31મીએ વડાપ્રધાન મોદી કેવડિયાથી સી-પ્લેનનું ઉદ્ઘાટન કરશે, નર્મદા નદીમાંથી સી-પ્લેનમાં બેસીને અમદાવાદ સાબરમતી નદીએ ઊતરશે

0
8

આગામી 30 અને 31 ઓક્ટોબરના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહેલા વડાપ્રધાન મોદી રાત્રિ રોકાણ કેવડિયા કોલોનીમાં જ કરશે. આ ઉપરાંત 30મીએ રાત્રે કેવડિયા કોલોની ખાતે વિવિધ ગાર્ડન્સનું ઉદ્ઘાટન કરશે. એ પછી 31મીએ કેવડિયા કોલોનીથી જ સી-પ્લેનનું ઉદ્ઘાટન કરશે અને એમાં જ બેસી અમદાવાદ આવશે અને અમદાવાદથી સીધા જ દિલ્હી જવા રવાના થશે.

કેવડિયા ખાતેનું વોટર એરોડ્રોમ
(કેવડિયા ખાતેનું વોટર એરોડ્રોમ)

 

વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ

૩૧મી ઓક્ટોબર, સરદાર પટેલ જયંતી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, જેમાં તેઓ 30મીએ બપોરે 3:00 કેવડિયા કોલોની પહોંચશે, જ્યાં તેઓ જંગલ સફારી પાર્ક, ફેરી બોટનું ઉદ્ઘાટન કરશે. એ પછી સાંજે કેવડિયા કોલોની ખાતે જ ગ્લો ગાર્ડન, ભારતભવન અને એકતા નર્સરીનું ઉદ્ઘાટન કરશે તથા ગાર્ડનમાં ટહેલશે તેમજ તેઓ રાત્રે કેવડિયા કોલોની ખાતે જ રોકાશે.

અમદાવાદનું વોટર એરોડ્રોમ
(અમદાવાદનું વોટર એરોડ્રોમ)

 

મોદી સરદાર પટેલનાં ચરણની પૂજા કરશે

31 ઓક્ટોબર, સરદાર પટેલ જયંતી નિમિત્તે કેવડિયા કોલોની ખાતે આરોગ્ય ભવનનું ઉદ્ઘાટન કરશે. એ પછી વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા- સ્ટેચ્યુૂ ઓફ યુનિટી ખાતે પહોંચીને સરદાર પટેલનાં ચરણની પૂજા કરશે, જ્યાં રાષ્ટ્રીય એકતા દિન પરેડ યોજાશે. એ પછી રાષ્ટ્રીય એકતા દિવસ પ્રસંગે તેઓ રાષ્ટ્રજોગ પ્રવચન કરશે. આની સાથે તેઓ કેવડિયાથી જ 300 જેટલા IAS ઓફિસરને વિડિયો-કૉંન્ફરન્સથી સંબોધન કરશે અને અંતમાં નર્મદા નદીના તળાવ પાસે જઈને સી-પ્લેનનું ઉદ્ઘાટન કરીને એમાં જ બેસીને જ અમદાવાદ સાબરમતી નદીએ ઊતરશે.