મહુવા : જન્માષ્ટમીનાં દિવસે જ દરિયામાં ત્રણ યુવાનો ન્હાવા પડ્યા, બેના મોત, એકનો બચાવ, બથેશ્વર મહાદેવના દર્શન કરવા ગયા હતા

0
3

ભાવનગર. મહુવાના કળસાર ગામે બથેશ્વર મહાદેવના દર્શન કરવા માટે ત્રણ યુવાનો ગયા હતા. પરત ફરતી વખતે ત્રણેય યુવાનો દરિયામાં ન્હાવા પડ્યા હતા. જેમાં પાણીના તીવ્ર વહેણમાં તણાતા એકનો બચાવ થયો હતો અને વિશાલ અને રાજુ નામના બે યુવાનોના ડૂબી જતાં મોત નીપજ્યા હતા. મહુવા તાલુકાના માળવાવ ગામના રહેતા ત્રણેય યુવાનો કળસાર ગામે દરિયાકાંઠે આવેલા બથેશ્વર મહાદેવનાં મંદિરે જન્માષ્ટમી હોવાથી દર્શને માટે ગયા હતા. જન્માષ્ટમીનાં તહેવારે વિધિ કંઈ અલગ લેખ લખ્યા હોય અને ત્રણેય દર્શન કર્યા બાદ દરિયામાં ન્હાવા માટે પડ્યા હતા. ત્યારે દરિયામાં તીવ્ર મોજા ઊછળતા હોવાથી ત્રણેય યુવાનો દરિયાના પાણીમાં તણાયા હતા અને ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા.

મૃતક બંને યુવાનના મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયા

દરિયામાં ડૂબતા ત્રણેય યુવાનોને બચાવવા સ્થાનિક તરવૈયાઓ દોડી ગયા હતા. જેમાં 32 વર્ષનો યુવાન રમેશ આંબાભાઈ ડોડીયાને બચાવી લીધો હતો. બચી ગયેલા યુવાનને સારવાર માટે મહુવા સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે તેની સાથે રહેલા રાજુભાઈ આંબાભાઈ ડોડીયા અને વિશાલ લાલાભાઈ ડોડીયાના ડૂબી જવાથી મોત નીપજ્યાં હતા. બંનેના મૃતદેહને પીએમ માટે મહુવા હોસ્પિટલે ખસેડાયા હતા. ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ દોડી આવ્યા હતા અને પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે. મૃતક બંને યુવાનો એક જ પરિવારના હોવાનું જાણવા મળ્યું છે.