ક્રિકેટ ઓસ્ટ્રેલિયામાં ફેરફાર : હવે ઘરેલૂ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં દેશી કૂકાબુરા બોલથી રમશે ખેલાડી.

0
3

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) એ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ ટૂર્નામેન્ટ શેફિલ્ડ શિલ્ડમાં ડ્યૂક બોલનો ઉપયોગ નહીં કરવાનો નિર્ણય લીધો છે. તેના બદલે, આ સીઝન 2020-21માં, બધી ટૂર્નામેન્ટ્સ ફક્ત દેશી કૂકાબુરા બોલથી જ રમવામાં આવશે. ડ્યૂક બોલ ઇંગ્લેંડમાં બનાવવામાં આવે છે, જ્યારે ફૂકાબુરા ઓસ્ટ્રેલિયામાં બને છે.

ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડના કન્ડિશનમાં રમવાની તૈયારી માટે ઘરેલૂ ક્રિકેટમાં 2016થી ડ્યૂક બોલનો ઉપયોગ કરી રહ્યું હતું. CAના ક્રિકેટ ઓપરેશનના હેડ પીટર રોચે કહ્યું કે, ડ્યૂકને છોડવાનો નિર્ણય યોગ્ય સમયે લેવામાં આવ્યો છે.

એશિઝ રમવા માટે ડ્યૂક સાથે પ્રેક્ટિસ કરવી યોગ્ય હતી
રોચે કહ્યું, “શરૂઆતમાં ડ્યૂક પર પ્રેક્ટિસ કરવાનું સારું રહ્યું હતું. ખાસ કરીને ઇંગ્લેન્ડ દ્વારા યોજાયેલી એશિઝ શ્રેણી માટે આ બોલથી ટ્રેનિંગ કરવાનું અમારા માટે ફાયદાકારક રહ્યું છે. અમે આ બોલથી ઓસ્ટ્રેલિયામાં 4 વર્ષથી રમીએ છીએ.”

ઓસ્ટ્રેલિયા સહિત મોટાભાગની ટીમો કૂકાબુરાથી રમે છે
તેમણે કહ્યું કે, વિશ્વના મોટાભાગના દેશોમાં કૂકાબૂરા બોલથી ક્રિકેટ રમવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં, અમને લાગે છે કે અમારા બોલર્સ માટે ફરીથી આ બોલનો ઉપયોગ કરવો પડકારજનક હશે. પરંતુ તેનાથી વધુ ફાયદો પણ મળશે.

ડ્યૂક બોલથી સ્પિન બોલરોને ફાયદો થતો નથી
રોચે કહ્યું કે, “તાજેતરમાં જ જોવા મળ્યું છે કે સ્થાનિક ક્રિકેટમાં સ્પિન બોલરો ડ્યૂક બોલથી વધારે અસરકારક સાબિત થતા નથી. અમને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સ્પિનર્સની જરૂર છે, જેથી સ્પિન બોલિંગનો સામનો કરી શકે તેવા બેટ્સમેન તૈયાર થાય. અમને સ્પિનરો સામે ટકી શકે તેવા બેટ્સમેનની જરૂર છે.”

ભારતના એસજી બોલ સ્પિનરો માટે વધુ મદદગાર
એસજી બોલ હાથથી બનાવવામાં આવે છે અને સ્પિનરો માટે વધુ યોગ્ય છે. શરૂઆતની 10થી 20 ઓવર સુધી જ તે નેચરલી સ્વિંગ થાય છે. બોલની ચમક પણ જલ્દી જતી રહે છે. જોકે સીમના મામલે તે વધુ સારો છે.

ડ્યૂક ઝડપી બોલરોને મદદ કરે છે
ડ્યૂક બોલ પણ એસજીની જેમ હાથથી બનાવવામાં આવે છે. તેનો નેચરલ સ્વિંગ 50થી 60 ઓવર સુધી ચાલે છે. સીમ સીધી છે, તે ઝડપી બોલરો માટે યોગ્ય બનાવે છે. આ બોલમાં 20 થી 30 ઓવર પછી જ રિવર્સ સ્વિંગ શરૂ થાય છે. તે એસ.જી અને કુકાબુરરા કરતા રંગમાં ઘાટો છે.

કૂકાબુરાથી બેટિંગ સરળ થાય છે
ઓસ્ટ્રેલિયામાં બનેલા કૂકાબુરા બોલ હાથને બદલે મશીન દ્વારા બનાવવામાં આવે છે. તે ફક્ત 20થી 25 ઓવર જ સ્વિંગ થાય છે. સ્પિનર્સ માટે અન્ય બોલની સરખામણીએ ઓછો મદદગાર છે.

બોલનો ઉપયોગ કરવા અંગે ICCના કોઈ નિયમો નથી
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ની બોલના ઉપયોગ અંગે કોઈ ખાસ માર્ગદર્શિકા નથી. બધા દેશો તેમના કન્ડિશન પ્રમાણે બોલનો ઉપયોગ કરે છે. ભારતમાં એસજી, ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝમાં ડ્યૂક જ્યારે કૂકાબુરા બોલ અન્ય દેશોમાં વપરાય છે.