વડોદરા : સ્કૂલોની પ્રથમ સત્રની ફી માફ કરવાની માંગ સાથે NSUIએ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીને તાળાબંધી કરી.

0
0

વડોદરા. કોરોનાની મહામારીને પગલે સ્કૂલોની પ્રથમ સત્રની ફી માફ કરવાની માંગ સાથે NSUIએ આજે વડોદરા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીને તાળાબંધી કરી હતી. અગાઉ અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા ફી માફીનો કોઇ નિર્ણય લેવામાં ન આવતા NSUIએ આક્રમક વલણ અપનાવ્યું હતું.

NSUIના કાર્યકરોએ શિક્ષણાધિકારીની કચેરીને બાનમાં લીધી 

પ્રથમ સત્રની ફી માફી સાથે NSUIના પ્રમુખ વ્રજ પટેલની આગેવાનીમાં કાર્યકરો દ્વારા શિક્ષણાધિકારીની કચેરીને બાનમાં લીધી હતી અને કચેરીમાં રાજ્યના શિક્ષણમંત્રી વિરૂદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યાં હતા. ત્યારબાદ શિક્ષણાધિકારી યુ.એન. રાઠોડની ગાડી પાસે બેસી જઇને ફી માફ કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા અને શિક્ષણ કચેરીના મુખ્ય ગેટને તાળાબંધી કરી દીધી હતી.

NSUIના પ્રમુખ કહે છે કે, વાલીઓની નોકરીઓ છૂટી ગઇ છે અને સ્કૂલો ફી માટે દબાણ કરે છે

NSUIના પ્રમુખ વ્રજ પટેલે જણાવ્યું હતું કે, વૈશ્વિક કોરોનાની મહામારીમાં અનેક વાલીઓના નોકરીઓ છૂટી ગઇ છે. વેપાર-ધંધો કરનાર વાલીઓને આર્થિક ફટકો પડ્યો છે. વાલીઓ ફી ભરી શકે તેવી સ્થિતિમાં નથી. તેમ છતાં સ્કૂલો દ્વારા ફી વસુલ કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા માત્ર જાહેરાતો કરવામાં આવ્યા છે. પરંતુ, સ્કૂલોમાં અમલ કરાવવામાં આવતો નથી. સ્કૂલોમાં રજા હોવા છતાં ફી વસુલ કરવામાં આવી રહી છે અને જે વાલીઓ ફી ભરતા નથી તેવા વાલીઓ ઉપર હજી પણ દબાણ કરવામાં આવે છે અને સ્કૂલમાંથી ઉઠાડી લેવાની ધમકીઓ આપવામાં આવી રહી છે.

ફી માફીનો નિર્ણય નહીં લેવાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, અગાઉ NSUI દ્વારા સ્કૂલોમાં પ્રથમ સત્રની ફી માફ કરવા માટે જિલ્લા શિક્ષણાધિકારીને લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી.,પરંતુ, તંત્ર દ્વારા કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. પરિણામે આજે બુધવારે NSUI દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીને તાળાંબંધ કરી દેવાની ફરજ પડી હતી. આ સાથે જિલ્લા શિક્ષણાધિકારીને પણ પુનઃ એક વાર સ્કૂલોની પ્રથમ સત્રની ફી માફ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આજના કાર્યક્રમ પછી પણ યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેવી ચીમકી પ્રમુખ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here