સુશાંતસિંહ ના તેરમા પર પરિવારે સુશાંત સિંહ રાજપૂત ફાઉન્ડેશન બનાવ્યું.

0
8

સુશાંત સિંહના મૃત્યુ બાદ તેના તેરમા પર તેના પરિવારે સ્ટેટમેન્ટ રિલીઝ કર્યું છે. આ સ્ટેટમેન્ટમાં તેમણે અમુક અગત્યની જાહેરાત પણ કરી છે. પરિવારે સુશાંતને તેમનો બગીચો ગણાવ્યો છે. સુશાંતના પરિવારમાં તેના પિતા અને ચાર બહેનો છે.

સ્ટેટમેન્ટમાં લખ્યું હતું કે,

‘ગુડબાય સુશાંત. તમારા માટે સુશાંત સિંહ રાજપૂત અમારા માટે અમારો લાડલો ગુલશન હતો (‘ગુલશન’ સુશાંતનું નિકનેમ હતું. એ ખુલ્લા દિલનો, વાતોડિયો અને ખુશમિજાજી હતો. દરેક નવી વસ્તુ જાણવાની એને જબરી ઉત્કાંઠા રહેતી. તે સહેજ પણ ખચકાયા વિના સપનાં જોતો હતો અને તે સપનાંને વાસ્તવિકતામાં બદલવાનું સિંહ જેવું કાળજું પણ એની પાસે હતું. તે અમારા પરિવારનું ગૌરવ અને પ્રેરણા હતો.

એનું ટેલિસ્કોપ એના માટે સૌથી કીમતી વસ્તુ હતી, જેની મદદથી એ આકાશના તારા નિહાળ્યા કરતો. અમે હજી એ વાત સ્વીકારી શકતા નથી કે હવે અમને એનું હાસ્ય સાંભળવા નહીં મળે. એની ચમકતી આંખો અમે ક્યારેય જોઈ નહીં શકીએ. એની ક્યારેય પૂરી ન થતી સાયન્સની વાતો અમને ક્યારેય સાંભળવા નહીં મળે. એના જવાથી અમારા પરિવારમાં જે ખાલીપો આવ્યો છે એ ક્યારેય ભરાશે નહીં. પોતાના પ્રત્યેક ફેનને એ ભરપૂર પ્રેમ કરતો હતો.

અમારા ગુલશન પર આટલો બધો પ્રેમ વરસાવવા બદલ આભાર. હવે એની યાદગીરી અને એના વારસાને આગળ ધપાવવા માટે અમે ‘સુશાંત સિંહ રાજપૂત ફાઉન્ડેશન’ની જાહેરાત કરીએ છીએ, જેની મદદથી સિનેમા, સાયન્સ અને સ્પોર્ટ્સ ક્ષેત્રે આવી રહેલી નવી યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન અને નવી તકો મળશે. એમનું રાજીવ નગર, પટના ખાતે આવેલું ઘર મેમોરિયલમાં કન્વર્ટ કરવામાં આવશે. અમે એનો પર્સનલ સાધનો જેવાં કે પુસ્તકો, ટેલિસ્કોપ, ફ્લાઈટ સિમ્યુલેટર વગેરેને ત્યાં રાખીશું, જેથી એના ફેન્સ તેને જોઈ શકે.

હવેથી અમે તેનાં ઈન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ફેસબુક પેજને યાદગીરીનાં અકાઉન્ટ તરીકે ચલાવીશું, જેથી તેની યાદગીરી જીવંત રહે. આપ સૌની પ્રાર્થનાઓ માટે અમે આપના આભારી છીએ. – સુશાંતનો પરિવાર’

સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ પોતાના મુંબઈ ખાતે આવેલા ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. તેના આ આત્યંતિક પગલાની હજી પોલીસ તપાસ ચાલુ છે.