SCની કમિટિ પર વાંધો, ખેડૂતો પોતાની લડાઈ ચાલું રાખશે

0
5

સુપ્રીમ કોર્ટે ત્રણ કૃષિ કાયદાને લાગૂ થવાથી અટકાવી દીધા છે. કોર્ટે સરકાર-ખેડૂત સંગઠનો વચ્ચે વિવાદનો ઉકેલ લાવવા માટે જે કમિટિની રચના કરી, તેની પર વાંધો ઊઠાવ્યો છે. ખેડૂત સંગઠનોનો આરોપ છે કે કમિટિમાં સામેલ ચાર લોકો પહેલા કાયદાનું સમર્થન કરી ચૂક્યાં છે.તો આ તરફ ખેડૂતો પણ આંદોલનને ચાલું રાખવા માટે મક્કમ છે. આજે તેઓ કૃષિ કાયદાની નકલની હોળી કરશે.

કોંગ્રેસે કહ્યું- કોણ ન્યાય કરશે?

કોંગ્રેસે પણ કમિટિના સભ્યો અંગે સવાલ ઊઠાવ્યા છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટે જે ચિંતા વ્યક્ત કરી છે તેને અમે વધાવીએ છીએ પણ જે ચાર સભ્યની કમિટિ બનાવી છે તે ચોંકાવનારી છે. આ ચાર સભ્ય પહેલાથી જ કાળા કાયદાના પક્ષમાં પોતાનો મત આપી ચૂક્યાં છે. આ લોકો ખેડૂતો સાથે શું ન્યાય કરશે તે સવાલ છે? તેમણે વધુમાં કહ્યું કે, આ ચારેય તો મોદીજી સાથે ઊભા છે, આ લોકો શું ન્યાય કરશે.

કમિટિના સભ્ય અનિલ ઘનવટે કહ્યું- કોર્ટના આદેશ પર કામ કરીશું, અંગત મતને દૂર રાખશું કમિટિ પર ઊઠી રહેલા સવાલો વચ્ચે કમિટિના સભ્ય અનિલ ઘનવટે કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટે કમિટિ બનાવવાનો નિર્ણય કર્યો છે, ખેડૂતોનું આદોલન છેલ્લા 50 દિવસથી ચાલી રહ્યું છે અને આ દરમિયાન ઘણા ખેડૂતો શહીદ થયા છે. પરંતુ આ આંદોલને ક્યાંક તો અટકવું જોઈએ અને ખેડૂતોના હિતમાં કાયદો બનવો જોઈએ.

ખેડૂતો પોતાની લડાઈ ચાલું રાખશે

ખેડૂતો હજી પણ પોતાની લડાઈ ચાલું રાખવા માટે મક્કમ છે. બુધવારે લોહડીના અવસર પર સંગઠનો દ્વારા કૃષિ કાયદાની નકલોની હોળી કરાશે. સાથે જ 26 જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસના દિવસે શાંતિથી ટ્રેક્ટર રેલી કાઢવાની પણ વાત કહી છે, જો કે, આ મુદ્દા પર સુપ્રીમ કોર્ટે પણ ખેડૂતોને નોટિસ પકડાવી છે.