Monday, February 10, 2025
Homeઅમદાવાદ : NEPLના ડાયરેક્ટર પર ખંડણીનો આરોપ, ચાર્જ ન ભરવા પડે એટલે...
Array

અમદાવાદ : NEPLના ડાયરેક્ટર પર ખંડણીનો આરોપ, ચાર્જ ન ભરવા પડે એટલે યુનિટો આવું કરતા હોય છેઃ શૈલેષ પટવારી

- Advertisement -

અમદાવાદઃ ફેક્ટરીના કેમિકલયુક્ત પાણીના નિકાલ મામલે સાયોના કલર્સ પ્રા.લિ.ના ડાયરેક્ટર પરેશ પટેલે નરોડા એન્વાયર પ્રોજેક્ટ લિ.(NEPL)ના ડાયરેક્ટર શૈલેષ પટવારી પર ખંડણી માગવાનો આરોપ મુકી પોલીસ અને જીપીસીબીમાં અરજી આપી છે. આ અરજી મુજબ, શૈલેષ પટવારી દ્વારા ફેક્ટરી માલિકો પાસેથી ખંડણી ઉઘરાવવામાં આવે છે, જો ખંડણી ન આપવામાં આવે તો મનસ્વી રીતે ફેક્ટરીના કેમિકલના પાણી નિકાલ કરવાનો વાલ્વ બંધ કરવાની નોટિસ આપવામાં આવે છે. જેથી ફેક્ટરી માલિકોને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવે છે. નરોડા જીઆઇડીસીમાં એકમ ધરાવતા સાયોના કલર્સ પ્રા.લી.ના ડાયરેક્ટર પરેશ પટેલ દ્વારા ક્રાઇમ બ્રાંચના જોઇન્ટ કમિશનરને અરજી આપી શૈલેષ પટવારી સામે ખંડણી સહિત આઇપીસીની અન્ય કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધવા રજૂઆત કરી છે.

તો બીજી તરફ ઈન્ચાર્જ જેસીપી ક્રાઈમ એસ.મુદલિયારે DivyaBhaskarને જણાવ્યું કે, મારે ચેક કરવું પડે, કારણ કે આવી અરજીઓ તો બહુ આવતી હોય છે.

ચાર્જ ન ભરવા પડે એટલે યુનિટો આવું કરતા હોય છે, કોઈ પાછળ પડ્યું નથીઃ શૈલેષ પટવારી
આ અંગે NEPLના ડાયરેક્ટર શૈલેષ પટવારીએ DivyaBhaskarને જણાવ્યું કે, વરસાદ હોય તો વરસાદી પાણી સાથે કેમિકલયુક્ત પાણી છોડી દીધું હોય અથવા પાણી છોડ્યું હોય તો હાઈલી ટોક્સિક છોડે જેની અંદર મારે સીએટીપી (કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ)માં પ્રોબ્લેમ થાય અને નોર્મ્સ 3 હજારનું લઈ શું તો 10 હજારનું કે 20 હજારનું છોડે. જે પકડાય એટલે બંધ કરીએ અને દંડ કરીએ. આ ચાર્જ ન ભરવા પડે એટલે યુનિટો આવું કરતા હોય છે. આ યુનિટના અમારી પાસે ફોટોગ્રાફ્સ અને સોંગદનામા સહિતના તમામ પેપર્સ છે. તેમણે પોલીસ અને જીપીસીબી(ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ)માં પણ કમ્પ્લેન કરી છે. મને હજુ કમ્પેલન મળી નથી. આપણી પાસે તમામ પુરાવા છે. કોઈ પાછળ પડ્યું નથી. ખોટું કરતા તમામ યુનિટને આવી પેનલ્ટી થઈ છે. અમે સીએટીપી ન ચલાવીએ તો એનજીટી 10-20 કરોડની પેનલ્ટી કરે છે. અમે કાલે બોર્ડ મીટિંગ બોલાવી છે તે નિર્ણય કરશે, બોર્ડ કહેશે તો રાજીનામું આપી દઈશ.

