સુરત : કોરોનાનો વિસ્ફોટ થતા અનલોક-1ના 28 દિવસમાં ખાનગી અને હોમ ટ્રીટમેન્ટના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી

0
16

સુરત. સિવિલમાં બનાવાયેલી કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં દર્દીને ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ કરવાની કામગીરી સાથે ઓછી તકલીફવાળા કોરોના દર્દીઓમાં ઘરે સારવાર લેવાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. અનલોક-1 બાદ દેશભરમાં ઘરે સારવારની શરૂઆત કરવામાં આવી છે. જ્યારે કોરોનાના કેસમાં ઘરખમ વધારો થતા સુરતમાં છેલ્લા 10 દિવસમાં ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને શિફ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં 145 જેટલા દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે 155 જેટલા પોઝિટિવ દર્દીઓ ઘરે જ સારવાર લઈ રહ્યા છે.

સિવિલ હોસ્પિટલમાં રોજ રોજ દર્દીઓનું ભારણ વધી રહ્યું છે

અનલોક-1ની સાથે સુરત શહેર જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. છેલ્લા ચાર દિવસથી 190થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. જેથી શહેર જિલ્લાનો પોઝિટિવ કેસનો આંક 5000 નજીક પહોંચી ગયો છે. સુરત સિવિલ હોસ્પિટલમાં બનાવવામાં આવેલી કોવિડ હોસ્પિટલ સાથે પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં કોવિડના દર્દીઓને સારવાર આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલ ફુલ થઈ જતા હવે સ્મીમેર હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલ સાથે પણ કરાર કરાયા છે. સિવિલ હોસ્પિટલમાં રોજ રોજ દર્દીઓનું ભારણ વધી રહ્યું હોવાથી હવે સિવિલ હોસ્પિટલમાંથી ઓક્સિજન પર સારવાર લઈ રહ્યા હોય તેવા દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. તેમજ સ્ટેબલ દર્દીઓને પણ સમરસમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે.

પાલિકા તંત્ર દ્વારા કોવિડ ટ્રીટમેન્ટ એટ હોમને પ્રોત્સાહન

આજ સુધીમાં સિવિલ હોસ્પિટલમાંથી ખાનગી હોસ્પિટલમાં 145 દર્દીઓને શિફ્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અનેક લોકો સીધા પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે પહોંચી રહ્યાં છે તેઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. પાલિકા તંત્ર દ્વારા કોવિડ ટ્રીટમેન્ટ એટ હોમને પ્રોત્સાહન આપવામા આવી રહ્યું છે. જેના કારણે ઓછા લક્ષણ ધરાવતાં હોય તેવા દર્દીઓ સિવિલ કે સ્મીમેરમા સારવાર લેવાના બદલે ઘરે જ સારવાર લઈ રહ્યાં છે. સુરતમાં 155 લોકો એવા છે જેઓ પોઝિટિવ છે પરંતુ ઘરે જ સારવાર લઈ  રહ્યાં છે.