદાવાદ જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં વેપારીઓ, ફેરિયાઓ, રિક્ષા ચાલકોને વેક્સિન ફરજિયાત કરવામાં આવી છે. જો વેક્સિન ના લીધી હોય તો RTPCRનો રીપોર્ટ ફરજીયાત બતાવવો પડશે.

RTPCR રિપોર્ટ છેલ્લા 10 દિવસ નો હોવો જોઈએ
અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાંગલેએ જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેરમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યાં છે. હવે કેટલાક નિષ્ણાંત ડોક્ટરો દ્વારા ત્રીજી લહેરની આગાહી પણ કરી છે. ત્યારે અમદાવાદ જિલ્લામાં કંટ્રોલમાં આવેલું સંક્રમણ વધે નહીં તે માટે જાહેરનામું બહાર પાડવામા આવ્યું છે. જેમાં જિલ્લાના દુકાનદારો, વેપારીઓ, ફેરિયાઓ, લારી- ગલ્લાવાળાઓ, રિક્ષા અને ટેક્સીચાલકો, હેર કટિંગ સલૂન, બ્યુટી પાર્લર, હેરકટિંગ સલૂન, ખાનગી સિક્યુરિટી ગાર્ડ, શોપિંગ કોમ્પલેક્સના વેપારી અને છુટક મજુરી કરતા કામદારોએ રસીકરણ આવશ્યક રીતે કરાવવું પડશે. તેમણે રસી નહીં લીધી હોય તો RTPCRનો રીપોર્ટ બતાવવો પડશે. આ રિપોર્ટ છેલ્લા 10 દિવસ નો હોવો જોઈએ.

જિલ્લાના વેપારીઓએ ફરજિયાત વેક્સિન લેવી પડશે ( ફાઈલ ફોટો)
જિલ્લાના વેપારીઓએ ફરજિયાત વેક્સિન લેવી પડશે ( ફાઈલ ફોટો)

જાહેરનામાનો ભંગ થશે તો કાર્યવાહી કરાશે
જો આ જાહેરનામાનો ભંગ થતો જોવા મળશે તો તેને એપેડેમિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ જાહેરનામું બહાર પાડવાનું કારણ એ છે કે હવે તમામ છુટછાટ આપવામાં આવી છે. ત્યારે સુપરસ્પ્રેડરના કારણે સંક્રમણ ફેલાય નહીં. આ જાહેરનામું 12 જૂનથી 11 જુલાઈ સુધી લાગુ કરવામા આવ્યું છે. જેમાં હેડકોન્સ્ટેબલ અને તેના ઉપરી અધિકારીઓને કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી છે. કલેકટરે ત્રીજી લહેરને ધ્યાનમાં લઈને સોલા હોસ્પિટલમાં 100 અને રૂરલ હોસ્પિટલમાં 250 બેડ ઉપલબ્ધ કરવાનો નિર્ણય લીધો છે. જેથી અચાનક આવેલી આફતને પહોંચી શકાય અને બીજી લહેરની જેમ લોકોને સારવાર માટે હોસ્પિટલની બહાર લાઈનો ન લગાવી પડે.

વેક્સિન ના લીધી હોય તો છેલ્લા 10 દિવસનો RTPCRનો રીપોર્ટ બતાવવો પડશે
વેક્સિન ના લીધી હોય તો છેલ્લા 10 દિવસનો RTPCRનો રીપોર્ટ બતાવવો પડશે

વેપારીઓએ વેક્સિન લીધી કે નહીં તેની પોલીસ તપાસ કરશે
સેકટર 1 જેસીપી આર વી અસારીએ જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં હવે નિયંત્રણો ઓછા થયા છે. વેપારીઓ હવે સુપર સ્પ્રેડર ન બને તેને લઈ વેપારીઓ માટે વેક્સિનેશન કેમ્પની આજથી શરૂઆત કરવામાં આવી છે. શહેર પોલીસ અને AMC દ્વારા સાથે મળી કાલુપુર સ્વામિનારાયણ મંદિર અને જમાલપુર સેન્ટ્રલ સ્ટોર ખાતે આજથી વેક્સિન આપવાની શરૂઆત કરાઈ છે. જે નાના- મોટા વેપારીઓ રોજગાર ધંધો કરે છે તેમની પોલીસ દ્વારા વેક્સિન લીધી છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે. બે ડોઝ લીધા છે કે કેમ તેની તપાસ કરશે અને જો કદાચ ન લીધા હોય તો તેમને વેપાર ન કરવા દેવાય તેવું પણ થઈ શકે છે.

અમદાવાદ શહેરમાં 23 લાખ અને જિલ્લામાં પાંચ લાખ લોકોએ વેક્સિન લીધી ( ફાઈલ ફોટો)
અમદાવાદ શહેરમાં 23 લાખ અને જિલ્લામાં પાંચ લાખ લોકોએ વેક્સિન લીધી ( ફાઈલ ફોટો)

શહેરમાં 23 લાખ અને જિલ્લામાં પાંચ લાખ લોકોએ વેક્સિન લીધી
અમદાવાદ શહેરમાં 23 લાખ બે હજાર 193 લોકોએ વેક્સિન લીધી છે. જેમાં 18 લાખ 67 હજાર 618 લોકોએ પહેલો ડોઝ અને 4 લાખ 34 હજાર 575 લોકોએ બીજો ડોઝ લીધો છે. જ્યારે જિલ્લાની વાત કરીએ તો પાંચ લાખ 33 હજાર 457 લોકોએ વેક્સિન લીધી છે. જેમાં 4 લાખ 37 હજાર 593 લોકોએ પહેલો ડોઝ અને 95 હજાર 864 લોકોએ બીજો ડોઝ લીધો છે. શહેરમાં આજે 34 હજાર 70 લોકોને વેક્સિન અપાઈ છે. જ્યારે જિલ્લામાં 7 હજાર 418 લોકોએ વેક્સિન લીધી છે.

24 કલાકમાં શહેરમાં 86 અને જિલ્લામાં 4 નવા કેસ નોંધાયા
9 જૂનની સાંજથી 10 જૂનની સાંજ સુધીમાં શહેરમાં 86 અને જિલ્લામાં 4 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 250 અને જિલ્લામાં 5 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમજ શહેરમાં 2 દર્દીના મોત થયાં છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 36 હજાર 926 થયો છે. જ્યારે 2 લાખ 31 હજાર 151 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક 3 હજાર 375 થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here