રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલવેમાં મુસાફરી કરતાં લોકો માટે એક સારા સમાચાર આપ્યા છે. તેમણે બુધવારે લોકસભામાં જણાવ્યું હતું કે ટ્રેનોમાં મુસાફરોને પીરસવામાં આવતા ભોજનના ભાવ અને મેનુ દર્શાવવું ફરજિયાત છે. એટલે ટૂંક સમયમાં તમે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે હવે પ્રિન્ટેડ મેનૂ મેળવી શકશો.
રેલવે મુસાફરી કરતાં લોકોને મોટાભાગે રેલવેની સ્વચ્છતા અને ગુણવત્તાને લઈને સમસ્યા રહેતી હોય છે. ત્યારે બુધવારે લોકસભામાં ખોરાકની ગુણવત્તા સુધારવા અંગે પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં કહ્યું હતું કે “મુસાફરો માટે માહિતી માટે IRCTC (ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન) ની વેબસાઇટ પર તમામ ખાદ્ય ચીજોની યાદી અને કિંમતો આપવામાં આવી છે. બધી વિગતો સાથે પ્રિન્ટેડ મેનુ વેઇટર્સને પૂરા પાડવામાં આવે છે અને મુસાફરોને માંગ પર આપવામાં આવે છે.”
રેલવે મંત્રીએ કહ્યું હતું કે કિંમત યાદીઓ રસોડાની ગાડીઓમાં પણ પ્રદર્શિત કરવામાં આવી છે. વધુમાં ભારતીય રેલવેમાં કેટરિંગ સેવાઓના મેનુ અને ચાર્જ વિશે મુસાફરોને જાગૃત કરવા માટે, મેનુ અને ચાર્જની લિંક સાથે મુસાફરોને SMS મોકલવાનું શરૂ કરવામાં આવ્યું છે.
ટ્રેનમાં મેનુ કાર્ડ ખાદ્ય ભાવ યાદીઓ, સ્વચ્છતા અને ખોરાકની ગુણવત્તા સુધારવા માટે લેવામાં આવેલા પગલાં અંગેના પ્રશ્નના જવાબમાં વૈષ્ણવે જણાવ્યું હતું કે નિયુક્ત ‘બેઝ કિચન’માંથી ખોરાકનો પુરવઠો, ઓળખાયેલા સ્થળોએ આધુનિક ‘બેઝ કિચન’ સ્થાપવા અને ખોરાકની તૈયારી દરમિયાન વધુ સારી દેખરેખ માટે સીસીટીવી કેમેરા લગાવવા જેવા પગલાં લેવામાં આવ્યા છે.
આ ઉપરાંત અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે રસોઈ માટે ઉપયોગમાં લેવાતા તેલ, લોટ, ચોખા, કઠોળ, મસાલા, પનીર, ડેરી ઉત્પાદનો તેમજ ખાદ્ય સલામતી અને સ્વચ્છતાની પસંદગી અને ઉપયોગ પર દેખરેખ રાખવા માટે ‘બેઝ કિચન’માં ખાદ્ય સુરક્ષા સુપરવાઇઝર તૈનાત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ટ્રેનોમાં IRCTC સુપરવાઇઝર પણ તૈનાત કરવામાં આવ્યા છે અને ફૂડ પેકેટ્સ પર ‘QR કોડ’ ગોઠવવામાં આવ્યો છે જેથી રસોડાના નામ, પેકેજિંગની તારીખ વગેરે જેવી માહિતી પ્રદર્શિત થાય.
વૈષ્ણવે જણાવ્યું હતું કે બેઝ કિચન અને કિચન વાહનોમાં નિયમિત સફાઈ અને સમયાંતરે જીવાત નિયંત્રણ, દરેક કેટરિંગ યુનિટના નિયુક્ત ફૂડ સેફ્ટી અધિકારીઓ પાસેથી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) નું પ્રમાણપત્ર ફરજિયાત બનાવવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે ટ્રેનોમાં ખોરાકની ગુણવત્તા સારી રહે તે સુનિશ્ચિત કરવા માટે નિરીક્ષણ અને દેખરેખ પદ્ધતિના ભાગ રૂપે નિયમિતપણે ખોરાકના નમૂના લેવામાં આવી રહ્યા છે. વધુમાં કહ્યું “રસોડાની કાર અને બેઝ કિચનમાં સ્વચ્છતા અને ખોરાકની ગુણવત્તા ચકાસવા માટે બાહ્ય એજન્સી દ્વારા ઓડિટ કરવામાં આવે છે. ગ્રાહક સંતોષ સર્વેક્ષણો પણ હાથ ધરવામાં આવે છે.”