બ્રિસ્બેન ટેસ્ટના પહેલા દિવસે ઓસ્ટ્રેલિયન દર્શકોએ સિરાજને ભમરો કહ્યો

0
2

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ પણ વિવાદમાં આવી ગઈ છે. ટેસ્ટના પહેલા દિવસે 2 ભારતીય ખેલાડીઓ પર અભદ્ર અને વંશવાદીય ટિપ્પણી કરવામાં આવી. ઓસ્ટ્રેલિયાના છાપા સિડની મોર્નિંગ હેરાલ્ડના જણાવ્યા પ્રમાણે બોલર મોહમ્મદ સિરાજ અને વોશિંગ્ટન સુંદરને દર્શકોએ ભમરો કહ્યો હતો. છેલ્લા 6 દિવસમાં આવું ત્રીજી વખત બન્યું છે જ્યારે ભારતીય ખેલાડીઓ પર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે. આ પહેલા, સિડની ટેસ્ટના ત્રીજા અને ચોથા દિવસે ઓસ્ટ્રેલિયન દર્શકોએ સિરાજને વાંદરો અને કૂતરો કહ્યો હતો.

સિડની મોર્નિંગ હેરાલ્ડમાં રિપોર્ટ છપાયો

સિડની મોર્નિંગ હેરાલ્ડે એક દર્શક કેટના હવાલાથી રિપોર્ટ છાપ્યો છે. કેટના જણાવ્યા પ્રમાણે, ઘટના વખતે સિરાજ અને સુંદર બાઉન્ડ્રી લાઈન પર ફિલ્ડીંગ કરી રહ્યાં હતા. જ્યારે તેમની પાછળ બેઠેલા દર્શક બન્નેને ભમરો કહીને બોલાવી રહ્યાં હતા. કેટે કહ્યું કે, આ એકદમ સિડની જેવો માહોલ હતો. દર્શકોએ પહેલા તો ગાવાનું શરૂ કર્યું અને પછી ગેરવર્તન કરવા માંડ્યા.

પત્રકાર સેમ ફિલિપ્સે વીડિયો પોસ્ટ કર્યો

સિડની મોર્નિંગ હેરાલ્ડના પત્રકાર સેમ ફિલિપ્સે આ ઘટનાનો વીડિયો પોસ્ટ કર્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યું કે, ગાબામાં દર્શકોએ એક સપ્તાહની અંદર ત્રીજી વખત સિરાજ પર અભદ્ર ટિપ્પણી કરી.

CAના આશ્વાસન છતા દુર્ઘટના બની

સિડનીમાં વિવાદ પછી ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ(CA)ટીમ ઈન્ડિયાની માફી માંગી હતી. તેમણે કહ્યું હતું કે, વંશવાદીય ટિપ્પણી અંગે અમારી ઝીરો ટોલરેન્સ પોલિસી છે.અમે આ પ્રકારની ઘટનાને સહેજ પણ નહીં ચલાવી લઈએ અને મામલા પર એક્શન જરૂર લેવાશે. તેમ છતા સતત બીજા ટેસ્ટમાં વંશવાદીય ટિપ્પણીનો કેસ સામે આવ્યો. આટલું જ નહીં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (ICC)પણ સિડની વાળી ઘટનાની નિંદા કરી હતી.

સિડની ટેસ્ટમાં સતત બે દિવસ વંશવાદીય ટિપ્પણી

આ પહેલા સિડની ટેસ્ટના ત્રીજા(9 જાન્યુઆરી)અને ચોથા દિવસે(10 જાન્યુઆરી)મો. સિરાજ વિરુદ્ધ અભદ્ર અને વંશવાદીય ટિપ્પણી કરવામાં આવી હતી. બાઉન્ડ્રીની પાસે બેઠેલા દર્શકોની એક ટોળી સતત સિરાજને બ્રાઉન મંકી અને બિગ ડોગ કહી રહી હતી. સિરાજે તેની ફરિયાદ ફિલ્ડ એમ્પાયર પોલ રાફેલને કરી હતી. ત્યારપછી મેચને થોડીક વાર માટે અટકાવી દેવાઈ પણ હતી. પોલીસે 6 દર્શકોને સ્ટેડિયમની બહાર કાઢ્યાં હતા.