કરજણ બેઠક : પેટાચૂંટણીની પૂર્વ રાત્રિએ 57,700 રૂપિયા નીકળેલા 2 શખ્સ ઝડપાયા, કોંગ્રેસના કાર્યકરે રૂપિયા આપ્યા હોવાની કબૂલાત.

0
7

ગુજરાત વિધાનસભાની કરજણ બેઠકની પેટા ચૂંટણીના મતદાનની પૂર્વ રાત્રિએ મતદારોને રિઝવવા માટે 57,700 રૂપિયા લઇને રોપા ગામ પાસેથી પસાર થઇ રહેલા 2 વ્યક્તિઓ કરજણ પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. પોલીસે બે વ્યક્તિઓની રોકડ રકમ, કાર તેમજ બે મોબાઇલ મળી કુલ 10,66,700 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે. બંને આરોપીઓએ કોંગ્રેસના કાર્યકર મીત પટેલે રૂપિયા આપ્યા હોવાની કબૂલાત કરી છે.

કારમાં રૂપિયા લઇને બંને આરોપી નીકળ્યા હતા
(કારમાં રૂપિયા લઇને બંને આરોપી નીકળ્યા હતા)
પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી
મતદાનની પૂર્વ રાતને કતલની રાત કહેવાય છે. મતદારોને રિઝવવા માટે રાજકીય પક્ષો દ્વારા નાણાંની કોથળીઓ ખુલ્લી મૂકી દેવામાં આવે છે અને દારૂની રેલમછેલ થાય છે, પરંતુ, રાજકીય પક્ષો દ્વારા તંત્રના ન્યાયિક ચૂંટણીના દાવાના ધજાગરા ઉડાડતા હોય છે. કરજણ પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ લાલભા છનુભાઇ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, રાત્રે 2:30 વાગ્યાના સુમારે રોપા ગામ પાસે પેટ્રોલિંગમાં હતા. તે સમયે એક કાર પસાર થતાં તેને રોકી હતી. અને કારમાં તપાસ કરતા તેમાંથી રોકડા 57,700 રૂપિયા મળી આવ્યા હતા. કારમાં સવાર વ્યક્તિઓની નાણાં અંગે પૂછપરછ કરતા તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. જેથી વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારીના જાહેરનામાના ભંગ બદલ 57,700 રૂપિયા રોકડા, કાર અને બે મોબાઇલ કબજે કરવામાં આવ્યા હતા.

 

આરોપીઓના કોવિડ-19ના ટેસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી

આ સાથે આ બનાવમાં સોહિલ મહંમદ ચૌહાણ (રહે. તરસાલી ગામ, કુંભાર ફળીયું વડોદરા), વિઘ્નેશ દિલીપભાઇ પટેલ (રહે. વેમાર, કરજણ) અને મીત પટેલ નામના વ્યક્તિ સામે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને ત્રણ પૈકી સોહિલ ચૌહાણ અને વિઘ્નેશ ચૌહાણની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ધરપકડ કરાયેલા બંને આરોપીના કોવિડ-19 ટેસ્ટની કાર્યવાહી કરવામાં આવી છે. કોવિડ-19ના ટેસ્ટ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

કોંગ્રેસના કાર્યકર મીત પટેલે રૂપિયા આપ્યા હોવાની બંને આરોપીઓની કબૂલાત

સોમવારે મોડી રાત્રે કરજણ તાલુકાના રોપા ગામ પાસે 57,700 રૂપિયા સાથે 3 વ્યક્તિઓની ધરપકડ થતાં તાલુકા પંથકમાં ચકચાર મચી ગઇ હતી. ઝડપાયેલા 2 વ્યક્તિ સહિત ત્રણ વ્યક્તિઓ મોડી રાત્રે મતદારોને રીઝવવા માટે નાણાં આપવા માટે નીકળ્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ઝડપાયેલા બે વ્યક્તિઓએ કોંગ્રેસના કાર્યકર મીત પટેલે રૂપિયા આપ્યા હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી છે અને રોપા ગામ પહોંચીને રૂપિયા કોને આપવાના છે, તેમ જણાવશે તેવું જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here