ગોંડલના તબીબની પત્નીના ત્રાસથી સાસુ-સસરા રાજકોટ પોલીસ સ્ટેશન પહોંચ્યા : મકાન કબ્જે કરી વારંવાર ધમકી આપે છે

0
22

ગોંડલમાં રહેતા તબીબનાં પત્નીએ સ્ત્રી તરફી કાયદાનો ગેરઉપયોગ કરી વૃદ્ધ સાસુ-સસરાને રાજકોટ ભાડાનાં મકાનમાં રહેવાં મજબૂર કરી દીધા છે. પુત્રવધૂ રાજકોટ પહોંચી સાસુ-સસરા અને પતિને ધમકાવી ખોટા કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી રહી છે. જેથી વૃદ્ધ દંપતી પોલીસ સ્ટેશન દોડી જઇ પુત્રવધૂનાં ત્રાસથી છોડાવવાં માટે અરજી કરી છે. વૃદ્ધ દંપતીનું કહેવું છે કે તેને ગોંડલનું મકાન પોતાના કબજામાં કરી લીધુ છે અને અમને વારંવાર ધમકી આપી રહી છે.

પુત્રવધૂએ ખોટા કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી હતી

મળતી વિગતો મુજબ રાજકોટનાં લક્ષ્મીનગર મેઇનરોડ ત્રિમૂર્તિ ટાવરમાં રહેતાં મુળ ગોંડલનાં નિવૃત શિક્ષક મનજીભાઈ ધનજીભાઈ સાવલીયાએ માલવીયાનગર પોલીસ ચોકીમાં રજૂઆત કરી છે કે તેમની પુત્રવધૂ હિરલે શનિવારનાં છઠ્ઠા માળે આવેલાં તેમનાં ભાડાનાં ફ્લેટ પર ધસી આવી હતી. રાડારાડી કરી જોરથી બારણું ખખડાવ્યું હતું. દેકારો સાંભળી સિક્યુરિટી મેન દોડી આવતાં હિરલે તેની સાથે ઝઘડો કરી ધક્કે ચડાવ્યો હતો. હું તમને બધાંને ખોટાં કેસમાં ફીટ કરી ફસાવી દઇશ. તેવી ધમકી આપી હિરલે દેકારો કરતાં હું તથાં મારા પત્ની અને પૌત્રી ડરનાં માર્યા રૂમમાં પૂરાઈ ગયાં હતાં. હિરલે તેની પુત્રી જે અમારી સાથે છે તેને લઇ જવાની ધમકી આપી હતી. બાદમાં હિરલ ચાલી જતાં મેં મારા પુત્ર ડોક્ટર લક્ષીતને ફોનથી જાણ કરતાં તે ગોંડલથી દોડી આવ્યો હતો.

પુત્રવધૂએ પોલીસ સ્ટેશનમાં અમારા વિરૂદ્ધ દહેજધારાની ફરિયાદ કરી હતી

મનજીભાઈ સાવલીયાએ વધુમાં જણાવ્યું કે મારો પુત્ર લક્ષીત ગોંડલમાં ડેન્ટિસ્ટ છે. તેનાં લગ્ન કુંકાવાવનાં દેવગામનાં વાલજીભાઈ ભુસાની પુત્રી હિરલ સાથે વર્ષ 2011માં લગ્ન થયા હતાં. દરમિયાન ગોંડલ અમારાં પરિવારમાં પુત્રવધૂ હિરલ દ્વારા માનસિક ત્રાસ શરૂ થયો હતો. તામસી સ્વભાવની હિરલ ગુસ્સે થઇ મારાં પુત્ર અને પૌત્રીને સાથે મારઝૂડ પણ કરતી હતી. આ અંગે મારા પુત્રએ પત્ની હિરલ સામે ગોંડલ પોલીસમાં માર્ચ 2020માં ફરીયાદ પણ કરી હતી. ત્યારબાદ હિરલે અમારા પર કુંકાવાવ પોલીસમાં દહેજધારા અંગે ખોટી ફરિયાદ કરી હતી. કજીયા કંકાસથી ત્રસ્ત થઈ હું અને મારાં પત્ની રાજકોટ રહેવાં આવી ગયાં હતાં. હિરલ માવતર ચાલી જતાં બાદમાં મારો પુત્ર લક્ષીત અને પૌત્રી પણ અમારી સાથે રાજકોટ રહેવાં આવી ગયાં હતાં.

વૃદ્ધ દંપતીએ પુત્રવધૂ સામે કાર્યવાહી કરવા માંગ કરી

વધુમાં જણાવ્યું હતું કે જુલાઈ માસમાં મારા ગોંડલ સ્થિત મકાનનાં તાળાં તોડી હિરલે કબજો કરી લીધો હતો. જે આજ સુધી ત્યાં હોવાથી અમે ગોંડલ જઇ શકતાં નથી. ઝઘડાળુ અને તામસી સ્વભાવની પુત્રવધૂ કંઇ પણ કરી શકે તેમ હોય, જેથી અમને સતત ડર લાગી રહ્યો છે. જેથી વૃદ્ધ દંપતીએ પુત્રવધૂ સામે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here