ફરિયાદીના યુનિટનું એફ્લૂએન્ટના પાણીનું નિકાસ કરવાનો વાલ્વ બંધ કરવાનો આરોપ
આ અરજીમાં શૈલેષ પટવારીથી ફેક્ટરી માલિકો કંટાળ્યા હોવાનું અને તેઓને ધંધામાં કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવતો હોવાની રજૂઆત કરી છે. સાયોના કલર્સ પ્રા.લિ.ના ડાયરેક્ટર પરેશ પટેલ નરોડા જીઆઇડીસીમાં 162/163 ફેઝ-2માં સ્ટાર એક્સપોર્ટ હાઉસના સ્ટેટસ સાથે આર્ટીફિશિયલ ફૂડ કલરનું ઉત્પાદન કરે છે. ફૂડ કલરની નિકાસ કરી તેઓ દેશને કરોડોનું વિદેશી હુંડીયામણ રળી આપે છે. તેમણે અરજીમાં જણાવ્યું હતુ કે, નરોડા જીઆઇડીસીમાં આવેલી કેમિકલ ફેક્ટરીઓના એફ્લૂએન્ટના પાણીનું NEPL દ્વારા યોગ્ય ટ્રીટમેન્ટ કરી AMCની મેગા પાઇપ લાઇનમાં ડિસ્ચાર્જ કરવાનું હોય છે પણ શૈલેષ પટવારીએ 26 જુન 2019ના રોજ તેઓના એકમને નોટિસ આપી હતી. જેમાં કોઇપણ પ્રકારની સહી, રિપોર્ટ, નિરીક્ષણ કે સેમ્પલ વગર 25 હજારની ખંડણી માગી હતી અને ફરિયાદીના યુનિટનું એફ્લૂએન્ટના પાણીની નિકાસ કરવાનો વાલ્વ બંધ કરી દીધો હતો. તેઓને જાણી જોઇ ટાર્ગેટ કરી વારંવાર ખંડણી માગવામાં આવે છે. ખંડણી અંગેનો વિડિયો પણ રેકોર્ડ કરી પોલીસને સોંપવામાં આવ્યો છે.

શૈલેષ પટવારીને રૂ.5.60 લાખ એડવાન્સ આપ્યા છતાં શેડ બન્યો નથીઃ અરજીમાં ઉલ્લેખ
તેમણે અરજીમાં વધુમાં જણાવ્યું હતુ કે, શૈલેષ પટવારી વિવિધ રીતે ખંડણી માગે છે જેમ કે, તેમના પોતાનો નેક્સેસ ઇન્ફ્રા. પ્રા.લિ.ના નામે ઉદ્યોગ ચાલે છે. અમે શેડ બનાવવા માટે શૈલેષ પટવારીને રૂ.5.60 લાખ એડવાન્સ આપ્યા હતા પણ આજ સુધી શેડ બનાવી દીધો નથી. આ રૂપિયા પરત માગો એટલે તેઓ એફ્લૂએન્ટના પાણી બંધ કરવાની ધમકી આપવાની સાથે દાદાગીરી કરી કહે છે કે, ‘મારે જીપીસીબીમાં સંબધ છે, મુખ્યમંત્રી ખૂબ જ નજીકના છે, તમારી ફેક્ટરી બંધ કરાવી દઇશ.’ જેથી ફરિયાદીએ આજે NEPLના ડાયરેક્ટર શૈલેષ પટવારી વિરૂદ્ધમાં અરજી આપી પોલીસ ફરિયાદ નોંધવા માટે દાદ માગી છે, તેઓનું કહેવું છે કે, શૈલેષ પટવારી ગેરકાયદે ફેક્ટરી માલિકોને હેરાન કરી રહ્યાં છે સાથે તેઓની પાસેથી ખંડણી ઉઘરાવવાનું રેકેટ ચલાવી રહ્યાં છે જેમાં સીઇઓ, સ્ટાફ અને સમ્પ ઓપરેટરોની પણ મીલીભગત છે.

પટવારી પર AMCની મેગાલાઇનમાં અનટ્રીટેડ કેમિકલ વોટર છોડવાનો આરોપ

NEPLના ડાયરેક્ટર શૈલેષ પટવારી દ્વારા AMCની મેગા લાઇનમાં અનટ્રીટેડ વોટર છોડવાનું કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું હોવાથી સાબરમતી નદીમાં પ્રદૂષણ વધી રહ્યું છે. શૈલેષ પટવારીની કંપની એનઇપીએલ દ્વારા જીપીસીબી, સીપીસીબી અને એનઓઇએફ દ્વારા સુપરત કરાયેલા અહેવાલ મુજબ, NEPL સાઇટ ઉપર વાસ્તવિક રીતે કંઇપણ કરાતું નથી. બધી મશીનો અને ઉપકરણોનો ઉપયોગ કરાતો નથી. તમામ કચેરીઓ અને સંબધોને સંચાલિત કરી શૈલેષ પટવારી મ્યુનિસિપલની મેગા લાઇનમા અનટ્રીટેડ વોટર છોડી રહ્યાં છે. વધુમાં મશીનો જેવા કે, મલ્ટીપલ સ્ટેજ ઇવાપોરેટર (ME) અને અન્ય ઉપકરણો યાંત્રિક રીતે કાર્યરત નથી તેવો અરજીમાં ઉલ્લેખ કરાયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular