અડચણ : રાજકોટના ધોરણ 3થી 8ના 4 હજાર વિદ્યાર્થીના માસ પ્રમોશન સ્કૂલે અટકાવ્યા

0
7

શહેર અને જિલ્લાની અનેક શાળાઓમાં જૂની બાકી ફીને કારણે વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં પ્રવેશ નહિ અપાતો હોવાની અનેક વાલીઓની ફરિયાદ ઊઠી છે ત્યારે શાળા સંચાલકો, વાલીઓ અને શિક્ષણવિદ્દો જણાવે છે કે, કેટલીક શાળાઓ એવું કરી રહી છે કે જે વિદ્યાર્થીઓની જૂની ફી બાકી હોય તેમના વાલીઓને લેખિત પત્ર મોકલીને કે ફોન કરીને એવું જણાવી દેવાયું છે કે પહેલા જૂના સત્રની ફી ભરશો તો જ બાળકને આગળના ધોરણમાં મોકલવામાં આવશે.

મોટાભાગની સ્કૂલના 10થી વધુ વિદ્યાર્થીઓ અને જિલ્લામાં કુલ અંદાજિત 4 હજારથી વધુ વિદ્યાર્થીઓને જૂના સત્રની બાકી ફીના કારણે આગળના ધોરણમાં પ્રવેશ અપાયો નથી. આ સમગ્ર મામલે વાલીઓ અને વાલી મંડળના હોદ્દેદારોએ જિલ્લા શિક્ષણાધિકારી, શિક્ષણ સચિવ અને શિક્ષણમંત્રી સુધી ફરિયાદ અને રજૂઆત કરી છતાં કોઈ નક્કર નિરાકરણ આવ્યું નથી.

સોમવારથી શહેરની મોટાભાગની શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ પણ શરૂ કરી દેવાયું છે અને જે વિદ્યાર્થીઓને બાકી ફીના કારણે આગળના ધોરણમાં પ્રવેશ નથી અપાયો તે વિદ્યાર્થી ઓનલાઈન શિક્ષણથી પણ વંચિત રહે છે, ફી ભર્યા બાદ પ્રવેશ અને ત્યારબાદ જ ઓનલાઈન શિક્ષણ આપશે તેવું સંચાલકોએ વાલીને કહ્યું છે. આગળના ધોરણમાં પ્રવેશ નહીં મેળવનારા વિદ્યાર્થીઓ હાલ ઓનલાઈન શિક્ષણથી પણ વંચિત છે.

કોઈપણ શાળા વિદ્યાર્થીનું પ્રમોશન અટકાવી ન શકે
જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.કૈલાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીને કારણે અત્યાર સુધીમાં બધા ધોરણમાં માસ પ્રમોશન જ આપી દેવાયું છે. બોર્ડની પરીક્ષા પણ રદ થતા તે વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન અપાયું છે અને આ સરકારનો નિર્ણય છે કોઈપણ શાળા વિદ્યાર્થીનો આગળના ધોરણમાં પ્રવેશ અટકાવી શકશે નહીં. શાળાઓની ફી અને પ્રવેશ સંબંધિત કેટલીક ફરિયાદ આવી હતી જેમાં સ્કૂલ-વાલીના પ્રશ્નોનું નિરાકરણ કરાયું છે, હજુ પણ કોઈ વાલીને મુશ્કેલી હોય તો ડીઈઓ કચેરીનો સંપર્ક કરે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here