લાભપાંચમના પવિત્ર દિવસે શક્તિપીઠ બહુચરાજીમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું, સોશિયલ ડિસ્ટન્સ ન જળવાયું.

0
3

આજે ગુરુવારે લાભપાંચમના પવિત્ર દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શક્તિપીઠ બહુચરાજી ખાતે દર્શન કરવા ઉમટી પડ્યા હતા. અહીં એક જ દરવાજાથી ભક્તોને દર્શન માટે પ્રવેશ અપાતો હોઈ સોશિયલ ડિસ્ટન્સ ક્યાંય જળવાતું ન હતું, તો દર્શનપથથી લઇને છેક મંદિરના ગર્ભગૃહ સુધી હકડેઠઠ ભીડ જોવા મળી હતી. એક અંદાજ મુજબ આજે 50 હજારથી પણ વધુ શ્રદ્ધાળુઓએ મા બહુચરના દર્શનનો લાભ લીધો હતો. કોરોનાની સ્થિતિ વચ્ચે ભક્તોએ સોશયિલ ડિસ્ટન્સ ન જાળવીને નિયમોનું પાલન કર્યુ ન હતું. આના માટે એક જ દરવાજો ખુલ્લો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

એક જ દરવાજાથી ભક્તોને દર્શન માટે પ્રવેશ અપાતો હોવાથી સોશિયલ ડિસ્ટન્સ ન જળવાયું
(એક જ દરવાજાથી ભક્તોને દર્શન માટે પ્રવેશ અપાતો હોવાથી સોશિયલ ડિસ્ટન્સ ન જળવાયું)

 

વેપારીઓએ મા બહુચરના દર્શન કર્યા

દિવાળી વેકેશન બાદ વેપારીઓ લાભ પાંચમના પવિત્ર દિવસથી નવા વર્ષે વેપાર-ધંધાની શુભ શરૂઆત કરતા હોય છે. નવા વર્ષના ધંધા રોજગાર શરૂ કરતાં પહેલાં વેપારીઓ તેમના કુળદેવી કે ઈષ્ટ દેવતાના દર્શને અચૂક જતા હોય છે. ત્યારે વેપારીઓએ પણ મા બહુચરના દર્શન કરીને પોતાના વેપાર-ધંધાની શુભ મૂહુર્તમાં શરૂઆત કરી હતી.

બાળકો સાથે મોટેરાઓ મા બહુચરના દર્શને ઉમટ્યા હતા
(બાળકો સાથે મોટેરાઓ મા બહુચરના દર્શને ઉમટ્યા હતા)

 

વેપાર પહેલા શ્રીફળ અને ચૂંદડી લેવાનો રિવાજ

ઉલ્લેખનીય છે કે, વેપારીઓ નવા વર્ષે વેપાર-ધંધાની શરૂઆત કરતાં પહેલા મંદિરમાંથી શ્રીફળ અને ચૂંદડી અચૂક લઇ જતા હોય છે, જેને વર્ષભર દુકાન કે પેઢીમાં ભગવાનના ગોખમાં રાખી પૂજા કરવામાં આવતાં સારી બરકત રહેતી હોવાની શ્રદ્ધા વિદ્યમાન છે.