પાડોશી દેશ નેપાળમાં ફરી એકવાર સરકાર બદલાઈ ગઈ છે. પુષ્પ કમલ દહલ પ્રચંડ વિશ્વાસ મત હારી જતા વડાપ્રધાન પદથી રાજીનામું આપી ચુક્યા છે. જ્યારે કેપી શર્મા ઓલી પોચાના ગઠબંધન સહયોગી નેપાળી કોંગ્રેસ સાથે ફરી સરકાર બનાવવા જઈ રહ્યા છે. આ દરમિયાન નવા બનવા જઈ રહેલા વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ નવી ગઠબંધન સરકારમાં સામેલ કરવામાં આવતા મંત્રીઓની યાદી તૈયાર કરવાને લઈ વિચાર વિમર્શ કર્યો છે. ઓલીની આગેવાની હેઠળ નવી સરકાર સોમવારે શપથ લે તેવી શકયતા છે.
નેપાળમાં રાજકીય ઉથલ-પાથલ વચ્ચે નેપાળની કમ્યુનિસ્ટ પાર્ટી, યુનાઈટેડ માર્કસવાદી લેનિનવાદીના અધ્યક્ષ ઓલી ફરી વડાપ્રધાન બનશે. પુષ્પ કમલ દહલ પ્રચંડ શુક્રવારે સંસદમાં વિશ્વાસ મત હારી જતા પીએમ પદથી રાજીનામું ધરી દીધું હતું.
નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ રવિવારે સાંજ સુધી કેપી શર્મા ઓલીને નેપાળી કોંગ્રેસ-સીપીએન ગઠબંધનના નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કરી શકે છે. રાષ્ટ્રપતિ સોમવારે સવારે નવા પીએમ અને મંત્રીમંડળના બીજા સભ્યોને શપથ અપાવશે. શપથ સમારોહ શરૂ થતા પહેલા સોમવારે એક નાના મંત્રીમંડળની જાહેરાત થવાની શક્યતા છે. શુક્રવારે મોડી રાત્રે ઓલીએ શેર બહાદૂર દેઉબાના આગેવાન ધરાવતી પાર્ટી નેપાળી કોંગ્રેસના ટેકાથી આગામી વડાપ્રધાન બનવાનો દાવો કર્યો છે. બંધારણની કલમ76-2 હેઠળ સરકાર બનાવવા પ્રતિનિધિ સભાના 165 સભ્યોના હસ્તાક્ષર સોંપ્યા હતા. આ સાંસદોમાં ઓલીની પાર્ટીના 77 અને નેપાળી કોંગ્રેસના 88 સાંસદ સામેલ છે.
મળતી માહિતી પ્રમાણે નેપાળમાં નવી સરકારમાં કુલ 21 મંત્રીઓમાંથી નેપાળી કોંગ્રેસના નવ મંત્રાલય અને સીપીએન-યુએમએલને આઠ મંત્રાલય મળશે. ઉપરાંત વડાપ્રધાનનું પદ પણ મળશે. ગૃહ, વિદેશ, નાણાં અને ઊર્જા જેવા મુખ્ય પદોને એનસી અને યુએમએલ વચ્ચે વહેંચણી કરાશે. નેપાળઈ કોંગ્રેસને ગૃહ મંત્રાલય મળે તેવી શક્યતા છે. આ સિવાય નાણાં મંત્રાલય યુએએલને મળી શકે છે.
આ અગાઉ શનિવારે સાંજે સીપીએન-યુએમએલે ભવિષ્યની રણનીતિ પર ચર્ચા કરવા અને નવા મંત્રી મંડલમાં સામેલ કરવામાં આવનારા મંત્રીઓના નામને આખરી ઓપ આપવા એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. જો કે પાર્ટીના સિનિયર નેતા અને સ્થાયી સમિતિના સભ્ય અનુસાર શરૂઆતમાં એક નાનું મંત્રીમંડળ હશે, જે બાદ વિસ્તરણ કરવામાં આવશે.