ગાંધીનગર: મહિલા અને બાળ વિકાસ ક્ષેત્રે દર વર્ષે હજારો કરોડ રૂપિયાનું બજેટ ફાળવાય છે અને તેટલો ખર્ચ કરાય છે છતાં રાજ્યમાં 1.42 લાખ બાળકો કુપોષિત હોવાનું ખુદ સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું છે. કુલ કુપોષિત બાળકો પૈકી 24,101 બાળકો તો અતિ ઓછું વજન ધરાવે છે. સૌથી વધુ 14,191 આવા બાળકો દાહોદ જિલ્લામાં જ્યારે 12,673 નર્મદા જિલ્લામાં છે.
કુપોષણ વિરુદ્ધની લડાઇમાં સૌએ સાથે મળીને કામ કરવું જરૂરી
વિધાનસભામાં કોંગ્રેસના નિરંજન પટેલે જણાવ્યું હતું કે કુપોષણ દૂર કરવા માટે ખાસ વિભાગ બનાવવો જોઇએ તેમજ ઝુંબેશ ઉપાડવી જોઇએ. 25 વર્ષથી ભાજપની સરકાર છે, લોકસભામાં બે વખત 26 બેઠક આવી છે ત્યારે કુપોષણ દૂર કરવાની જવાબદારી પણ ભાજપ સરકારે લેવી જોઇએ. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને શૈલેષ પરમારે કહ્યું કે કુપોષણ વિરુદ્ધની લડાઇમાં સૌએ સાથે મળીને કામ કરવું જરૂરી છે. રાજ્યકક્ષાના મંત્રી વિભાવરી દવેએ જવાબ આપતા કહ્યું હતું કે બાળકોને વિવિધ વય પ્રમાણે પોષણયુક્ત આહાર આપવા માટે બાળક દીઠ દૈનિક 12 રૂપિયા ખર્ચ કરાય છે.
રાજ્યને કુપોષણમુક્ત બનાવવા સૌ સાથે મળીને સંકલ્પ કરીએઃ રૂપાણી
કુપોષણની ગંભીરતાને ધ્યાને લઇને ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણી જવાબ આપતાં કહ્યું કે રાજ્યને કુપોષણમુક્ત બનાવવા જનઆંદોલન જરૂરી છે. તમામ ધારાસભ્યો કુપોષણમુક્ત ગુજરાત અને બેટી બચાવો, કુપોષણ હટાવોનો સંકલ્પ કરીએ.
સૌથી વધુ કુપોષિત બાળકો ધરાવતા 10 જિલ્લા
જિલ્લો | ઓછા | અતિઓછા | કુલ |
વજનવાળા | વજનવાળા | સંખ્યા | |
દાહોદ | 11,786 | 2,405 | 14,191 |
નર્મદા | 9,263 | 3,410 | 12,673 |
સાબરકાંઠા | 6,504 | 1,293 | 7,797 |
ભાવનગર | 5,813 | 1,228 | 7,041 |
છોટાઉદેપુર | 6,280 | 751 | 7,031 |
ખેડા | 6,008 | 1,013 | 7,021 |
વડોદરા | 5,876 | 978 | 6,854 |
પંચમહાલ | 5,335 | 821 | 6,156 |
બનાસકાંઠા | 4,968 | 1,103 | 6,071 |
આણંદ | 4,752 | 1,274 | 6,026 |