વિશ્વ નર્સિંગ દિવસ : કોરોનાની મહામારી વચ્ચે સગર્ભાવસ્થાના આઠમા મહિને પણ નર્સ વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં ફરજ બજાવે છે

0
11

વડોદરા. નર્સિગ સમુદાયની સેવાઓને પ્રોત્સાહિત કરવા માટે 12 મે રોજ વિશ્વ નર્સિંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. હાલ કોરોના વાઈરસની મહામારીમાં નર્સિંગ સ્ટાફ કોરોના વોરિયર્સની ભૂમિકામાં સતત કામગીરી કરી રહ્યો છે, ત્યારે વડોદરા શહેરની ગોત્રી હોસ્પિટલમાં છેલ્લા 4 વર્ષથી ફરજ બજાવતા અર્ચનાબેન જોષી સગર્ભાવસ્થાના આઠમા મહિને પણ પોતાની ફરજ બજાવી રહ્યા છે.

સગર્ભા નર્સ કહે છે કે, મારાથી જ્યાં સુધી થાય ત્યાં સુધી સેવા આપવાનો મારો નિર્ધાર છે

ગોત્રી હોસ્પિટલના નર્સ અર્ચનાબેન જોષીએ જણાવ્યું હતું કે, તકેદારીના ભાગરૂપે સગર્ભા બહેનોને કોરોના વોર્ડની ફરજોમાંથી બાકાત રાખવામાં આવે છે, પરંતુ હાલ નર્સિંગ સ્ટાફની ખૂબ જરૂર છે તેને અનુલક્ષીને મારાથી જ્યાં સુધી થાય ત્યાં સુધી સેવા આપવાનો મારો નિર્ધાર છે. હાલમાં હું ઓપરેશન થિયેટર માટે પાટા પિંડી તૈયાર કરવા, સાધનોને ઓટોકલેવ કરવાની કામગીરી સાથે સંકળાયેલા વિભાગમાં કામ કરું છું.

નર્સ કહે છે કે, હું કોરોના વોર્ડમાં કામ કરતી નથી, પરંતુ સંક્રમિત વ્યક્તિઓની શક્યતા હોવાથી સક્રમણ થવાની શક્યતા રહે છે

વધુમાં અર્ચનાબેન જોષીએ જણાવ્યું હતું કે, ભલે હું કોરોના વોર્ડમાં કામ ના કરતી હોઉ, પરંતુ હાલમાં હોસ્પિટલમાં અવર જવર કરતાં લોકોમાં સંક્રમિત વ્યક્તિઓ હોવાની શક્યતા રહે છે અને મારે તો મારી સાથે આવનારા બાળકની સુરક્ષા કરવાની છે, એટલે ખૂબ સાવચેતી લઉં છું. સેનેટાઈઝર સાથે જ રાખું છું અને ડગલેને પગલે તેનો ઉપયોગ કરું છું.

નર્સ કહે છે કે, અમે સ્વેચ્છાએ સ્વીકારેલી જોબ છે, એટલે સંજોગો ગમે તેવા અઘરા હોય અમારે ફરજ બજાવવી જોઇએ

અર્ચનાબેન જોષીએ જણાવ્યું હતું કે, હાલમાં ચેપ મુક્ત રહેવાની તકેદારી રૂપે લિફ્ટ વાપરવી હિતાવહ નથી. પરંતુ હું આ અવસ્થામાં દાદરા પણ ન ચડી શકું. એટલે ટિસ્યુ પેપર સાથે રાખું છું. લિફ્ટના હેન્ડલને હાથથી સીધો સ્પર્શના કરતા ટિસ્યુ પેપરથી પકડું છું અને બહાર નીકળીને તુરંત જ સેનેટાઈઝ કરવાની, હેન્ડ વોશ કરવાની, મારું ઘર હોસ્પિટલ પરિસરમાં હોવાથી જરૂર પૂરતી જ અવર જવર કરવાની, નોકરીમાંથી ઘેર પહોંચી સેનેટાઈઝ થવાની, સ્નાન કરવાની જરૂરી તમામ કાળજી લઉં છું. કારણ કે, અત્યારે સેવા આપવી એ કટોકટીના સમયની માંગ છે એટલે જાતને સુરક્ષિત રાખવાની તકેદારી રાખીને ફરજ બજાવું છું. અમે આ સ્વેચ્છાએ સ્વીકારેલી જોબ છે, એટલે સંજોગો ગમે તેવા અઘરા હોય અમારે ફરજ બજાવવી જોઇએ.

નર્સ કહે છે કે, દર્દીઓ અને તેમના પરિવારજનો સ્થિતિ સમજીને સારૂ વર્તન કરે તો અમારો ઉત્સાહ વધે છે

તેમણે જણાવ્યું હતું કે, હાલમાં જોખમી અને અઘરી ગણાતી કોરોના વોર્ડની ફરજો બાળ બચ્ચા અને પરિવારથી અળગી રહીને નર્સિંગની બહેનો અદા કરી રહી છે. અહીં સતત સાત દિવસ ફરજો બજાવવાની હોય છે અને ચેપ પ્રસરતો અટકાવવા ઘેર જવાને બદલે હોસ્ટેલમાં રહેવું પડે છે. ત્યારપછી 7 દિવસ ક્વોરન્ટીનનું પાલન કરવું પડે. એટલે નાના નાના બાળકો અને કુટુંબીજનોથી 14 દિવસની ફરજિયાત જુદાઈ પાળી તેઓ દર્દીઓની સંભાળ રાખે છે. મેલ નર્સ એટલે કે બ્રધર્સ પણ એટલી જ નિષ્ઠાથી ફરજો બજાવે છે. દર્દી અને તેમના પરિવારજનો સ્થિતિ સમજીને સારૂ વર્તન અને એપ્રિશિયેશન કરે તો અમારો ઉત્સાહ વધે છે.

નર્સિંગ સમુદાય રોજે રોજ કોરોનાગ્રસ્તોની નિર્ભય સેવા આપે છે

2020નું વર્ષ વિશ્વ આરોગ્ય સંસ્થાએ નર્સિંગના સેવા વ્યવસાયને સમર્પિત કર્યું છે અને કુદરત પણ જાણે એમની નિષ્ઠાની કસોટી કરતી હોય તેમ આ વર્ષે જ વિશ્વ કોરોનાની વિરાટ મહામારીના રૂપમાં આરોગ્ય કટોકટીનો સામનો કરી રહ્યું છે અને કપરા સંજોગોમાં નર્સિંગ સમુદાય રોજે રોજ કોરોનાગ્રસ્તોની નિર્ભય સેવા આપે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here